Spread the love

ધરપકડ બાદ હમઝા દ્વારા કરવામાં આવેલા ખુલાસા અનુસાર, મુંબઈ પર હુમલો કરવાનો પહેલો પ્લાન 2006માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર આ પ્લાન સફળ થઈ શક્યો ન હતો.

તે દિવસ હતો બુધવાર અને તારીખ હતી 26 નવેમ્બર 2008. આ દિવસ ભારતનો એક પણ નાગરિક ભૂલી ન શકે એવો સૌથી મોટો આતંકવાદી હુમલો ભારત પર થયો હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા અને ભારતમાં ઘુસણખોરી કરીને આવેલા પાકિસ્તાની આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંક મચાવીને 8 સ્થળોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા.

સત્તાવાર આંકડાઓ અનુસાર, મુંબઈમાં થયેલા આ ભયાનક આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણા બાળકો હતા. આતંકવાદીઓને મારવા માટે મુંબઈ પોલીસે સેનાની મદદ લેવી પડી હતી અને આ દરમિયાન ભારતના કેટલાક પત્રકારો દ્વારા કેવી રીતે સમગ્ર ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું અને તે ટેલિકાસ્ટ દ્વારા કેવી રીતે આતંકીઓને સીમા પાર બેઠલા તેમના આકા દ્વારા બચવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું તે સૌ જાણે છે. આ હુમલામાં અનેક પોલીસ જવાનો પણ વીરગતિ પામ્યા હતા.

આ હુમલામાં આતંકવાદી અજમલ આમિર કસાબ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેને 2012માં ટ્રાયલ બાદ ફાંસીની સજા આપવામાં આવી હતી. આ હુમલામાં જીવતા પકડાયેલા એક માત્ર આતંકી કસાબના ખુલાસાથી અમેરિકા અને પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિનું નામ સામે આવ્યું ત્યારે સમગ્ર વિશ્વ ચોંકી ગયુ હતું.

આ હુમલા પાછળ હાફિઝ સઈદ, ઝાકી-યોર રહેમાન લખવી, સાજિદ મીર, ડેવિડ કોલમેન હેડલી અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા તહવ્વુર રાણા હોવાનું કહેવાય છે. ભારત લાંબા સમયથી આ તમામને કડક સજાની માંગ કરી રહ્યું છે. તહવ્વુર રાણા અમેરીકામાં છે અને તેના પ્રત્યાર્પણ માટે ભારત પ્રયત્ન કરી રહ્યું છે અને એમાં સફળ થવાની સંભાવના પણ છે.

મુંબઈ પર હુમલાની તારીખ 3 વખત બદલવામાં આવી

મુંબઈ પર આતંકવાદી હુમલાની તારીખ 3 વખત બદલવામાં આવી. હુમલાના મુખ્ય કાવતરાખોર હેડલીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે અગાઉ 29 સપ્ટેમ્બર 2008ના રોજ મુંબઈ પર હુમલો કરવાનું ષડયંત્ર ઘડાયું હતું, પરંતુ 10 આતંકવાદીઓ ભારત આવવા માટે સમુદ્રમાં ઘૂસ્યા કે તરત જ તેમની બોટ ડૂબી ગઈ. તમામ આતંકવાદીઓ બચી ગયા કારણ કે તેઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા.

થોડા દિવસો પછી, આ આતંકવાદીઓને ફરીથી આતંકી હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે પણ તે ષડયંત્ર પાર પાડી શક્યું નહી. પછી 26મી નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી.

આ હુમલા બાદ ભારતીય તપાસ એજન્સીઓએ અબુ હમઝા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. હમઝા પર આરોપ હતો કે તેણે તમામ પાકિસ્તાની આતંકવાદીઓને ભારત વિશે જાણકારી આપી હતી અને તેમને હિન્દી શીખવી હતી.

ધરપકડ બાદ હમઝાએ જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા હતા, હમઝાએ કરેલા ખુલાસા અનુસાર, મુંબઈ પર હુમલો કરવાનું નાપાક ષડયંત્ર 2006માં ઘડવામાં આવ્યુ હતું, પરંતુ કેટલાક કારણોસર એ ષડયંત્ર આગળ વધ્યું નહીં. હમઝાએ ગુપ્તચર એજન્સીને જણાવ્યું હતું કે 2007માં લખવીએ 10 આતંકીઓને તેની પાસે મોકલ્યા હતા. એ બધા છોકરાઓને હમઝાએ તાલીમ પણ આપી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.