Spread the love

હું ટેલિવિઝન ! ઘરનો સદસ્ય

વિશ્વ ટેલિવિઝન દિવસ એટલે મારો જન્મદિવસ હા હું એટલે ટેલિવિઝન. મનોરંજનનું સાધન અને એક સમયમાં ઘરનો સભ્ય. મારો પણ એક જમાનો હતો જેમ આજે નેટફ્લિક્સ અને વેબ સીરીઝ નો જમાનો છે ને એમ જ મારો પણ એક જમાનો હતો ! જોવા જાઉં તો ગામમાં એકાદ જણ પાસે હું હોઉં અને જેવી રીતે આજે એક સમાન એક સિરીઝ તમે બેઠા બેઠા જોતા એમ જ મારામાં ઘણા બધા પ્રોગ્રામ આવતા અને એ પ્રોગ્રામ જોવા માટે આખા ફળિયાના લોકો જે ઘરમાં હું હોઉં ત્યાં ભેગા થતા.

ઐતિહાસિક, સાહસિક, મનોરંજનથી ભરપૂર સિરિયલો

રવિવારે રામાયણ આવતુ, શુક્રવારે શક્તિમાન, બુધવાર અને શુક્રવારે હિંદી ફિલ્મોના કર્ણપ્રિય ગીતોનો ચિત્રહાર, દર રવિવારે સવારે રંગોલી તો ખરી જ ! સુરભીએ માહિતી અને મનોરંજન તથા સંગીતનો પ્રોગ્રામ પણ હતો. જેને જે રીતે મન થતું એ રીતે મને લોકો સમયે સમયે નિયમિત જોતા રહેતા.

ક્રિકેટ મેચ અને મારો રાજા પાઠ

અને હા ! ક્રિકેટ તો કેમ ભુલાય ક્રિકેટની મેચમાં હું ઘરમાં નહીં ઘરની બહાર ટેબલ પર રાજાના કુંવરની જેમ ગોઠવાઈ જાઉં અને આખું ગામ એક જ જગ્યાએ બેસીને ક્રિકેટની રમત માણતું. મને બહુ મજા આવતી આખું ગામ મને જુએ એ જોઈને મને એવું થતું કે હું બધાનું લાડકું હતું.

બ્લેક એન્ડ વ્હાઇટ, રંગીન અને દુરદર્શન

સૌથી પહેલા બ્લેક એન્ડ વાઈટ હતી પછી મારી અંદર કલર પણ આવ્યા. હા પછી હું રંગીન બન્યું પણ મારો મિજાજ એવોને એવો રહ્યો. હા ! અત્યારની જેમ તમારા ફોનમાં કેટલી બધી સિરીઝ હોય છે, ‘ને અલગ-અલગ એપ્લિકેશનની એવું ન હતું અમારે તો ફ્રી ટુ એર ચેનલ આવતી એનું નામ હતું દુરદર્શન, આ ચેનલ સૌની વ્હાલી હતી.

એન્ટેના અને ઘેર ઘેર ટેકનિશિયન

આ બધાની યાદીમાં એક મહત્વપૂર્ણ પાર્ટને તો હું ભૂલી જ જાઉં છું અને એ હતું મારું એન્ટીના. એન્ટેના થોડું ચંચળ હતું સહેજ હવા આવે એટલે એ દિશા બદલી કાઢે. એન્ટેનાની દિશા બદલાય એ સાથે જ ઘરમાં હલચલ મચી જાય અને એક વ્યક્તિને ધાબે એન્ટેના ફેરવવા મોકલી આપવામાં આવે. એ વ્યક્તિ પાછા જોરદાર ટેકનિશિયન જેવા હોય એમને બધી જ જાણકારી હોય એટલે સુધી કે દુરદર્શનના ટ્રાન્સમિશન સેટેલાઈટની દિશા કઈ તરફ હોય એ પણ એમને ખબર હોય.

એન્ટેનાની દિશાનું અદભૂત વિજ્ઞાન

જોરદાર સીન આવ્યો હોય ને હવા આવે કે કોઈ પક્ષી એન્ટેના ઉપર બેસે એટલે એન્ટેના ફરી જતું પછી ફટાફટ એક છોકરાને છાપરા પર કે ધાબા ઉપર ચડાવવામાં આવતો. ધાબે ચઢીને પછી પૂછવામાં આવતુ એલા આવ્યું ? ત્યાં ઘરમાંથી અવાજ આવે ‘ના ગીતનો અવાજ નથી આવતો જમણી બાજુ ફેરવ, હજી થોડું ફેરવ ઝરઝરીયા આવે છે’. છેલ્લે અવાજ આખા ફળીયામાં સંભળાય એવો આવે કે ‘હા ઊતરી જા આઈ ગયું જલ્દી’

યાદોનો ભંડાર

મારી સાથે ઘણા લોકોની ઘણી બધી યાદો પણ જોડાયેલી છે, જેમકે જેના ઘરે હું હોઉં ને એ લોકો ક્રિકેટમાં બે-બે વખત બેટીંગ લઈ લેતા. અમુક અમુક સમય હતો જગ્યા પણ ફિક્સ હતી પપ્પા ટીવી લાવ્યા છે એટલે એ હંમેશા આગળ જ બેસતા પછી બાકી બધા પોતપોતાની રીતે સેટ થઈ જતા. અને હા ! હું ભૂલી કેમ જાઉં તમને કહેતા એ સમયમાં મારું કોઈ રીમોટ જ નહોતું આવતું, મારી ચેનલ બદલવા કે અવાજ વધારવા મારી જોડી આવી ને ગોળ બટન કટ કટ કટ કટ કરીને ફેરવવું પડતું ત્યારે ચેનલ બદલાતી. જોકે આજના ટીવીમાં રીમોટ અને હવે તો વોઇસ કમાન્ડ પણ આવી ગયા છે.

આજનું ટીવી પાતળી પરમાર જેવું થતું જાય છે અને થોડાક વર્ષો પહેલા હું થોડીક મોટું હતું મને ઉચકવા માટે તમારે મને બાથમાં ભરવી પડતી ખરુંને ? આજે તો પતલુ થઈ ગયું છું એટલું પાતળું કે દિવાલે ચિપકાવી દો તો પણ લટકતી જીંદગી જીવી જાઉં. આજે પણ પૂરું પરિવાર બેસીને આનંદ અને ઉલ્લાસથી મને જુએ છે. હા થોડાક સમયમાં બદલાયું છું પરંતુ થોડી ઘણું એક કામ મેં કર્યું છે કે હજી પણ પરિવાર સાથેનું જોડાણ તુટવા નથી દીધું. હા ! આજે કદાચ ઘણી બધી ઢગલો ચેનલો છે તોપણ પરિવાર સાથે બેસીને હજી પણ મને માણે છે.

વિશ્વ ટેલિવિઝન ડેની શુભકામનાઓ

હું એટલે કે ટેલિવિઝન ઉર્ફે ટીવી આ તમારા લાડકવાયા ટીવી તરફથી તમને ટેલિવિઝનના જન્મદિવસની શુભેચ્છાઓ.


Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.