– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે સરહદી જિલ્લા કચ્છની અંજાર સીટ વિશે
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો.
અંજાર વિધાનસભા મતવિસ્તાર (Anjar Assembly Constituency)
અંજાર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર ચાર બેઠક છે. અંજાર બેઠક કચ્છ લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. અંજાર બેઠકમાં અંજાર શહેર, અંજાર તાલુકો અને ભૂજ તાલુકાના પૂર્વ વિસ્તારના 71 ગામોનો સમાવેશ થાય છે. અંજાર બેઠકમાં કુલ 2,57,728 મતદારો છે.
અંજાર બેઠકની ઉત્તરે કચ્છનું રણ, પૂર્વમાં રાપર અને ગાંધીધામ બેઠક, દક્ષિણમાં કચ્છનો અખાત અને માંડવી-મુન્દ્રા બેઠક જ્યારે પશ્ચિમમાં ભૂજ વિધાનસભા મત વિસ્તાર આવેલો છે.
અંજાર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં અંજારમાંથી ભાજપના વાસણભાઈ આહિર કોંગ્રેસના વી.કે. હુંબલ સામે 11313 મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં. જ્યારે 2021માં ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંજાર તાલુકા પંચાયતમાં 20માંથી ભાજપને 15 અને કોંગ્રેસને ફક્ત 05 બેઠકો મળી હતી. ઉપરાંત, અંજાર નગરપાલિકામાં 36માંથી ભાજપને 35 અને કોંગ્રેસને ફક્ત 1 જ બેઠક મળી હતી. આમ, અંજાર તાલુકા અને અંજાર શહેર બંનેમાં ભાજપનું ભારે વર્ચસ્વ છે.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ…. વિજેતા….. પક્ષ…. સરસાઈ….
1962 મૂળજી પરસોત્તમ સ્વતંત્ર પક્ષ 7446
1967 એન.એચ. ગજવાની કોંગ્રેસ. 5670
1972 ખીમજી જેસંગ કોંગ્રેસ. 7824
1975 પ્રેમજી ઠક્કર કોંગ્રેસ. 10703
1980 ખીમજી જેસંગ કોંગ્રેસ. 15451
1985 નવીનભાઈ શાસ્ત્રી કોંગ્રેસ. 18083
1990 નવીનભાઈ શાસ્ત્રી કોંગ્રેસ 1138
1995 વાસણ આહિર ભાજપ 30680
1998 વાસણ આહિર ભાજપ. 5991
2002 નીમાબેન આચાર્ય કોંગ્રેસ. 4079
2007 નીમાબેન આચાર્ય ભાજપ. 17588
2012 વાસણ આહિર ભાજપ. 4728
2017 વાસણ આહિર ભાજપ. 11313
આમ, અંજારમાં યોજાયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 5 વાર અને સ્વતંત્ર પક્ષ 1 વાર વિજયી થયો છે. ભાજપના વાસણ આહિર સૌથી વધુ 4 વાર આ બેઠક ઉપરથી જીત્યા છે અને તેમાંય છેલ્લી 3 ચૂંટણીઓમાં તો સતત ભાજપનો જ વિજય થયો છે. આ બધાં ઐતિહાસિક પરિબળો તેમજ અંજાર તાલુકા પંચાયત અને અંજાર નગરપાલિકામાં ભાજપની એકતરફી જીતથી આ સીટ ભાજપ માટે સલામત લાગી રહી છે.
આવતા બુધવારે ગાંધીધામ બેઠકનું ઐતિહાસિક વિશ્લેષણ