ગયા અઠવાડિયે મેક્સિકન સંસદમાં દર્શાવવામાં આવેલા કથિત એલિયન્સના મૃતદેહોનું લેબ ટેસ્ટ કરવામાં આવ્યું છે. કથિત એલિયન્સના મૃતદેહો અંગે તેને શોધનારા મેક્સીકન પત્રકાર અને યુફોલોજિસ્ટ જેઈમ મોસને દાવો કર્યો હતો કે આ (કથિત) એલિયન્સના હાડપિંજરને માનવ ઉત્ક્રાંતિ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. મેક્સિકન સંસદમાં જ્યારે પ્રથમ વખત એલિયન્સના મમીની જેમ સચવાયેલા હોય તેવા હાડપિંજર રજૂ કરતી વખતે મોસને કહ્યું હતું કે, આ મૃતદેહો પેરુની એક ખાણમાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત મોસને દાવો કર્યો હતો કે તેને મળી આવેલા હાડપિંજર આશરે 1,000 વર્ષ જુના છે. મોસાનના કહેવા અનુસાર, આ વિશ્વના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ છે.

મોસને બે મૃતદેહોના હાડપિંજર દર્શાવ્યા હતા, મોસને એવો દાવો કર્યો હતો કે બેમાંથી એક હાડપિંજર સ્ત્રી એલિયનનું છે અને તેના શરીરમાં ઇંડા પણ હતા. મોસને આ બે મૃતદેહોના નામ પણ રાખ્યા છે તે મુજબ એક હાડપિંજરનું નામ ક્લેરા અને બીજાનું નામ મોરીસિયો રાખ્યું છે. રોઇટર્સે મોસાનની ઓફિસની મુલાકત લીધી હોવાનું કહેવાય છે રોઈટર્સના અહેવાલ અનુસાર મોસનની ઓફિસની આસપાસ એલિયન્સ અને યુએફઓ સંબંધિત કલાકૃતિઓ છે. સંસદમાં સુનાવણી દરમિયાન મોસાને દાવો કર્યો હતો કે આ એલિયન મૃતદેહો હજારો વર્ષ જૂના છે અને પૃથ્વીના જીવો સાથે તેનો કોઈ સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે મોસને સોશ્યિલ મીડિયા પર અને સુનાવણી દરમિયાન એલિયનના હાડપિંજર પર કરવામાં આવેલા ડીએનએ પરીક્ષણ અને કાર્બન ડેટિંગ પરીક્ષણોના અહેવાલો પણ સાર્વજનિક કર્યા હતા.

મોસન પાસે જે એલિયનના મૃતદેહો છે તેને માણસોની જેમ જ 2 આંખો, એક મોઢુ, 2 હાથ અને 2 પગ છે. આ હાડપિંજરને આશ્ચર્યજનક અને રહસ્યમય બનાવતી બાબત એ છે કે હાડપિંજરના હાથમાં માત્ર 3 આંગળીઓ જ હોવાનું દેખાઈ આવે છે. આ બાબતને આગળ કરીને મોસાન એવો દાવો કરે છે કે, હાડપિંજરના હાથમાં માત્ર 3 આંગળીઓ હોઆની બાબત સાબિત કરી શકે છે કે આ શરીરો પૃથ્વી પર ઉપસ્થિત અને ઉપ્લબ્ધ કોઈપણ જીવથી સંપૂર્ણપણે ભિન્ન છે.

હેલ્થ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ધ સેક્રેટરી ઓફ ધ નેવીના ડિરેક્ટર હોઝે ડી જીસસ બેનિટ્ઝ જેમણે મોસનના દાવને સમર્થન આપવા સુનાવણીમાં ભાગ લીધો હતો તે હવે મોસન સાથે જોડાયા છે તેમણે જણાવ્યું કે, માનવ દ્વારા વર્ણવવામાં આવી હોય અથવા જાણમાં હોય તેવી 10 લાખ પ્રજાતિ સાથે આ હાડપિંજરના ડીએનએના રીપોર્ટ મેળ ખાતા નથી. જ્યારે નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકો (UNAM)ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના વૈજ્ઞાનિક જુલિએટા ફિએરોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિષયમાં કોઈ રહસ્ય જેવું નથી. જુલિએટા ફિએરો જણાવ્યું કે UNAM દ્વારા સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા અને પરીક્ષણ કરવામાં આવેલા સેમ્પલમાં કાર્બન-14 મળી આવ્યું છે. જે સાબિત કરે છે કે આ સેમ્પલ અલગ-અલગ સમયગાળામાં મૃત્યુ પામેલા હોય તેવા મમીના મગજ અને ચામડીના પેશી સાથે સંબંધિત હોઈ શકે છે. હાલમાં, આ નમૂનાઓમાં એવું કંઈ મળ્યું નથી જે પૃથ્વીના જીવોથી અલગ હોય. ઉલ્લેખનીય છે કે કાર્બન-14 નું પ્રમાણ જીવંત સજીવો દ્વારા તેમની પેશીઓમાં શોષાય છે તે સમય જતાં ક્ષીણ થાય છે, કાર્બન-14 દ્વારા વૈજ્ઞાનિકો મૃત્યુ કેટલા વર્ષો પહેલાં થયુ હશે તે અંદાજિત સમય નક્કી કરી શકે છે.