ભારતીય વાયુસેના દ્વારા ચીનને ફટકો મારતા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ ઈસ્ટર્ન ફ્રન્ટ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ વિસ્તાર પર 55,000 ફૂટથી વધુની ઊંચાઈએ ઉડતા ચીનના ગણાતા જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેનાએ જે બલૂન તોડી પાડવામાં આવ્યું છે તે બલૂનનું કદ ગયા વર્ષે યુએસ એરફોર્સ દ્વારા તોડી પાડવા આવેલા જાસૂસી બલૂનની તુલનામાં નાનું હતું. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે યુએસ એરફોર્સે 2023ની શરૂઆતમાં તેના F-22 રેપ્ટર એરક્રાફ્ટ વડે દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યું હતું. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, અમેરિકા ઉપર ઉડતો બલૂન ચીનનો હતો અને તેમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા હતા. જોકે ચીને અમેરિકાના દાવાને ફગાવી દીધો હતો.
ભારતીય વાયુસેનાએ જે બલૂનને તોડી પાડ્યું હતું તે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ વિસ્તારમાં ઉડી રહ્યું હતું. એવું માનવામાં આવે છે કે, બલૂનનો ઉપયોગ મોટા વિસ્તાર પર નજર રાખવા માટે કરવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે, ચીની જાસૂસી બલૂનમાં સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે જેનો ઉપયોગ તેઓ તેમના રસના ક્ષેત્રો પર નજર રાખવા માટે કરે છે.
ભારતીય વાયુસેનાએ રાફેલ ફાઈટર જેટનો ઉપયોગ કરીને ઈસ્ટર્ન એર કમાન્ડ વિસ્તારમાં ઉડતા બલૂનને નીચે પાડીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ ઓપરેશન સરળ નહોતું કારણ કે બલૂન 55000 ફૂટથી વધુની ઉંચાઈ પર ઉડી રહ્યો હતો. વાયુસેનાનો આ પ્રયાસ ભારતની ક્ષમતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમેરિકાની સીમા ઉડતા ચાઈનીઝ બલૂન પર અમેરિકા દ્વારા ગોળીબાર બાદ અમેરિકા અને ચીન વચ્ચે મોટા પાયે હવાઈ દેખરેખના કાર્યક્રમોને લઈને આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતા. બાદમાં અમેરિકાના કડક વલણ બાદ ચીને ખુલાસો કર્યો હતો કે, અમેરિકાની ઉપરથી ઉડતુ બલૂન જાસૂસી માટે નહોતુ અને ભૂલથી અમેરિકન એરસ્પેસમાં ઘુસી ગયુ હતુ. બલૂનને સંશોધન હેતુ માટે છોડવામાં આવ્યું હતું અને હવામાનને કારણે અમેરિકાની સીમામાં ઘુસી ગયું હતું.