– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોંચ કર્યું મિશન
– દરેક નાગરિકની હેલ્થ આઈડી તૈયાર કરવામાં આવશે
– સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોંચ કર્યું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27મી સપ્ટેમ્બરે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું. મહાત્વાકાંક્ષી આ યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકની એક હેલ્થ આઈડી તૈયાર કરવામાં આવશે. દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આ ખુબ જ મોટું, ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
યોજના લોંચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
આયુષ્યમાન ભારત ડિજિટલ યોજના જાહેર કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા અભિયાનથી દેશના સામાન્ય નાગરિકની શક્તિમાં વધારો થયો છે. આજે આપણા દેશ પાસે 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઈલ યુઝર, 80 કરોડ ઈન્ટરનેટ યુઝર, 43 કરોડ જનધન બેંક ખાતા છે, આવું વિશ્વમાં ક્યાંય નથી. કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સેતુ એપની મદદથી કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળી. આજે ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. બધા જ દેશવાસીઓને વેક્સિન-ફ્રી વેક્સિન આપી રહ્યું છે. અત્યાર સુધીમાં 90 કરોડ વેક્સિન અપાઈ છે જેમાં કો-વિનનો બહુ મોટો રોલ છે. કોરોના કાળમાં ટેલિમેડિસિને પણ સૌની ખુબ મદદ કરી છે.
આયુષ્યમાન ભારત ડિજિટલ યોજના ક્રાંતિકારી પગલું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ યોજના ડિજિટલ ફોર્મમાં આવવાથી તેનો વિસ્તાર થઈ રહ્યો છે. ભૂતકાળની સ્થિતિને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પહેલા દેશમાં અનેક ગરીબો એવા હતા જે હોસ્પિટલમાં જતા અચકાતા હતા પરંતુ આયુષ્માન ભારતના આગમન બાદ તેમનો એ ડર દૂર થયો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દરેક વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયુષ્માન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2 કરોડ દેશવાસીઓ મફત સારવાર કરાવી ચુક્યા છે.