મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. રખાઈન પર કબજો મેળવ્યા પછી, AAએ કહ્યું છે કે સરહદ પારથી એટલે કે બાંગ્લાદેશથી આવતા આતંકીઓ મ્યાનમારમાં હિંસા ભડકાવી રહ્યા છે.
AAનું કહેવું છે કે બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરોની આસપાસ 11 આતંકવાદી જૂથો કાર્યરત છે. જેમાં રોહિંગ્યા સોલિડેરિટી ઓર્ગેનાઈઝેશન (RSO), અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (ARSA) અને અરકાન રોહિંગ્યા આર્મી (ARA)નો સમાવેશ થાય છે. આ જૂથોના લોકો મ્યાનમારમાં હત્યા, અપહરણ, બળાત્કાર અને અન્ય જઘન્ય અપરાધો માટે જવાબદાર છે.
અરાકાન આર્મીને ટાંકીને રિપબ્લિકના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશમાં પ્રશિક્ષિત લોકો મૌંગડૉ અને બુથિડૌંગ શહેરોમાં સૌથી વધુ ગુનાઓ કરી રહ્યા છે. ગ્લોબલ અરકાન નેટવર્ક (GAN) એ આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશથી આવતા આતંકીઓ મુસ્લિમ વસ્તીનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ જૂથો બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરોમાંથી યુવાન અનાથ બાળકોને ભરતી કરી રહ્યા છે અને તેમને લડવાની તાલીમ પણ આપી રહ્યા છે.
જુંટા આર્મી સાથે આતંકવાદી જૂથોના સંબંધો
અરાકાન આર્મીએ મ્યાનમારની જુંટા સરકાર પર આતંકવાદી જૂથો સાથે સંબંધ રાખનો પણ આરોપ લગાવ્યો છે. અરાકાન આર્મીનું કહેવું છે કે જુંટા રખાઈનમાં નિયંત્રણ મેળવવા માટે આતંકવાદી સંગઠનોનો ઉપયોગ કરી રહ્યું છે. AA એ બાંગ્લાદેશ પર આતંકવાદી જૂથોને તેની સરહદોમાં ઘુસવા અને રહેવાની મંજૂરી આપવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓના લોકો આ જૂથોના સભ્યોની ભરતી કરવામાં અને તાલીમ આપવામાં સામેલ છે.
જુંટા અને બાંગ્લાદેશી અધિકારીઓ સામે અરાકાન આર્મીના આક્ષેપો આ પ્રદેશના જટિલ ભૂરાજકીય અને માનવતાવાદી પડકારોને દર્શાવે છે. રખાઈન અને બાંગ્લાદેશ વચ્ચે 270 કિમીની સરહદ છે, જે મોટાભાગે ખુલ્લી થઈ ગઈ છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. એક તરફ અરાકાન આર્મી રખાઈનમાં હિંસા માટે ખુલ્લી સરહદને જવાબદાર ઠેરવી રહી છે સાથે જ બાંગ્લાદેશ પણ મ્યાનમારથી આવતા રોહિંગ્યા શરણાર્થીઓની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને સ્થાયી સરકારની અનુપસ્થિતિ સમસ્યાને વધુ વકરાવી રહી છે. આ સ્થિતિમાં રખાઈનમાં અરાજકતા વધી શકે તેવી દહેશત છે. જેની અસર બાંગ્લાદેશની સાથે સાથે ચીન અને ભારત પર પણ જોવા મળી શકે છે.