Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે અરવલ્લી જિલ્લાની ભિલોડા સીટ વિશે

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ભિલોડા સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૩૦માં નંબરની બેઠક છે. ભિલોડા બેઠક ST અનામત બેઠક છે. ભિલોડા બેઠકનો સમાવેશ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ભિલોડા બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરહદને અડીને આવેલા ભિલોડા તાલુકાના 15 ગામોને છોડીને બાકીના તમામ 153 ગામો તેમજ અરવલ્લી જિલ્લાના સમગ્ર મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. ભિલોડા બેઠકમાં કુલ 3,02,187 મતદારો છે.

ભિલોડા બેઠકની ઉત્તરે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકમાં સમાવિષ્ટ વિજયનગર તાલુકો, પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, દક્ષિણમાં મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠકમાં સમાવિષ્ટ ખાનપુર તાલુકો તેમજ પશ્ચિમમાં અરવલ્લી જિલ્લાની બાયડ બેઠકમાં સમાવિષ્ટ માલપુર તાલુકો, મોડાસા બેઠક, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર અને ઈડર બેઠકો આવેલી છે.

ભિલોડા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. ભિલોડા બેઠક 2007ની ચૂંટણી સુધી સામાન્ય બેઠક હતી પણ 2008ના ડિલિમિટેશન પછી આ બેઠક આદિવાસીઓ માટે અનામત બેઠક કરવામાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ડો. અનિલ જોશીયારા ભાજપના પી.સી. બરંડા સામે 12,417 મતની સરસાઈથી જીત્યા હતાં.

ભિલોડા બેઠકના હારજીતના લેખાજોખા

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 ગણપતલાલ ત્રિવેદી કોંગ્રેસ 7144
1967 એ.જે. ત્રિવેદી સ્વતંત્ર પક્ષ 4082
1972 મૂળશંકર રણછોડદાસ કોંગ્રેસ 3315
1975 ધનેશ્વર વ્યાસ સંસ્થા કોંગ્રેસ 10831
1980 મનુભાઈ ત્રિવેદી કોંગ્રેસ 11966
1985 ઉપેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસ 20339
1990 ઉપેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસ 8349
1995 ડો. અનિલ જોશીયારા ભાજપ 6803
1998 ઉપેન્દ્ર ત્રિવેદી અપક્ષ 7298
2002 ડો. અનિલ જોશીયારા કોંગ્રેસ 7163
2007 ડો. અનિલ જોશીયારા કોંગ્રેસ 11756
2012 ડો. અનિલ જોશીયારા કોંગ્રેસ 31543
2017 ડો. અનિલ જોશીયારા કોંગ્રેસ 12417

આમ, ભિલોડામાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ સૌથી વધુ 9 વાર જ્યારે ભાજપ, સ્વતંત્ર પક્ષ, સંસ્થા કોંગ્રેસ અને અપક્ષ એક-એક વાર વિજયી થઈ ચૂક્યા છે. આખા ગુજરાતમાં ભગવો લહેરાવનાર ભાજપ ભિલોડામાં હજુ સુધી માત્ર એકજ વાર 1995માં જીત્યો હતો. 1995માં જીતનાર ડો. અનિલ જોશીયારાએ શંકરસિંહના ખજુરાહો કાંડ વખતે ભાજપ સામે બળવો કર્યો હતો અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હતાં. ત્યારબાદ, તેઓ શંકરસિંહ સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં અને છેલ્લી 4 ચૂંટણીઓથી જીતી રહ્યા છે. પ્રખ્યાત ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભિલોડામાંથી 2 વાર કોંગ્રેસ અને 1 વાર અપક્ષ તરીકે ચૂંટાયા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી 2000 થી 2002ની વચ્ચે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભિલોડા તાલુકા પંચાયતની કુલ 26માંથી ભાજપનો 14, કોંગ્રેસનો 11 અને અપક્ષનો 01 બેઠક ઉપર વિજય થયો હતો, જ્યારે મેઘરજ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ભાજપનો 16, કોંગ્રેસનો 05 અને અપક્ષનો 01 બેઠક ઉપર વિજય થયો હતો. ખુદ ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાના પુત્રની પણ ભિલોડા તાલુકા પંચાયતમાં હાર થઈ હતી. આમ, કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક ભિલોડા ઉપર ભાજપે ગાબડા તો પાડ્યા છે પણ વિધાનસભા વિશે અત્યારથી કશું કહેવું અઘરું છે.

આવતીકાલે મોડાસા બેઠકના લેખાજોખા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *