વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે.
- સમીર અબ્દુલ કુરેશીએ હિન્દૂ છોકરી ફસાવવા ખોટાં “સેમ માર્ટિન” નામથી દોસ્તી કરી હતી
- સમીરે ધર્મ છુપાવી હિન્દૂ છોકરીને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને વિડીયો બનાવી લીધો
- બળજબરી પૂર્વક લગ્ન કરી યુવતીનું ધર્મપરિવર્તન કરવાનું કહેતા યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો
- લગ્ન બાદ ધર્મપરિવર્તન માટે બળજબરી કરતાં સમીરે કહ્યું કે , “તમારી દલિત જાતિની છોકરીઓ મુસલમાન બનવા માટે જ બનેલી છે.”
શું છે આખો ઘટનાક્રમ
વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે. ડીસીપી ઝોન 2 જયરાજ સિંહ વાળાએ માહિતી આપી હતી. દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ થઈ. પીડિતા સોશીયલ મીડીયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી.
યુવકે ધર્મ છુપાવ્યો, ખ્રિસ્તી ધર્મનો હોવાનું યુવતીને કહ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના મોબાઈલમાં વિડિયો અને ફોટા ઉતાર્યા હતા. યુવકે અવાર નવાર બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચર્યું. બે વખત યુવતી ગર્ભવતી થઈ જતાં યુવતીનું ગર્ભપાત કરાવ્યું હતું.
યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. યુવતીને હિન્દુ ધર્મ ના પાળવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. સમીર અબ્દુલ કુરેશી નામના યુવાને કારસ્તાન આચર્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. માર્ટીન સેમ નામ ધારણ કરી યુવતીને મળ્યો હતો. આરોપી યુવક તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે.
પીડિતાની આપવીતી
ભોગ બનનારી યુવતીએ જણાવ્યું હતું કે “વર્ષ 2019માં મારો સંપર્ક સોશિયલ મીડિયા મારફત સેમ માર્ટિન સાથે થયો હતો. તે પોતે ખ્રિસ્તી હોવાનું જણાવતાં મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો. સતત બે વર્ષ સંબંધ રહ્યો. તેણે જાણ બહાર મારા અંગત પળોના ફોટા પાડ્યા હતા અને એને વાઇરલ કરવાની ધમકી આપી મારી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. એને કારણે બે વાર એબોર્શન કરાવ્યું હતું. જે વખતે મારું એબોર્શન કરાવ્યું એ સમયે મને શંકા ગઈ હતી અને મને પહેલીવાર જાણ થઈ હતી કે તે સેમ માર્ટિન નહીં, પણ સમીર અબ્દુલ કુરેશી છે. મેં એ સમયે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મને અને મારા પરિવારને ગોરવા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં લઈ ગયા હતા. ત્યાં નિકાહનામું કરવામાં આવ્યું હતું. મને ત્યાં જબરદસ્તી સુહાના નામ આપવામાં આવ્યું હતું. જોકે નિકાહનામા બાદ અમે પોતપોતાના ઘરે ગયા હતા.”
પીડિતાએ વધુમાં કહ્યું કે “હું જ્યારે તેના ઘરે હતી એ વખતે સમીરે મને કહ્યું હતું કે હું મુસલમાન છું, તારે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. તેની માતાએ પણ મને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. હું ઘરની બહાર જાઉં તો મને બુરખો પહેરવાનું કહેવામાં આવતું હતું. તદુપરાંત તેની માતા મને કહેતી હતી કે તું હવે મુસલમાન થઈ ચૂકી છે, તેથી ચાંદલો નહીં લગાવવાનો અને મંદિરે નહીં જવાનું. જો તું આ બધું કરીશ તો તને મારી નાખીશું. લગ્ન પહેલાં સમીર અમારા ઘરે આવતો જતો હતો, પરંતુ લગ્ન બાદ તે મને જાતિવિષયક અભદ્ર ભાષા બોલતો હતો. તેણે મને ટોણો માર્યો હતો કે તમારી દલિત જાતિની છોકરીઓ મુસલમાન બનવા માટે જ બનેલી છે. હદ તો ત્યાં થઈ કે મારાં માતા-પિતાને જાતિ અપમાનિત શબ્દો કહી તેમના ઘરમાં જ પ્રવેશ આપ્યો નહોતો. લગ્ન બાદ સમીરના પરિવારે બીજા સંબંધીઓ મારફત મારા પરિવાર પાસે રૂ. 40 લાખની ફોર્ચ્યુનરની માગણી કરી હતી.”
પીડિતાએ અન્ય યુવતીઓને આપ્યો સંદેશ
પીડિતાએ પોતાના અનુભવમાંથી અન્ય યુવતીઓને સલાહ આપતાં કહ્યું કે “હું હિન્દુ છોકરીઓને એક વાત કહું છું કે તમે મુસ્લિમ છોકરાઓ પર કોઈ દિવસ વિશ્વાસ ન કરશો. તે છેલ્લે તેમના ધર્મ પર જ આવી જાય છે.”