Spread the love

મોદી સરકારના દ્વિતિય કાર્યકાળનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ

હિમાદ્રી આચાર્ય

બંગાળ ચૂંટણી અને કોરોનાની બીજી લહેરમાંથી થોડી નિરાંત મળતા જ મોદી સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાની વહીવટીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર હાથ ધર્યા છે. પહેલા એકસાથે સાત સાત રાજ્યપાલોની ફેરબદલી અને હવે કેબિનેટ વિસ્તરણ. 
રાજ્યપાલની ફેરબદલીની વાત કરીએ તો… ભાજપના રાજ્યસભાના નેતા અને સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ પદે, હરિયાણાના રાજયપાલ સત્યપાલ નારાયણ આર્યા હવે ત્રિપુરાના રાજ્યપાલ પદે, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હિમાચલ પ્રદેશના, મિઝોરમના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈને હવે ગોવાના, હિમાચલ પ્રદેશના ગવર્નર બંડારુ દત્તાત્રેયને હવે હરિયાણાના રાજ્યપાલ પદ પર, મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના, ત્રિપુરાના ગવર્નર રમેશ બૈસ હવે ઝારખંડના રાજયપાલ પદ પર અને હરિબાબુ ખંભાતીને મિઝોરમના રાજયપાલ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં, આરીફ મહમ્મદ અને નઝમા હેબતુંલ્લા અનુક્રમે કેરાલાના અને મણિપુરના રાજ્યપાલ તરીકે સેવા આપી જ રહ્યા છે ત્યારે સતાનું આ હસ્તાંતરણ કુશળ અને કાર્યક્ષમ વહીવટીય કુનેહ માટેની વ્યવસ્થા કરતાં વધુ, રાજનૈતિક વ્યૂહના ભાગરૂપે, જાતિગત સમીકરણોને આધારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી), જાટ સમુદાય, આદિવાસી, બધા વર્ગોને સાચવી લેવા માટેની નીતિ છે એ સ્પષ્ટ છે

દીગગજ મંત્રોઓના રાજીનામાં…મોદી સરકારના દ્વિતીય કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ અગાઉ જ રવિશંકર પ્રસાદ, સ્વાસ્થ્ય તેમજ વિજ્ઞાન તેમજ તકનીકી મંત્રાલયના મંત્રી ડૉ. હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો સહિત અનેક દિગગજ મંત્રીઓએ રાજીનામાં આપ્યા. સ્વાસ્થ્ય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંભાળતા ડોક્ટર હર્ષવર્ધનના મંત્રીપદને કોરોના ભરખી ગયો એમ કહીએ તો ખોટું નથી. તેઓ કોરોનાની બીજી લહેર દરમિયાન આરોગ્ય સેવાઓનો તીવ્ર અભાવ અને તેના કારણે મોટા પ્રમાણમાં જાનહાની… તેઓ પર્યાપ્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી શકવામાં અક્ષમ પુરવાર થયા જેને લઇને દેશ તેમજ દુનિયાભરમાં કોરોનાની મહામારીમાં મોદી સરકારની નિષ્ફળતાને લઈને મોદી સરકારે ખૂબ જ બદનામી વહોરવી પડી, જેની કિંમત હર્ષવર્ધને મંત્રીપદ ગુમાવીને ચૂકવવી પડી. ભાજપના પબ્લિક ફિગર અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ભાજપનો પક્ષ મિડીયા તેમજ જનતા સમક્ષ રજૂ કરવામાં પાવરધા, કાનુન તેમજ આઈટી તેમજ સંચાર મંત્રાલય સંભાળતા રવિશંકર પ્રસાદ પહેલા વોટસઅપ, ફેસબુક અને બાદમાં ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના વિવાદને સફળતાપૂર્વક હલ કરવામાં તેમજ ટ્વીટર જેવા ઇન્ટરનેશનલ માધ્યમ પર, મોદી સરકારને રંજાડતા સંવેદનશીલ મુદ્દાઓ હિન્દુત્વ, મુસ્લિમ, મોંઘવારી, કોરોના મહામારીના હાહાકાર તેમજ મેનીપ્યુલેટેડ સ્ટોરી જેવા ભાજપ પર લાગેલા આક્ષેપો નિવારવામાં તેમજ આ મુદ્દે મોદી સરકારની બદનામી અટકાવી શકવામાં નિષ્ફળતાને કારણે મંત્રીપદ ગુમાવવું પડ્યું. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રાલયના પ્રકાશ જાવડેકર પણ આ પ્લેટફોર્મ પર થતા મોદી સરકાર વિરોધી પ્રચારને અટકાવી શકવામાં નિષ્ફળ રહ્યા. શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ તેમની કોરોના બાદની લાંબી બીમારીને કારણે શિક્ષણ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં કારગર સાબિત ન થયા. કોરોના મહામારીમાં જ્યારે દોઢ વર્ષથી બાળકો-વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે ત્યારે તેમના ત શૈક્ષણિક ભવિષ્ય માટે, પરીક્ષાઓ માટે સીબીએસઇ તેમજ દેશની વિવિધ કોમ્પિટિટિવ પરીક્ષાઓ લેવી કે ન લેવી તે અંગેના નિર્ણયોની અગ્રીમતા સાચવી ન શક્યા તેના કારણે તેમણે મંત્રી પદ ગુમાવવું પડ્યું. યુપીના સાંસદ સંતોષ ગંગવારની, યુ.પી. સરકારની આકરી આલોચના કરતી ચિઠ્ઠી વાયરલ થઈ ગઈ હતી આ મુદ્દે મોદી સરકારની નારાજગીના કારણે તેમણે મંત્રીપદ ગુમાવવું તેમ કહેવાય છે. પર્યાવરણના રાજ્યકક્ષાના મંત્રી બાબુલ સુપ્રિયો છેલ્લા કેટલાક વખતથી મોદી સરકારથી નારાજ ચાલી રહ્યા છે તો મોદી સરકાર પણ ત તાજેતરની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેના પ્રદર્શનથી ખાસ ખુશ ન હોવાને કારણે તેમણે મંત્રીપદ ગુમાવ્યું છે.

