- મુખ્યમંત્રી બિરેન સિંહ રાજ્યપાલને મળશે
- રાજીનામું આપી શકે છે એવી અટકળો
- રાજભવન બહાર મહિલાઓનું પ્રદર્શન
મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યપાલને મળવાનો સમય માંગતા રાજીનામાની અટકળો વહેતી થઈ
મણિપુરના ઘણા સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હિંસાની જવાબદારી લેતા મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ મીડિયાના અહેવાલોમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રએ મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહને બે વિકલ્પો આપ્યા છે કાંતો તેઓએ રાજીનામું આપવું જોઈએ કાંતો પરિસ્થિતિ સુધારવા માટે કેન્દ્ર પોતે હસ્તક્ષેપ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 જી મેથી મણિપુર રાજ્યમાં હિંસા ફાટી નીકળી છે અને લગભગ બે મહિના થવા છતાં સ્થિતિ નિયંત્રણ આવી હોય તેવા સંકેત દેખાતા નથી ત્યારે આવી સ્થિતિમાં ભાજપ સરકાર પર પણ મુખ્યમંત્રી બદલવાનું દબાણ છે. મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે અને તેઓ આજે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા ચોમેર ચાલી રહી છે. મુખ્યમંત્રીએ બપોરે 1 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આ દરમિયાન તેઓ રાજીનામું આપી શકે છે.
છેલ્લા બે મહિનાથી હિંસાગ્રસ્ત મણિપુરમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે
મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરના પાટનગર ઇમ્ફાલ સહિત ઘણા જિલ્લાઓમાં સતત હિંસાની ઘટના ચાલુ રહી છે ત્યારે એન. બિરેન સિંહ પણ મેઇતેઈ સમુદાયના હોવાના કારણે કુકી સમુદાય સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા તેમના પર પક્ષપાતનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થિતિ એવી બની રહી છે, એવું દ્રશ્ય સર્જાઇ રહ્યું છે કે મુખ્યમંત્રી બિરેન સિંહ પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ નથી.