Spread the love

કેનેડામાં રહેતા અલગતાવાદી અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવતા, સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગે કહ્યું છે કે ચીનનો હેતુ “ભારત અને પશ્ચિમના દેશો વચ્ચે મતભેદ ઉભો કરવાનો હતો.”

જેનિફર ઝેંગે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નિજ્જરની હત્યા તાઇવાન અંગે શી જિનપિંગની લશ્કરી વ્યૂહરચના અનુસાર વિશ્વને વિક્ષેપિત કરવા માટે સીસીપીની ભયાનક “આગ લગાવો યોજના” નો એક ભાગ હતી.

જેનિફર ઝેંગનો જન્મ ચીનમાં થયો છે તે હાલમાં અમેરિકામાં રહે છે અને માનવ અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ અને પત્રકાર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, X પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં, ઝેંગે નિજ્જરને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાને હત્યા તરીકે ગણાવીને દાવો કર્યો કે, “આજે કેનેડામાં શીખ ધાર્મિક નેતા હરદીપ સિંહ નિજ્જરની ‘હત્યા’ વિશે ચોંકાવનારા ખુલાસા ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની અંદરથી બહાર આવ્યા છે. એવો આરોપ લગાવાયો છે કે ‘હત્યા’ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ના એજન્ટો દ્વારા કરવામાં આવી હતી.”

ઉલ્લેખનીય છે કે 18 જૂન 2023 ના રોજ, ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગે પોતાના આરોપો માટેનો આધાર, તેમના કહેવા મુજબ કેનેડામાં રહેતા ચાઇનીઝ લેખક અને યુટ્યુબર લાઓ ડેંગ છે.

ઝેંગ X પર પોસ્ટ કરેલા વીડિયોમાં એવો દાવો કરે છે “લાઓએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં તેમની ચીનની વિક્ષેપ પહેલ અંતર્ગત ‘આગ લગાવો પ્લાન’ ના ભાગરૂપે, સીસીપી મંત્રાલયના રાજ્ય સુરક્ષા વિભાગના એક ઉચ્ચ કક્ષાના અધિકારીને સિએટલ, યુએસએ મોકલવામાં આવ્યા હતા. ત્યાં એક ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમ વચ્ચેના સંબંધોમાં ફાટ ઉભી કરવાનો હતો.”

ઝેંગે દાવો કર્યો છે કે “એજન્ટોને કેનેડામાં શીખ અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મીટિંગ બાદ, CCP એજન્ટોએ હત્યાની યોજનાને ઝીણવટપૂર્વક અંજામ આપ્યો.”

તેમની મોડસ ઓપરેન્ડી સમજાવતા, સ્વતંત્ર બ્લોગર ઝેંગે આરોપ લગાવ્યો છે કે, “18મી જૂને, સાયલન્સ્ડ બંદૂકોથી સજ્જ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો. જ્યારે તેમને સોંપાયેલું કામ થઈ ગયુ, ત્યારે તેઓએ કોઈ પુરાવાને ભૂંસી નાખવા માટે નિજ્જરની કારમાંના ડેશ કેમેરાનો નાશ કર્યો. ગુનો કર્યા બાદ એજન્ટો (CCP) ભાગી ગયા. તેઓએ પુરાવાના નિશાનોનો નાશ કરવા માટે તેમના શસ્ત્રો અને વસ્ત્રો સળગાવી દીધા અને બીજા દિવસે તેઓ એરોપ્લેનમાં કેનેડા છોડી જતા રહ્યા.”

એટલું જ નહી ઝેંગે એવો પણ દાવો કર્યો છે કે હત્યારાઓ જાણી જોઈને ભારતીય લઢણમાં બોલાતું અંગ્રેજી પણ શીખ્યા હતા.” તેથી, તેઓ ઇરાદાપૂર્વક ભારતીય લઢણમાં અંગ્રેજીમાં બોલ્યા… વાસ્તવમાં, આ બધું જ CCP સિક્રેટ એજન્ટ દ્વારા ભારતને ફસાવવા, બદનામ કરવાની યોજનાનો ભાગ હતું.”

CCPની ‘આગ લગાવો યોજના’ અંગે બોલતા ઝેંગે એવો પણ દાવો કર્યો હતો કે લાઓએ ખુલાસો કર્યો હતો કે CCPની ‘આગ લગાવો યોજના’ આ વર્ષે CCPના બે સત્રો પછી ઘડી કાઢવામાં આવી હતી.

ખાસ બાબત એ છે કે જેનિફર ઝેંગના આરોપો અંગે, અમેરિકન સમય અનુસાર રવિવારે બપોરે પોસ્ટ કરાયેલા વિડીઓ અંગે ચીનના વિદેશ મંત્રાલય અથવા એક્સ્ટર્નલ અફેર્સ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અત્રે ધ્યાન આપવું ઘટે કે કેનેડાની સરકારે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી જે હજુ પણ જણાઇ આવે છે.

જોકે આ પછી, ભારતે આ દાવાઓને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવીને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ભારતે એક નિવેદન જારી કરીને ઝડપથી પ્રતિક્રિયા આપી અને આ મુદ્દામાં કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કેનેડાને તેની ભાષામાં ઉત્તર આપતા એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધારે છે અને તેઓ માને છે કે ઘટાડો કરવો જોઈએ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Politics : કેનેડામાં નિજ્જરની હત્યા, ભારતને બદનામ કરવાનું ચીનનું ષડયંત્ર: ચીની બ્લોગરે કર્યો દાવો”
  1. […] કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારી સહિત ઘણા લોકો સામેલ હતા. જો કે, આ કેનેડિયન કમિટિનો રિપોર્ટ કંઈક અલગ જ વાત કહી રહ્યો છે. રિપોર્ટ અનુસાર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કોઈ વિદેશી રાજ્ય સાથે કોઈ ચોક્કસ કનેક્શન સાબિત થઈ શક્યું નથી. […]

Comments are closed.