બાર રાજીનામા બાદ ..છત્રીસ નવા ચહેરા, સાતને પ્રમોશન સહિત તેંતાલીસ મંત્રીઓ સાથે આજે તારીખ, સાત જુલાઈએ મોદીસરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. તેમાં 15 કેબિનેટ મંત્રીની અને 28 રાજ્ય મંત્રીના શપથ ગ્રહણ થયા. ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ મે 2019માં વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળની શરૂઆત 57 મંત્રીઓ સાથે કરી હતી. આ પછી પીએમ મોદી પહેલીવાર કેન્દ્રીય પ્રધાનોની પરિષદમાં વિસ્તરણ કર્યું છે. પહેલાના મંત્રીમંડળમાં કુલ 53 પ્રધાનો હતાં, અત્યારે વધીને 77 થયા છે. નિયમ અનુસાર યુનિયન મંત્રી મંડળમાં મહત્તમ 81 સભ્યો હોઈ શકે છે.  નવા મંત્રીમંડળમાં મહિલાઓને પહેલા કરતા વધુ મહત્વ આપવામાં આવ્યું છે. દિલ્હીના મીનાક્ષી લેખી ઉપરાંત કર્ણાટકના ઉદૂપી ચિકમગલુરના સાંસદ શોભા કરંદલાજે, ગુજરાતમાં સુરતથી ભાજપના સાંસદ દર્શના જર્દોષ, ઝારખંડના કોડરમાના ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, ત્રિપુરા પશ્ચિમના પ્રતિમા ભૌમિક, ભાજપના સાંસદ ભારતી પવાર, મહારાષ્ટ્રના ડિંડોરીના સાંસદ ભારતી પવાર. સાથી પક્ષમાંથી, અપના દલ (એસ) ના અનુપ્રિયા પટેલ સહિત ૧૧ મહિલા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે
ગુજરાતના પાંચ નેતાઓ, મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવી સિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજાપરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદેશ, રક્ષા, વિત, સડક પરિવહન મંત્રાલય વગેરે મંત્રાલયોમાં કશો ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવા મંત્રીમંડળમાં અલગ અલગ રાજ્યોના વિવિધ 12 દલિત સમુદાયના 12 નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ અનુસૂચિત જાતિના 27 મંત્રી તેમજ અનુસૂચિત જનજાતિ માંથી આવતા 8 નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
46 નેતા એવા છે કે જે ક્યારેક ને ક્યારેક મંત્રીમંડળમાં કામ કરી ચૂક્યા છે 23 મંત્રી લોકસભાની ચૂંટણી ત્રણ કે વધુ વખત જીતી ગયા છે અર્જુન મુંડા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ અને રાજનાથસિંહ… આ ચાર મંત્રી એવા છે કે જે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે. અઢાર નેતાઓને રાજ્ય સરકારમાં મંત્ર મંત્રીપદનો અનુભવ છે. ઓગણચાલીસ નેતા વિધાયક રહી ચૂક્યા છે. આ મંત્રીમંડળમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ છે.જ્યારે 27 નેતા એવા છે કે જેઓ પહેલીવાર મંત્રી બન્યા છે. અગાઉના મંત્રીમંડળની સરખામણીએ યુવા તેમજ શિક્ષિત નેતાનું પ્રમાણ વધ્યું છે.

