– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે અરવલ્લી જિલ્લાની મોડાસા સીટ વિશે
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે મોડાસા સીટનું વિશ્લેષણ વાંચો.
ઉત્તર ગુજરાતની અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૩૧માં નંબરની બેઠક છે. મોડાસા બેઠક સામાન્ય બેઠક છે. મોડાસા બેઠકનો સમાવેશ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. મોડાસા બેઠકમાં મોડાસા શહેર સહિત સમસ્ત મોડાસા અને ધનસુરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોડાસા બેઠકમાં કુલ 2,65,648 મતદારો છે.
મોડાસા બેઠકની ઉત્તરે અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક, પૂર્વમાં ભિલોડા બેઠકમાં સમાવિષ્ટ મેઘરજ તાલુકો અને બાયડ બેઠકમાં સમાવિષ્ટ માલપુર તાલુકો, દક્ષિણમાં બાયડ બેઠક અને પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ બેઠકમાં સમાવિષ્ટ તલોદ તાલુકો અને હિંમતનગર બેઠક આવેલી છે.
મોડાસા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર ભાજપના ભીખુસિંહજી પરમાર સામે માત્ર 1640 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા.
મોડાસા બેઠકના હારજીતના લેખાજોખા
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 વાડીલાલ મહેતા કોંગ્રેસ 704
1967 એન.એસ. પટેલ સ્વતંત્ર પક્ષ 3234
1972 અંબાલાલ ઉપાધ્યાય કોંગ્રેસ 14288
1975 અરજનભાઈ પટેલ જનસંઘ 6924
1980 અંબાલાલ ઉપાધ્યાય અપક્ષ 5546
1985 ચંદુસિંહ ઠાકોર કોંગ્રેસ 9657
1987 છગનસિંહજી. કોંગ્રેસ. 8371
1990 હરિભાઈ પટેલ જનતાદળ 5863
1995 દિલીપસિંહ પરમાર ભાજપ 34906
1998 દિલીપસિંહ પરમાર ભાજપ 15432
2002 દિલીપસિંહ પરમાર ભાજપ 32249
2007 દિલીપસિંહ પરમાર ભાજપ 10339
2012 રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ 22858
2017 રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ 1640
આમ, મોડાસામાં થયેલી 1987ની એક પેટાચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 6 વાર, ભાજપ 1975ના જનસંઘના વિજય સહિત 5 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ, અપક્ષ અને જનતાદળ એક-એક વાર વિજયી નિવડ્યા છે. ભાજપના દીલીપસિંહ પરમાર સતત 4 ટર્મ ચૂંટાયા હતાં અને વિવિધ ભાજપ સરકારોમાં મંત્રી તરીકે રહ્યા હતા.
ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મોડાસા તાલુકા પંચાયતની કુલ 22માંથી ભાજપનો 18, કોંગ્રેસનો 02 અને અપક્ષનો 02 બેઠકો ઉપર વિજય થયો હતો, જ્યારે મોડાસા નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 19, ઓવેસીની મીમ પાર્ટીને 09 અને કોંગ્રેસને 08 બેઠકો મળી હતી તેમજ ધનસુરા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી ભાજપને 15, કોંગ્રેસને 02 અને અપક્ષને 01 બેઠક મળી હતી.
આમ, મોડાસામાં અત્યાર સુધી તો ભાજપ અને કોંગ્રેસ સરખા મુકાબલે રહ્યા છે પણ ગત વખતની કોંગ્રેસની પાતળી સરસાઈ અને સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપની જીત 2022 માટે કોંગ્રેસની તકો ધૂંધળી બનાવી રહી છે.
આવતીકાલે બાયડ બેઠકના લેખાજોખા