
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરાઈ NEET ની તારીખ
- 12 સપ્ટેમ્બરનાં રોજ યોજશે પરીક્ષા
- પરીક્ષા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને સ્થગિત રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવાર 13 જુલાઈથી NTAની વેબસાઇટ પર શરૂ થશે.

કોવિડ-19 પ્રોટોકોલ અનુસાર યોજાશે પરીક્ષા:
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે તથાં કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોમાં વધારો:
કોવિડ 19 ની પરિસ્થિતિ અનુસાર સમાજિક અંતર જાળવી શકાય તે માટે પરીક્ષા યોજાનાર શહેરોની સંખ્યા 2020ની તુલનામાં 155 થી વધારીને 198 કરવામાં આવી છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારો કરીને 3862 કરવામાં આવ્યાં છે.
NEET UG 2021 માટે અરજી:
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ https://neet.nta.nic.in/webinfo/Page/Page?PageId=8&LangId=P જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.