નવા મંત્રીમંડળને શૈક્ષણિક કે વ્યવસાયિક લાયકાતની દ્રષ્ટિએ જોઈએ તો તેમા 6 ડોક્ટર, 13 વકીલ, 7 સિવિલ સર્વન્ટ 7 પીએચડી અને 68 ગ્રેજ્યુએટ્સનો સમાવેશ થાય છે.
મોદી સરકારના નવા કેબિનેટ મંડળના મહત્વપૂર્ણ મંત્રીઓ.મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-,એનસીપીની આઘાડી સરકાર સામે ભાજપના ઘટતા પ્રભાવની ક્ષતિને નિવારવા, મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેના તેમજ કોંગ્રેસ બન્ને પક્ષમાંથી સક્રિય રહી ચૂકેલા પીઢ મુત્સદ્દી નેતા નારાયણ રાણે ભાજપ માટે ઉપયોગી પુરવાર થઇ શકે એમ છે.આસામના સર્વાનંદ સોનોવાલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોર્થઈસ્ટ પર સારી પકડ ધરાવતા, અનુસૂચિત જાતિમાંથી આવતા આ નેતા નોર્થ ઈસ્ટના પ્રતિનિધિત્વનો મહત્વનો ચહેરો છે. આસામના આ નેતા ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણીઓમાં , નોર્થઈસ્ટ સંદર્ભે વ્યુહાત્મક રીતે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. તો ભૂપેન્દ્ર યાદવે રાજસ્થાનની 2013ની ચૂંટણી તેમજ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં પડદા પાછળ રહીને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ખૂબ જ અનુભવી રણનીતિકાર તરીકે ભાજપને ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવા આ નેતાને તેની પડદા પાછળની કામગીરીના ઇનામ રૂપે કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર સ્થાપવામાં તેમનો મોટો હાથ છે એક વખત રાહુલ અને સોનિયા ગાંધીના એકદમ કરીબી એવા, કોંગ્રેસ છોડીને આવેલા, જનતા સમક્ષ કોંગ્રેસનું નીચાજોણું અને ભાજપની જીત સમાન આ નેતાને સાચવી લેવા કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપવું તો બને છે. રામવિલાસ પાસવાનના નાનાભાઈ પશુપતિ કુમાર પારસ બિહારની રાજનીતિની રગેરગ જાણે છે તેમનો આ બહોળો અનુભવ ભાજપને ઉપયોગી સાબિત થવાનો જ. તો દિલ્હીના મીનાક્ષી લેખી 2014થી સતત બીજી વખત ભાજપના સાંસદ છે તેમજ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સામે બરાબરની ટક્કર આપે છે. વ્યવસાય સુપ્રિમ કોર્ટના વકીલ મીનાક્ષી લેખી અનેક વિવાદિત કાયદાકીય બાબતોમાં, અદાલતોમાં આક્રમક રીતે સરકારનો પક્ષ રાખી સરકારની મદદ કરે છે.

ટૂંકમાં, મંત્રીમંડળના વિસ્તરણમાં, 2022ની વિધાનસભાની ચૂંટણીઓની માટેની રણનીતિની ઝલક સ્પષ્ટ જોઈ શકાય છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે ઉતરપ્રદેશ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે જ કેબિનેટ વિસ્તરણમાં યુપીને મહત્તમ મહત્વ આપતાં નવા પ્રધાનમંડળમાં ઉત્તર પ્રદેશના સાત સાંસદોને સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમાંથી 6 લોકસભાના સભ્યો છે, જ્યારે એક રાજ્યસભાના સભ્ય છે. આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યોના આંતરિક વિસ્તારોના સ્થાનિક સમીકરણો અને પરીબળો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મંત્રીમંડળમા કરવામાં આવેલ આ પરિવર્તન અને વિસ્તરણ, જાતિગત સમીકરણો ઉપરાંત પ્રાદેશિક સમીકરણો હલ કરવાનો પ્રયાસ છે એમ કહીએ તો ખોટું નથી.

હિમાદ્રી આચાર્ય


Spread the love