કેન્દ્ર સરકારે સાંસદોના પગાર (MPs Salary), દૈનિક ભથ્થા, પેન્શન અને વધારાના પેન્શનમાં વધારાને નોટિફાય કર્યું છે, જે 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.
કેન્દ્ર સરકારે સોમવારે (24 માર્ચ, 2025) સાંસદોના પગારમાં (MPs Salary) વધારાની જાહેરાત કરી હતી. 1 એપ્રિલ 2023થી સાંસદોને (MP) 1 લાખને બદલે 1.24 લાખ રૂપિયા પગાર મળશે. સરકારે સાંસદોના પેન્શન અને ભથ્થામાં પણ વધારો કર્યો છે. સાંસદોના દૈનિક ભથ્થામાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૈનિક ભથ્થું હવે 2000 રૂપિયાથી વધીને 2500 રૂપિયા મળશે.

5 વર્ષ બાદ સાંસદોનો પગાર (MPs Salary) વધારવાનો નિર્ણય
5 વર્ષ બાદ સાંસદોનો પગાર (MPs Salary) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો સંસદસભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ, 1954 દ્વારા આપવામાં આવેલી સત્તાના ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે અને તે આવકવેરા અધિનિયમ, 1961માં નિર્દિષ્ટ ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે.
આ પગાર વધારો 1 એપ્રિલ, 2023થી જ લાગુ થશે. આ નિર્ણય પહેલા સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા હતું, જે હવે વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એ જ રીતે બે કે ત્રણ વખત સાંસદ (MP) રહી ચૂકેલા સાંસદોનું વધારાનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે.

પગાર અને ભથ્થાઓમાં 2018 માં સંશોધન કરવામાં આવ્યું હતું
સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન સાંસદોના પગાર (MPs Salary), ભથ્થા અને પેન્શનમાં સંશોધનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એપ્રિલ 2018 માં, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતા પગાર અને ભથ્થામાં સંશોધનની જાહેરાત કરવામાં આવી હતી. 2018માં સંશોધનમાં જાહેર કરાયા મુજબ સાંસદોનો બેઝીક પગાર 1,00,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરાયો હતો.
2018ના સુધારા મુજબ, સાંસદોને તેમના કાર્યાલયોને અદ્યતન રાખવા અને તેમના મતવિસ્તારના મતદારો સાથે સંપર્ક-સંવાદ માટે મતવિસ્તાર ભથ્થા તરીકે રૂ. 70,000 મળે છે. આ સિવાય તેમને દર મહિને ઓફિસ ભથ્થા તરીકે 60,000 રૂપિયા અને સંસદીય સત્ર દરમિયાન 2,000 રૂપિયા દૈનિક ભથ્થા તરીકે મળે છે. આ ભથ્થાઓમાં પણ હવે વધારો કરવામાં આવશે.
Government notifies increase in salary, allowances of #MPs.
— NDTV Profit (@NDTVProfitIndia) March 24, 2025
For the latest news and updates, visit: https://t.co/by4FF5o0Ew pic.twitter.com/hHNHoV9GDg
સાંસદોને બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે?
આ સિવાય સાંસદોને ફોન અને ઈન્ટરનેટ ઉપયોગ માટે વાર્ષિક ભથ્થું પણ મળે છે. આ ઉપરાંત, પોતના અને પોતાના પરિવાર માટે દર વર્ષે 34 મફત ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સુવિધા પણ મળે છે અને કોઈપણ સમયે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની સુવિધા મળે છે. સાંસદોને વાર્ષિક 50,000 મફત વીજળી યુનિટ અને 4,000 કિલોલીટર પાણીનો લાભ પણ મળે છે. સરકાર તેમના રહેઠાણ અને રહેવાની વ્યવસ્થા પણ સંભાળે છે.