Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સરહદી જિલ્લા કચ્છની ભુજ સીટ વિશે

ભુજ વિધાનસભા મતવિસ્તાર (Bhuj Assembly Constituency)

ભુજ બેઠક કચ્છ લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. ભુજ બેઠકમાં ભુજ શહેર અને ભુજ તાલુકાના પશ્ચિમ-દક્ષિણ વિસ્તારના 92 ગામોનો સમાવેશ થાય છે. ભુજ તાલુકાના બાકીના ગામો અંજાર બેઠકમાં સમાવિષ્ટ છે. ભુજ બેઠકની ઉત્તરે કચ્છનું રણ, પૂર્વમાં કચ્છનું રણ અને અંજાર બેઠક, દક્ષિણમાં અંજાર અને માંડવી બેઠક જ્યારે પશ્ચિમમાં અબડાસા બેઠક આવેલી છે.

ભુજ બેઠકમાં કુલ 2,81,389 મતદારો છે. ભુજ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી.

છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુજમાંથી ભાજપના ડૉ. નીમાબેન આચાર્ય કોંગ્રેસના આદમ ચાકી સામે 14,022 મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં. નીમાબેન હાલ ગુજરાત વિધાનસભાના પહેલાં મહિલા અધ્યક્ષા બન્યા છે. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભુજ તાલુકા પંચાયતમાં 29માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 08 બેઠકો મળી હતી. જ્યારે ભૂજ નગરપાલિકામાં 44માંથી ભાજપને 36 અને કોંગ્રેસને 8 બેઠકો મળી હતી અને 25 બેઠકો ઉપર ઉભી રહેલી આમ આદમી પાર્ટીએ તમામ 25 બેઠકો ઉપર ડિપોઝીટ પણ ગુમાવી હતી.

ભુજ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962   ગુલાબશંકર અમૃતલાલ    સ્વતંત્ર પક્ષ    13903
1967   એમ.એમ. મહેતા.           કોંગ્રેસ.          4417
1972   રામજી ઠક્કર                  કોંગ્રેસ.          13024
1975   કુંદનલાલ ધોળકિયા         સંસ્થા કોંગ્રેસ  3701
1980   મોહનલાલ શાહ              કોંગ્રેસ.          12086
1985   કુમુદિની પંચોલી              કોંગ્રેસ            3357
1990   પુષ્પદાન ગઢવી               ભાજપ.          8190
1995   મુકેશ ઝવેરી                   ભાજપ           5967
1998   મુકેશ ઝવેરી                   ભાજપ           22119
2002   શિવજીભાઈ આહિર       કોંગ્રેસ            2580
2007   વાસણભાઈ આહિર        ભાજપ.         21582
2012   નીમાબેન આચાર્ય            ભાજપ          8973
2017   નીમાબેન આચાર્ય            ભાજપ          14022

ભુજ બેઠક ગુજરાત વિધાનસભા અધ્યક્ષ આપવાનો ઈતિહાસ ધરાવે છે. હાલ, નીમાબેન આચાર્ય અગાઉ 1975માં ચૂંટાયેલા કુંદનલાલ ધોળકિયા પણ બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં વિધાનસભા અધ્યક્ષ નિમાયા હતાં. ઉપરાંત, આ બેઠક ઉપરથી ચૂંટાયેલા વાસણભાઈ આહિર રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે જ્યારે 1990માં ચૂંટાયેલા પુષ્પદાન ગઢવી 1996 થી 2009 સુધી 4 વાર કચ્છના સાંસદ રહી ચૂક્યા છે.

આમ, કુલ 13 ચૂંટણીઓમાંથી ભુજમાં કોંગ્રેસ 5 વાર + 1 વાર સંસ્થા કોંગ્રેસ, ભાજપ 6 વાર અને સ્વતંત્ર પક્ષ 1 વાર વિજયી થયો છે. છેલ્લી 3 ચૂંટણીઓમાં ભાજપ ભુજમાં લગાતાર જીત્યું છે. જેથી, ભુજ બેઠક ભાજપની સલામત બેઠકોની યાદીમાં આવી શકે.

સોમવારે અંજાર બેઠકનો ઈતિહાસ જોઈશું


Spread the love