- બ્રિટનના કોરોના વિરોધી રસીકરણનો પ્રથમ દિવસ
- બે આરોગ્ય કર્મીને આવ્યું રિએક્શન
- ફાઈઝરબાયોએનટેકની કોરોના વિરોધી વેક્સિન અપાઈ હતી
બ્રિટનના કોરોના વિરોધી રસીકરણના પ્રથમ દિવસે બે આરોગ્ય કર્મીને રિએક્શન આવ્યું
બ્રિટનમાં મંગળવારથી ફાઈઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત કોરોના વિરોધી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના વિરોધી રસીકરણ કરનાર બ્રિટન પ્રથમ દેશ બન્યો હતો. જોકે રસીકરણના પ્રથમ દિવસે જ વેક્સિન અપાયા બાદ 2 આરોગ્ય કર્મીને એલર્જી રિએક્શન આવ્યું હતું. બંને આરોગ્ય કર્મીઓ ગંભીર એલર્જી ધરાવતા હતા. બંને આરોગ્ય કર્મીઓને વેક્સિન આપ્યાના થોડા સમયમાં જ એનાફિલેક્ટોઇડ રિએક્શન એલર્જીક રિએક્શનના લક્ષણો દેખાવા માંડ્યા હતા. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ ઘટનાને અનુમોદન આપ્યું હતું.
સત્તાવાળાઓએ આપી ચેતવણી
બંને આરોગ્ય કર્મીઓને કોરોના વિરોધી ફાઈઝર બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિન આપ્યા બાદ આવેલા રિએક્શનને ધ્યાનમાં રાખીને બ્રિટનના સત્તાવાળાઓએ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે જેમને ગંભીર એલર્જી ની સમસ્યા હોય તેમણે વેક્સિન ન લેવી જોઈએ. ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ NHS ના રાષ્ટ્રીય તબીબી નિયામક સ્ટીફન પોવીસે જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓ મેડિકલ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી અથવા MHRA ની ભલામણને ધ્યાનમાં લઈ રહ્યા છે.
NHS ના નિયામક સ્ટીફન પોવીસે શું કહ્યું
ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ NHS ના રાષ્ટ્રીય તબીબી નિયામક સ્ટીફન પોવીસે જણાવ્યું કે, નવી વેક્સિનમાં એ સામાન્ય બાબત હોવાથી મેડિકલ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ સાવચેતીના ભાગરૂપે સલાહ આપી છે કે ગઈકાલે બે આરોગ્ય કર્મીઓને રિએક્શન આવ્યા બાદ જે લોકો નોંધપાત્ર એલર્જી ધરાવે છે તેમણે આ વેક્સિન ન લેવી જોઈએ. જેમને રિએક્શન આવ્યું હતું તેમનું સ્વાસ્થ્ય સુધારા તરફી છે, બંને સ્વાસ્થ્ય કર્મીઓ રિએક્શનની હિસ્ટ્રી ધરાવે છે.
ફાઈઝર ઈન્ડિયાએ વેક્સિન ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે
ઉલલેખનીય છે કે ફાઈઝર બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનના ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી ફાઈઝર ઈન્ડિયાએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે માંગી છે. જો ફાઈઝર ઈન્ડિયાએ માંગેલી મંજૂરી આપવામાં આવે તો ફાઈઝર ઈન્ડિયા ભારતમાં કોરોના વિરોધી વેક્સિન સૌપ્રથમ ઉપલબ્ધ થશે.