Hamas
Spread the love

બદરખાન સુરીની હમાસના (Hamas) સમર્થનમાં પ્રચાર કરવાના આરોપમાં યુએસ ઈમિગ્રેશન અધિકારીઓએ વર્જીનિયામાંથી ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેની ગતિવિધિઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિઓ વિરુદ્ધ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેને દેશમાંથી તગેડી મુકવામાં આવી શકે છે.

હમાસનું (Hamas) સમર્થન કરવાના ભારતીય વિદ્યાર્થી બદરખાન સૂરી પર આરોપો

બદરખાન સૂરી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પોસ્ટડોક્ટરલ ફેલો તરીકે અભ્યાસ કરતો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના આસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિસિયા મેકધોલિને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા દાવો કર્યો છે કે, બદરખાન સુરી સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી સંદેશાઓ ફેલાવવામાં અને હમાસના (Hamas) સમર્થનમાં પ્રચાર કરવામાં સામેલ હતો. ટ્રિસિયાe આગળ લખ્યું કે, એક જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી જે હમાસનો વરિષ્ઠ સલાહકાર છે તેની સાથે સુરીના ગાઢ સંબંધો છે. રાજ્ય સચિવે 15 માર્ચ, 2025 ના રોજ એક નિર્ણય જારી કર્યો હતો કે સુરીની પ્રવૃત્તિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપસ્થિતિ તેને INA કલમ 237(a)(4)(C)(i) હેઠળ દેશનિકાલ કરી શકાય છે.

ભારતીય વિદ્યાર્થીની રંજની શ્રીનિવાસનનો વિઝા રદ

તાજેતરમાં, કોલંબિયા યુનિવર્સિટીની ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસનનો વિઝા પણ આવા જ આરોપોને કારણે રદ કરવામાં આવ્યો હતો. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તે હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. વિઝા રદ્દ થયા બાદ તેણે અમેરિકા છોડી દીધું હતું. શ્રીનિવાસનને F-1 વિદ્યાર્થી વિઝા પર શહેરી આયોજનમાં પીએચડી કરવાની અનુમતિ મળી હતી, પરંતુ તેનો વિઝા 5 માર્ચે રદ કરવામાં આવ્યો હતો અને તે 11 માર્ચે અમેરિકા છોડી દીધું હતું.

કોલંબિયા યુનિવર્સિટી પર કડક કાર્યવાહી, ફંડિંગ બંધ કરાયું

ટ્રમ્પ પ્રશાસને કોલંબિયા યુનિવર્સિટીને 400 મિલિયન યુએસ ડોલર (લગભગ 33 અબજ રૂપિયા)ની ફેડરલ ગ્રાન્ટની રકમ રોકી દીધી છે. યુનિવર્સિટીમાં યહૂદી વિદ્યાર્થીઓ સાથે કથિત ભેદભાવ અને વિરોધને રોકવામાં નિષ્ફળતાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે તે સંયુક્ત ટાસ્ક ફોર્સે આ મામલાની તપાસ કર્યા બાદ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઈ યુનિવર્સિટી યહૂદી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરે તો તેની ફેડરલ નાણાકીય સહાય બંધ કરી દેવામાં આવશે.

અન્ય ધરપકડો અને દેશનિકાલની શક્યતા

યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ પેલેસ્ટિનિયન વિદ્યાર્થી લેકા કોરડિયાની પણ અટકાયત કરી છે, જે 2022 થી એક્સપાયર્ડ વિદ્યાર્થી વિઝા પર યુએસમાં રહેતી હતી. કોલંબિયા યુનિવર્સિટીમાં હમાસ (Hamas) તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી.

આ સિવાય કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મહમૂદ ખલીલની પણ અટકાયત કરવામાં આવી છે. ખલીલ પર ઈઝરાયેલ વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવાનો આરોપ છે. તેને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેને દેશનિકાલ કરવામાં આવી શકે છે તેવી શક્યતા જણાઈ રહી છે.

યુએસ પ્રશાસન યુનિવર્સિટી કેમ્પસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે અને આવા મામલામાં તપાસ પ્રક્રિયા વધુ કડક બની શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “હમાસના (Hamas) સમર્થનમાં પ્રોપેગેંડા ફેલાવવાનો આરોપ, ભારતીય વિદ્યાર્થી બદરખાન સૂરીની અમેરિકામાં ધરપકડ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *