- ઘણી વેક્સિન ટેસ્ટના અંતિમ તબક્કામાં.
- જાન્યુઆરી અંતમાં કે ફેબ્રુઆરી માસમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે ભારતમાં.
- સરકાર વેક્સિનના સ્ટોરેજ, વિતરણ તથા રસીકરણની તૈયારીઓ પર કાર્ય કરી રહી છે.
જાન્યુઆરી માસના અંતે અથવા ફેબ્રુઆરી માસમાં ભારતમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે
એક બાજુ શિયાળામાં ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સત્તાવાળાઓને કેટલાક વિસ્તારોમાં ફરીથી કરફ્યુ, રાત્રી કરફ્યુ લાદવાની ફરજ પડી છે. આ વિકટ પરિસ્થિતિમાં ભારતમાં કોરોના વેક્સિનને લઈને આશાજનક સમાચાર આવ્યા છે. મળતા અહેવાલો અનુસાર જો બધું જ સમુસુતરું પાર પડશે તો કોરોના વાયરસથી બચવાની વેક્સિન, રસી ભારતમાં જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ઉપલબ્ધ થઈ શકે છે. જ્યાં સુધી વેક્સિનનો પ્રશ્ન છે ત્યાં સુધી અત્યાર સુધીના સમાચારો સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ એવા છે.
ઘણી કંપનીઓની વેક્સિન પરિક્ષણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે
સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ દેશો, કંપનીઓ, લેબોરેટરીઓ સંશોધન કરી રહી છે. વિશ્વમાં કોરોનાની લગભગ 260 જેટલી વેક્સિન, રસી તૈયાર થઈ રહી છે. રસી, વેક્સિન તૈયાર કરવાનું કામ ખુબ જ જટિલ, લાંબી પ્રક્રિયા તથા પરિક્ષણો ધરાવે છે અને ઘણી વખત વર્ષો સુધી ચાલતું હોય છે. જોકે વિશ્વમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારને ધ્યાનમાં રાખીને અત્યારે વહેલી તકે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થાય એવા પ્રયાસો વૈશ્વિક સ્તરે થઈ રહ્યા છે જે પ્રયાસોમાં ભારત પણ સામેલ છે. આ દરમિયાન ઘણી વેક્સિન ટેસ્ટના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે જેના ઉપર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
વેક્સિન માટે ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી છે
સઘળું સમુસુતરું પાર પડે તો ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થવાની શક્યતા છે. વૈશ્વિક સંભાવના જોતા ભારત સરકાર દ્વારા પણ કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કહ્યું હતું કે, ‘ સરકાર કોરોના વેક્સિનના સ્ટોરેજથી લઈને વિતરણ સુધીની વ્યવસ્થાની યોજના પર અમે કામ કરી રહ્યા છીએ.’ દેશના પ્રત્યેક સમાજના તબકાને વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવશે જ.
સૌથી પહેલાં કોને આપવામાં આવશે વેક્સિન ?
કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે તો સૌથી પહેલાં કોને આપવામાં આવશે એ પ્રશ્ન ઘણા લોકો પુછી રહ્યા છે. આ પ્રશ્ન તથા દેશમાં કોરોનાની સ્થિતિ જોતા સૌથી પહેલાં ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવે એવી શક્યતા પ્રબળ છે. ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સ એટલે મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફ.
ભારતમાં વેક્સિન ઉપલબ્ધ થવાની શક્યતા
વિશ્વમાં લગભગ 260 જેટલી વેક્સિન તૈયાર કરવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. હજુ સુધી આ બધી વેક્સિનમાંથી એક પણ વેક્સિનન લાઈસન્સ-મંજુરી મળી નથી. કોઈપણ વેક્સિનને લાઈસન્સ-મંજુરી મેળવવા સુધી પહોંચવા માટે વેક્સિન પરિક્ષણોના પાંચ સફળ તબક્કામાંથી પસાર થવું પડે છે. જોકે બ્રિટનમાં તૈયાર થઈ રહેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા-સિરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી શકે છે. બ્રિટનમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા સાથે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટ પણ એક સાથીદાર છે. જો બ્રિટનમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા-સિરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સિનને ઉપયોગની મંજૂરી આપશે તો તે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી શકે છે એવી તૈયારી ભારતમાં ચાલી રહી છે એવા અહેવાલો છે. જોકે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે સિરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આવેદન કરવાનું રહેશે. મળતા અહેવાલો અનુસાર સિરમ ઈન્સ્ટીટ્યુટ ડિસેમ્બર મહિનામાં સરકારને આવેદન આપી શકે છે.
કોરોના વેક્સિનની કિંમત કેટલી હોઈ શકે છે ?
ભારત સરકાર વેક્સિન બનાવતી કંપની, લેબોરેટરીઓ સાથે વેક્સિનના પર્યાપ્ત માત્રામાં ડોઝ ખરીદવા માટે ખરીદી કરાર ઉપર ગંભીરતાથી કાર્ય કરી રહી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર વેક્સિન નિર્માતાઓ પાસેથી સૌથી ઉચિત ભાવે પર્યાપ્ત માત્રામાં જથ્થાબંધ વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે વાતચીત કરી રહી છે. બે ડોઝ ધરાવતી વેક્સિનની કિંમત આશરે 500-600 રૂપિયા જેટલી હોઈ શકે છે પરંતુ સરકાર આ વેક્સિન અડધી કિંમતે મળી રહે તે માટેની તૈયારીઓ તથા યોજના બનાવી રહી છે.
