- 26 ઓક્ટોબરની ઘટના
- કરજણ બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલ નીતિન પટેલ પર ફેંકાયું હતું ચપ્પલ
- ઓડિયો ક્લિપના આધારે કરાઈ ધરપકડ
કરજણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પલ ફેંકનારનું નામ રશ્મિન પટેલ છે અને તે શિનોરનો રહેવાસી છે અને કૉંગ્રેસનો કાર્યકર્તા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જે બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.
ઓડિયો કલીપ પરથી થયો પર્દાફાશ
પોલીસના જણાવ્યા પ્રમાણે, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર કહ્યું હતું કે, ચપ્પલ ફેંકવાનું કામ આપણા માણસોએ કરી દીધું છે. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે.