કનકલાલ અને મંજીનો હરખ સાતમાં આસમાને હતો..
મંજી એ પોલીસમેનનો આભાર માનતા માનતા નાહકનાં ઘણાંય વખાણ કરી દીધા.. પેલો અસમંજસમાં ખાલી માથું ધુણાવ્યે રાખ્યો. વધુ પડતાં બિનજરૂરી વખાણથી પોતાને શરમ લાગી રહી હતી જ્યારે મંજીનો વાણીવિલાસ ચાલુ જ હતો.
વચ્ચે વચ્ચે બે વાર પૂનમને બૂમ પાડી ” અરે ક્યાં રહી ગઈ?!! જલ્દી આવને..”
સરસ મજાનાં શરબત સાથે પૂનમ બહાર આવી અને કનકલાલે હોંશે હોંશે પોલીસમેનને શરબત પાયું..
“કનકલાલ, કાલે સવારે 10 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જજો. તમારી બહેનને હાજર કરી દઈશું, પછી તમે જાણો અને તમારી બહેન જાણે” એમ કહી પોલીસમેને રજા લીધી.
દિવસ પુરી થવાની અધીરાઈ પૂર્વક રાહ જોવાવા લાગી. મંજી દોડતી સુશીલનાં ઘરે ગઈ.
“સુશીલ, સુશીલ વિમળા મળી ગઈ. કાલે સવારે પોલીસ સ્ટેશન જવાનું છે” હરખાતી મંજી સુશીલનાં પ્રતિભાવ જોવા તલપાપડ બની.
પણ સુશીલે એક જ શબ્દમાં પતાવ્યું:
” હમમમ…”
મંજી કંઈ સમજે એ પહેલાં જ સુશીલ કામથી બહાર જવાનો ડોળ કરી ઘર બહાર નીકળી ગયો.
જાણે કે એને કોઈ ફરક જ ન પડ્યો હોય એમ. મંજી એનું મોઢું જ તાકતી રહી ગઈ.
ઘરમાં આજે કનકલાલ પહેલી જ વાર આટલો ખુશ જણાતો હતો. અભયને પાસે બોલાવી 1 રૂપિયો આપ્યો. પૂનમને પણ કહ્યું કે આજે તારે જે જોઈતું હોય એ બોલ તને લઇ આપીશ. પણ પૂનમે કંઈ માંગ્યું જ નહિ. કેમકે કનકલાલનાં અજીબ વર્તાવની એને ખબર હતી. ગમે ત્યારે કનકની કમાન છટકે અને માંગેલું માથે પડે એના કરતાં માંગવું જ નહીં.
મંજી ઘરે આવી એટલે કનકે હુકમ કર્યો: “કંદોઈને ત્યાંથી 10 કિલો મીઠાઈ લઈ આવ અને ફળિયામાં વહેંચી દે.. થોડીક મીઠાઈ પોલીસ સ્ટેશનમાં આપવા માટે સારા બોક્સમાં પેક પણ કરાવી દે.”
ભાઈનો હુકમ શિરમોર્ય.. મંજી ચાલી નીકળી રૂપગઢનાં પ્રખ્યાત કંદોઈની ડેલી ભણી..
કનકની અધીરાઈનો અંત આવતો નહોતો.. દિવસ આથમવાની રાહ જોતો કનક મોડે સુધી જાગતો રહ્યો. મનમાં ને મનમાં વિમળાની યાદોને રટતો ટંટોળતો આખરે નિંદ્રાધીન થયો.
જીવનમાં પ્રથમ વાર જ પોતાના પિતા તરફથી કંઈક મળ્યાની વાતને પાગલપનની અવસ્થા સુધી પહોંચેલો અભય કળી શકતો નહોતો.. એણે એ એક રૂપિયાનો સિક્કો પોતાની તમામ બાળસહજ ઈચ્છાઓને બળજબરીથી મારીને પણ સાચવી રાખ્યો હતો..
સવારનો પહોર થયો. કનકલાલનું હૈયું આજે હરખનાં હિલોળે ચડ્યું હતું. કોઈ રજવાડી મહેમાન આંગણે આવવાનું હોય એમ તૈયારીઓ થવા માંડી હતી. પૂનમે વિમળાની પસંદની સાગમટી અનેક વાનગીઓ બનાવવી વહેલી સવારથી જ આરંભી હતી.
મંજી પણ મીઠાઈના ડબ્બાઓ સાથે તૈયાર થઈને ક્યારનીય બેસી રહી હતી. સુશીલને બોલાવી લાવવા કનકલાલે મંજીને મોકલી.
