છત્તીસગઢમાં 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. લગભગ બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે છત્તીસગઢમાં કોંગ્રેસ ફરી આવશે સત્તા પર કે ભાજપ બાજી મારશે. જોકે અત્યાર સુધી દરેક પાર્ટી પોતપોતાની જીતના અને સરકાર બનાવવાના દાવા કરી રહી છે. ભાજપે પ્રચંડ જીત સાથે સત્તા આંચકી લેવાનો દાવો કર્યો છે તો કોંગ્રેસ પણ કહી રહી છે કે તે ફરી એકવાર છત્તીસગઢમાં સરકાર બનાવશે.
મતગણતરી માટે 33 જિલ્લામાં મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેમાં આજે 1181 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં 2 તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું.
છત્તીસગઢમાં વર્તમાનમાં ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. છત્તીસગઢ વિધાનસભાની કેટલીક સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. આ એવી બેઠકો છે જેના પર ગળાકાપ હરીફાઈ અને રસાકસી ધરાવતો મુકાબલો થઈ શકે છે.
જે બેઠકો પર જબરદસ્ત રણસંગ્રામ થવાની શક્યતા જોવાઈ રહી છે તેમાં પાટણ, રાજનાંદગાંવ, કોંટા, અંબિકાપુર, ખરસિયા, રાયપુર સિટી સાઉથ, કોંડાગાંવ, શક્તિ, લોર્મી અને ભરતપુર-સોનહાટ બેઠકનો સમાવેશ થાય છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થતી જોવા મળી રહી છે. સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર, છત્તીસગઢમાં કોંગ્રેસને 46-56 બેઠકો, ભાજપને 30-40 અને અન્યને 3થી 5 બેઠકો મળવાની ધારણા છે. જોકે મતગણતરી જુદા જ ચિત્ર તરફ અંગુલિનિર્દેશ કરતી દેખાય છે.
જે બેઠકો પર રસપ્રદ મુકાબલો થવાની સંભાવના છે તેમાં પાટણની બેઠક પર સૌની નજર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ઊભા રહેલા ભાજપના ઉમેદવાર વિજય બઘેલ તેમના સંબંધી થાય છે. મળતા અહવાલો મુજબ મતગણતરીના વલણ જોતાં ભૂપેશ બઘેલ પાછળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વિજય બઘેલ આગળ ચાલી રહ્યા છે.
