– શ્રીનગર શહેરમાં સલામતીના કારણોસર ડ્રોન પર પ્રતિબંધ
– સરકારી વિભાગોને ડ્રોન ઉપયોગ કરતા પહેલા પોલીસને જાણ કરવા જણાવાયું
– જમ્મુ એરફોર્સ બેઝ પર ડ્રોન હુમલા બાદ લેવાયું પગલું
શ્રીનગર શહેરમાં સલામતીના કારણોસર ડ્રોન પર પ્રતિબંધ
જમ્મુ એરફોર્સ બેઝ ઉપર થયેલા ડ્રોન હુમલાના અઠવાડિયા બાદ શ્રીનગર શહેરમાં ડ્રોન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શ્રીનગર શહેર વહીવટીતંત્ર દ્વારા શ્રીનગર શહેરમાં ડ્રોન વાપરવા, રાખવા અને વેચવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
જીલ્લા મેજીસ્ટ્રેટનો આદેશ
જીલ્લા મેજીસ્ટ્રેટ મોહમ્મદ ઐઝાઝે જાહેર કરેલા આદેશ અનુસાર જેમની પાસે ડ્રોન કેમેરા અથવા અનમેન્ડ એરિયલ વેહીકલ ધરાવતા હોય તેમણે તેમના સાધનો પોલીસને જમા કરાવી દેવા પડશે. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં જીલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે, સલામતીના કારણોસર શ્રીનગરમાં ડ્રોન રાખવા, વાપરવા તથા વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમની પાસે ડ્રોન છે તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાના છે.
જે સરકારી કામકાજ માટે ડ્રોનનો ઉપયોગ કરતા વિભાગોને સુચના
શ્રીનગર શહેરમાં સલામતીના કારણોસર ડ્રોન પર લાદવામાં આવેલા પ્રતિબંધના આદેશમાં જે સરકારી વિભાગો કૃષિ, વન્ય પર્યાવરણ સર્વેક્ષણ, સુરક્ષા સંબંધિત સર્વેક્ષણ તથા આપદા પ્રબંધન માટે ડ્રોનનો ઉપયોગ કરે છે તે વિભાગોએ ડ્રોનનો ઉપયોગ કરતા પહેલા પોલીસને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આદેશમાં ઉમેરવામાં આવ્યું છે કે, મહત્વપૂર્ણ ઇમારતો તથા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો ઉપરના કોઈપણ જોખમથી બચાવવા માટે તેની હવાઈ સલામતી જાળવણી માટે સામાજિક તથા અન્ય મેળાવડાઓમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.