– નવાબ મલિક NCP ના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી છે
– સમીર વાનખેડે NCB મુંબઈના ઝોનલ ડિરેકટર છે
– નવાબ મલિકે સમીર વાનખેડેના ધર્મ અને જાતિ વિશે વિવાદિત આરોપો મુકયા હતા
સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે બદનક્ષીનો કેસ કર્યો
હાઈ પ્રોફાઈલ બની ગયેલા મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં NCB દ્વારા ફિલ્મ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પકડયા બાદ મહારાષ્ટ્ર સરકારના કેબીનેટ મંત્રી અને NCP ના નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસ મામલે સતત એનસીબી, સમીર વાનખેડે અને તેમના પરિવારજનો પર વિવાદાસ્પદ આરોપો લગાવી રહ્યા છે ત્યારે હવે સમગ્ર કેસમાં વળાંક આવ્યો છે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરૂદ્ધ 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે સોમવારેઆ મામલે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડે મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર છે અને આર્યન ખાન, નવાબ મલિકના જમાઈ સમીર ખાન સહિત બોલિવુડ સાથે સંકળાયેલા તમામ કેસોમાં તપાસ અધિકારી હતા.
નવાબ મલિકના આરોપો પૂર્વગ્રહ પ્રેરિત
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મુંબઈ NCB ના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાનખેડે પર નવાબ મલિકના આરોપો તેમના જમાઈની ડ્રગ્સ કેસમાં થયેલી ધરપકડ બાદ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે સમીર ખાનને સપ્ટેમ્બર મહિનામાં જામીન મળ્યા હતા ત્યાર બાદ મલિક દરરોજ સોશિયલ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મુદ્દે વાનખેડેના પરિવાર ઉપર આરોપો લગાવી રહ્યા છે.
સમીર વાનખેડેના પિતાએ માનહાનિના દાવા સાથે હાઈકોર્ટને વિનંતી કરી
સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક વિરુદ્ધ દાખલ કરેલા માનહાનિના દાવામાં કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિકે પૂર્વગ્રહથી પ્રેરાઈને વાદી અને તેના પરિવારના સદસ્યોનું નામ, ચરિત્ર, પ્રતિષ્ઠા અને સામાજીક છબિને પારાવાર અને પૂરી ન શકાય તેવી હાનિ પહોંચાડી છે. ધ્યાનદેવે માંગણી કરી છે કે,નવાબ મલિક, તેમની પાર્ટીના નેતાઓ અને અન્ય તમામને તેમના તથા તેમના પરિવાર વિરૂદ્ધ મીડિયામાં કશું પણ આપત્તિજનક, માનહાનિકારક સામગ્રી લખતા, બોલતા કે પ્રકાશિત કરતા અટકાવવામાં આવે. સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવે આ ઉપરાંત એવી વિનંતી કરી છે કે, હાઈકોર્ટ એવું જાહેર કરે કે, મલિકના આરોપો, નિવેદનો લેખિત હોય કે મૌખિક, તે તેમના કે તેમના પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવ્યા હોય, તે પ્રકૃત્તિમાં આપત્તિજનક અને માનહાનિકારક છે. એટલું જ નહીં, ધ્યાનદેવે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત અન્ય જગ્યાઓ પરના ઈન્ટરવ્યુ અને નિવેદનો દૂર કરવાની માંગણી પણ કરી છે.
પુત્રી યાસ્મિનની કારકિર્દીને નુકશાન પહોંચાડવાની મંશા
સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવે કરેલા બદનક્ષીના કેસ અંગે તેમના વકીલ અર્શદ શેખે જણાવ્યું હતું કે, નવાબ મલિક વાનખેડેના પરિવારને ફ્રોડ કહી રહ્યા છે અને તેમના ધર્મ પર સવાલ ઉઠાવીને વાનખેડે હિંદુ નથી એમ કહી રહ્યા છે. મલિક દરરોજ સમગ્ર પરિવારને ફ્રોડ કહે છે અને તેમની વકીલ પુત્રી યાસ્મીન જે ક્રિમિનલ લોયર છે અને નાર્કોટિક્સ કેસમાં વકીલાત નથી કરતી
તેની કારકિર્દીને બરબાદ કરી રહ્યા છે.