– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે રળિયામણા બીચ ધરાવતા માંડવીની બેઠકનો ઇતિહાસ
માંડવી વિધાનસભા મતવિસ્તાર (Mandvi Assembly Constituency)
માંડવી બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર બે બેઠક છે. માંડવી બેઠક કચ્છ લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. માંડવી બેઠકમાં માંડવી શહેર, માંડવી તાલુકો અને મુન્દ્રા શહેર તેમજ સમસ્ત મુન્દ્રા તાલુકાનો સમાવેશ થાય છે. માંડવી બેઠકમાં કુલ 2,46,526 મતદારો છે.
માંડવી બેઠકની પશ્ચિમે અબડાસા બેઠક, ઉત્તરમાં ભૂજ બેઠક, પૂર્વમાં અંજાર બેઠક અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે.
માંડવી બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંડવીમાંથી ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ સામે 9046 મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંડવી તાલુકા પંચાયતમાં 20માંથી ભાજપને 17 અને કોંગ્રેસને 03 બેઠકો જ્યારે મુંદ્રા તાલુકા પંચાયતમાં 18માંથી ભાજપને 10 અને કોંગ્રેસને 08 બેઠકો મળી હતી. બેઠકના શહેરી વિસ્તારોમાં જોઈએ તો માંડવી નગરપાલિકામાં 36માંથી ભાજપને 31 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી જ્યારે મુન્દ્રા નગરપાલિકામાં 28માંથી ભાજપને 19 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ –
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 મહારાજા હિમતસિંહ સ્વતંત્ર પક્ષ 13604
1967 જે.એલ. મહેતા. કોંગ્રેસ. 760
1972 નૌશિર દૌરાબજી દસ્તુર કોંગ્રેસ. 17921
1975 સુરેશ મહેતા જનસંઘ 4643
1980 જયકુમાર સંઘવી કોંગ્રેસ. 3547
1985 સુરેશ મહેતા ભાજપ. 1609
1990 સુરેશ મહેતા ભાજપ. 16908
1995 સુરેશ મહેતા. ભાજપ 9221
1998 સુરેશ મહેતા ભાજપ 14524
2002 છબીલ પટેલ. કોંગ્રેસ 598
2007 ધનજીભાઈ સેંઘાણી ભાજપ. 4139
2012 તારાચંદ છેડા ભાજપ 8506
2017 વિરેન્દ્રસિંહ જાડેજા. ભાજપ. 9046
માંડવી બેઠકનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક ઉપરથી માધવસિંહ સોલંકી સરકારમાં મંત્રી રહેલાં જયકુમાર સંઘવી 1980માં જીત્યા હતાં. જ્યારે ભાજપના એક સમયના કદાવર નેતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ઉધોગ મંત્રી રહેલા તેમજ ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી સુરેશ મહેતા 4 વાર જીત્યા હતા. પણ 2002ની ચૂંટણીમાં ફક્ત 598 મતના પરાજયે સુરેશ મહેતાની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
આમ, કુલ 13 ચૂંટણીઓમાંથી માંડવીમાં કોંગ્રેસ 4 વાર, ભાજપ 7 વાર + 1 વાર જનસંઘ અને સ્વતંત્ર પક્ષ 1 વાર વિજયી થયો છે. છેલ્લી 3 ચૂંટણીઓમાં ભાજપ માંડવીમાં લગાતાર જીત્યું છે. જેથી, માંડવી બેઠક ભાજપ માટે એક સલામત બેઠક કહી શકાય.
શુક્રવારે ભૂજ બેઠકની માહિતી