– 23 વર્ષની રેકોર્ડ્સથી ભરચક કારકીર્દી
– ભાવુક ટ્વિટ કરીને સન્યાસની ઘોષણા કરી
– મહિલા ક્રિકેટ વિશ્વમાં ભારતની ઓળખ બની
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે લીધો ક્ષેત્ર સન્યાસ
ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મિતાલીએ ટ્વીટરના માધ્યમથી ચાહકો માટે એક ભાવુક સંદેશ શેર કરીને તેમની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું.
મિતાલી રાજે 23 વર્ષની યશસ્વી અને સુદિર્ઘ કારકીર્દી સમેટી
મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હતી અને આજે 8 જુન બુધવારે 39 વર્ષની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટની કરોડરજ્જુ કહેવાતી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
મિતાલી રાજ મહિલા ક્રિકેટ વિશ્વમાં ભારતની ઓળખ
બે દશક કરતા પણ લાંબા સમયથી ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં “રાજ” કરનાર 39 વર્ષીય મિતાલી મહિલા ક્રિકેટ જગતમાં ભારતની ઓળખ છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે અંકિત થયેલો છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ પણ મિતાલી રાજના નામે છે.
બે દશક કરતા વધુ લાંબી કારકીર્દી રેકોર્ડ્સ ભરપૂર
મિતાલીએ તેમની 23 વર્ષની કારકિર્દીમાં માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 699 રન બનાવ્યા છે, જેમાં બેવડી સદી (214 રન) સામેલ છે. બીજી તરફ ઈન્ટરનેશનલ ટી20ની વાત કરીએ તો તમણે 89 મેચમાં 2364 રન બનાવ્યા છે, મિતાલીએ ટી20 ઈન્ટરનેશનલમાં ક્રિકેટ માં પણ 17 અડધી સદી ફટકારી છે. સાથે જ 232 વનડે મેચોમાં 7805 રન બનાવ્યા છે તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર છે. મિતાલી રાજના નામે 7 સદી અને 64 અર્ધસદી છે.
સૌથી વધુ વન-ડે માં કેપ્ટનશીપ કરવાનો અને સૌથી વધુ મેચો જીતવાનો રેકોર્ડ સર્જનાર
કેપ્ટન તરીકે સૌથી વધુ જીતનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. તેમણે 155 વનડેમાં કેપ્ટનશિપ કરી, જેમાં 89 મેચ જીત્યા અને 63માં હારનો સામનો કરવો પડ્યો. મહિલા ક્રિકેટ વિશ્વમાં 150 કરતાં વધુ વનડે મેચોમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે.