– 12 મી જુલાઈએ નીકળશે પરંપરાગત રથયાત્રા
– ચાર પાંચ કલાકમાં રથયાત્રા સંપૂર્ણ થશે
– સમગ્ર રથયાત્રાનું સીધું પ્રસારણ કરવામાં આવશે
અમદાવાદમાં જગન્નાથ મંદિરથી પરંપરાગત રથયાત્રા નીકળશે
કોરોનાના દૈનિક કેસોમાં સતત થઈ રહેલા ઘટાડા, ગતિપૂર્વક ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે સરકારે દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રાને મંજૂરી આપીને રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત આણ્યો હતો. આ વર્ષ 12 મી જુલાઈએ 144 મી રથયાત્રા અમદાવાદમાં નીકળશે.
રથયાત્રાના રૂટ ઉપર કરફ્યુ રહેશે
144 મી રથયાત્રાને આપવામાં આવેલી મંજૂરી વિશે જાણકારી આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાંથી રથયાત્રા નીકળશે તે વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કરફ્યુનું પાલન કરાવવામાં આવશે. રથ નિજ મંદિરથી નીકળી પરત ફરે ત્યાં સુધી પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદને જોડતા બધા જ પુલો ટ્રાફિક માટે બંધ રહેશે. સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા પહિંદવિધિ કરાવવામાં આવશે.
ત્રણ રથ તથા પાંચ વાહનો સાથે નીકળશે રથયાત્રા
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણ રથ અને પાંચ વાહનો સાથે આ વર્ષે રથયાત્રા નીકળશે. દર વર્ષે નીકળતી રથયાત્રાના અવિભાજ્ય અંગ સમાન ભજન મંડળીઓ, અખાડા, સુશોભિત કરેલી ટ્રકો વગેરેને મંજૂરી આપવામાં આવી નથી. જે ખલાસીઓ રથ ખેંચવાના છે તેમનો છેલ્લા અડતાલીસ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ આવેલો હોવો આવશ્યક છે. આ ઉપરાંત વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવો જોઈએ. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. રથયાત્રા નિયત કરેલા સમયે શ્રી જગન્નાથ મંદિરથી નીકળી નિયત સમયે ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચશે. સરસપુરમાં નક્કી કરેલા લોકો ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન કરશે એવું આયોજન કરવામાં આવ્યું છે.
આશરે 23 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે
વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે ગયા વર્ષે 2020 માં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રાને મંજૂરી આપવામાં નહોતી જ્યારે આ વર્ષે સતત ઘટતા જતા કોરોનાના દૈનિક કેસો તથા તેજ ગતિથી ચાલી રહેલા વેક્સિન અભિયાન અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે સરકારે 144 મી રથયાત્રાને મંજૂરી આપી દીધી છે. જોકે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર કરફ્યુનું પાલન કરાવવામાં આવશે ત્યારે શહેરમાં લગભગ 23 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે.
8 પોલીસ સ્ટેશનમાં કરફ્યુનો અમલ
શહેર પોલીસ કમિશ્નરના અનુસાર 20-20 ખલાસીઓ એક જ રથમાં હશે. સમગ્ર રૂટ પર કરફ્યુનો અમલ રહેશે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર એમ 8 પોલીસ સ્ટેશનમાં રથયાત્રાના દિવસે કરફ્યુનો અમલ રહેશે. કોઇ રોડ પર ન નીકળે, કરફ્યુનો ભંગ ન કરે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરાશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
રથયાત્રાના બંદોબસ્ત કેવો રહેશે
કોરોના મહામારીના સમયમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે આ વર્ષે રથયાત્રામાં ડીસીપી (DCP) અને તેનાથી ઉપરની કક્ષાના 42 અધિકારીઓ, 74 એસીપી (ACP), 230 જેટલા પીઆઈ (PI), 607 પીએસઆઈ (PSI), આશરે 12 હજાર પોલીસકર્મીઓ, એસઆરપી (SRP) ની 34 કંપનીઓ, સીઆરપીએફ (CRPF) ની 9 કંપનીઓ, આશરે 6000 હોમગાર્ડના જવાનો, 13 BDDS ની ટીમ તથા 15 ક્વીક રિસ્પોન્સ ટીમ (QRT) બંદોબસ્તમાં હાજર હશે.