” મારે ખૂબ જરૂરી કામ છે, હું નહિ આવું. ” નાં ભાવશૂન્ય શબ્દો સાથે સુશીલે મંજીને ઘરનાં ઉંબરે થી જ વળાવી દીધી.
મંજી માટે પોતાનાં નાના ભાઈ સુશીલને સમજવો ક્યારેક અશક્ય જ બની જતો હતો.
‘લાગણીહીન પશુ…’ ગુસ્સાથી મનમાં બબડતી મંજી વિલે મોઢે પાછી ફરી..
સુશીલનાં મંજી થકી સાંભળેલા આવા શબ્દોથી કનકનો પારો પળ વાર માટે ચડી ગયો પણ ત્યાં એને ફરી વિમળાનું સ્મરણ થતા ગુસ્સો ઉડી ગયો.
સાડા નવનાં ટકોરે એક રીક્ષા કનકને આંગણે આવી ઉભી. મંજીનાં ટેકે કનકલાલ રિક્ષામાં બેસી પોલીસ સ્ટેશન ભણી રવાના થયો.
બરાબર સવા દસે બે પડછંદ હવાલદારો અને એક મહિલા કોન્સ્ટેબલનો સ્ટેશનમાં પ્રવેશ થયો. એની પાછળ લઘર વઘર કપડે, સૂકા ખુલ્લા વાળ, રુક્ષ થઈ ગયેલી ચામડી, સુકાયેલો ચહેરો છતાંય ખુશ લાગતી એક સ્ત્રી પ્રવેશી..
બે ઘડી ધારીને જોયા પછી કનકને એ વિમળા હોવાનો અહેસાસ થયો. આવી વાહિયાત હાલતમાં હોવા છતાંય એ સ્ત્રીનાં મોઢા પર સ્મિત હતું. કનક તો આંખો ફાડીને જોતો જ રહી ગયો.
મંજીનાં તો હોશ કોશ ઉડી ગયા..
કનક પોલીસ સ્ટેશનમાં જ પોક મૂકીને રડવા લાગ્યો. જાતે ઉભા થવાની નાકામ કોશિશમાં લડખડાતા વિમળા પાસે પહોંચી એને ભેટી પડ્યો.
“ક્યાં હતી તું આટલો સમય નાનકી??!” : અશ્રુધારા સાથે કનક વિમળા પર વ્હાલ વરસાવી રહ્યો હતો.. થોડાક સ્વસ્થ થતા એ બોલ્યો ” ચાલ ઘરે ચાલ…” વધુ કંઈ બોલી જ ન શકાયું. મંજી પણ વિમળાને ભેટી પડી..
“ના, મારે નથી આવવું.. મારે દાહોદ જવું છે.” વિમળાએ શાંતિથી ઉત્તર વાળ્યો.
” શુ?!! ક્યાં જવું છે??! દાહોદ?!” : મંજી આશ્ચર્યથી બોલી પડી.
” તને કંઈ ભાન છે તું શું બોલે છો?!! દાહોદ શું છે નાનકી?! તારી સાન તો ઠેકાણે છેને? ” કનકે થોડા ઉચ્ચા સ્વરે શબ્દક્ષેપ કર્યો.
સાથે આવેલાં મહિલા કોન્સ્ટેબલ બોલ્યા: ” ત્યાં તમારી બહેનનું સાસરું છે. અને એ ત્યાં જ રહેવા માંગે છે. તો જો તમારી મુલાકાત પુરી થઈ હોય તો જણાવી દો અમારે વિમળાને દાહોદ લઈ જવાની છે”…
કનક માથે આભ તૂટી પડ્યું. મંજીતો જાણે ઘેરા આઘાતમાં ગરકાવ થઈ ગઈ. કનકની જીભ લોચે ચડી ગઈ, શબ્દો એકી બેકી રમવા લાગ્યા..
” સાસરું..!!? વિમળા ?!!….
કનકને આખા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ. નિવૃત્તિની ઉંમરે પહોંચેલ એક સજ્જન પોલીસ સ્ટેશનમાં કંઇક કામ અર્થે હાજર હતા. એમનાં ધ્યાન પર વાત આવતાં એમણે તાત્કાલિક મંજીને કહ્યું ‘ આ ભાઈને પેરાલીસીસ કે હૃદયઘાતનો આચકો આવેલ છે જલ્દીથી દવાખાના ભેગા કરો નહીતો ન થવાની થઈ જશે’.
પોતાનાં ભાઈની હાલત જોઈ વિમળા પણ ડરી ગઈ. પોલીસ વાળા પોતાની ગાડીમાં મારતે પગે કનકને હોસ્પિટલે લઈ ગયા. વિમળા પણ જોડે ગઈ હતી. કનકલાલનાં સમગ્ર ડાબા ભાગને લકવો મારી ગયો હતો.
આઈ.સી.યુ માં ભરતી થયેલ કનકલાલ ખુલ્લી આંખે બેસુધ પડી રહ્યો હતો. એના અંગો મરડાઈ ગયા હતા. અને આંખ માંથી આંસુ વહી રહ્યા હતા જાણે કે પોતાની બહેનનાં લગ્નનો વજ્રાઘાત એ જીરવી શક્યો ન હોય..
મંજીએ હોસ્પિટલ બહાર બેઠા બેઠા ભારે હૃદયે વિમળાની પૂછ પરછ કરી. વિમળાએ પણ કોઈપણ છોછ રાખ્યા વિના જણાવી દીધું કે શું બન્યું હતું.
અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનાં સરકારી કામ માટે દાહોદથી એક કોન્ટ્રાક્ટર ખાડા ખોદવા અને કચરો વીણી સફાઈ કરવા કેટલાક કામદારો સાથે રૂપગઢ આવેલો. 5 ગામનું કામ એમનાં હસ્તક હતું. અને એમાં લગભગ 2 મહિનાનો સમય નીકળી જવાનો હતો.
સફાઈ કામ કરતાં એક કર્મચારી ‘ભવાન ખેમા’ ને વિમળા રોજ નિહાળતી. ખેમાનું પણ ઘણીવાર ધ્યાન જતું. બંન્ને ક્યારેક એક બીજા સામે હસી પણ લેતા.
યૌવનને ઉંબરે ઉભેલી વિમળા ક્યારેક ચેનચાળા પણ કરી લેતી. ખેમો પણ બધું સહજતાથી લેતો કેમકે એને મન તો એમ જ હતું કે આ મોટા ઘરનાં માણસો આપણી મશ્કરી કરે છે. તો ભલે કરે. સહન કર્યે જવાનું. અહીં રોજ થોડું રહેવું છે!!
સમય જતે વિમળાનાં હૃદયમાં પ્રેમની કૂંપળો પાંગરવા લાગી. ધીમે ધીમે કોઈ જુવે નહિ એમ એ થોડું અંતર રાખીને ખેમાનો પીછો કરવા લાગી.
ખેમાને હવે ડર લાગવા લાગ્યો. કંઈક અઘટિત બની જાય તો?!! વિમળાની હરકતોને અવગણતો એકવાર એ સીધો જ કનકલાલને ઘર આંગણે ઉભો. એને થયું ઘરમાં કોઈને કહી દઉં તો આ રોજની હેરાનગતિ મટે. પણ નસીબજોગે ફળિયામાં ત્યારે વિમળા જ ઉભી હતી. એને જોઈને ખેમો ઉભા પગે નાઠ્યો.
ત્યાર પછી ખેમો એ તરફ 3 દિવસ દેખાયો નહિ. એ બીજા ગામ કામ કરવા જતો રહ્યો. પણ વિમળાએ ખોળી કાઢ્યો. કંઈકને કાઈ ખાવા પીવાની કે અન્ય વસ્તુ લઈને એ ખેમા પાસે જાય. કોઈ જુવે નહિ એમ ઈશારા કરી ખેમને બોલાવી એ વસ્તુ આપી દે અને પોતાના ઘરે જતી રહે.
ખેમો પણ હવે સમજવા લાગ્યો કે વિમળાને પ્રેમ થયો છે. બંનેની મુલાકાતો વધવા લાગી. 2 મહિના વીતી ગયા. કામ પણ પૂરું થઈ ગયું. પ્રેમાંધ વિમળા કંઈ પણ વિચાર્યા વગર ઘરેથી નીકળી ગઈ. બન્ને એ ભાગીને લગ્ન કરી લીધા. દાહોદ જઈ ખેમાની પતરાળી ખોરડીમાં સંસાર માંડ્યો. જેમ તેમ ચાલતું જતું હતું. પણ વિમળાને પોતાના પરિવાર કે સુખની લાંબી સુધ નહોતી. એમ કહોકે એટલી સમજણ કે બુદ્ધિ જ નહોતી. પણ એ ખેમા જોડે ખુશ હતી. એવામાં રૂપગઢથી ગુમ થયેલ છોકરીની પોલીસ પૂછપરછનો રેલો ખેમાની ખડકી સુધી પહોંચ્યો. અને કેસનાં નિકાલ માટે એક વાર વિમળાને હાજર કરવાની ફરજનાં ભાગ રૂપે એને રૂપગઢ લવાઈ હતી.
ક્રમશઃ