– 16 વર્ષ બાદ દોષિતને સજા થઈ
– 2006 માં વારાણસીમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા
– સિરિયલ બોંબ વિસ્ફોટમાં 18 લોકોના મૃત્યુ થયા હતા
વારાણસી સિરિયલ બોંબ વિસ્ફોટ કેસના દોષિત વલીઉલ્લાહને ફાંસીની સજા
વારાણસી સિરિયલ બોંબ વિસ્ફોટ કેસમાં આજે કોર્ટે આજે દોષિતને સજા સંભળાવી દીધી છે. ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સિરિયલ બોંબ વિસ્ફોટ કાંડના દોષિત વલી ઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે સંકટ મોચન મંદિરમાં બોંબ વિસ્ફોટ અને દશાશ્વમેઘ ઘાટ પરથી મળી આવેલા વિસ્ફોટકો માટે વલી ઉલ્લાહને દોષિત ગણીને સજા ફટકારી છે. વારાણસીના લોકો અને સિરિયલ બોંબ વિસ્ફોટોના પીડિતોની એવું કહેવું હતું કે સિરિયલ બોંબ વિસ્ફોટ કાંડના દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવે તો તેમને ન્યાય મળશે.
વારાણસીના વકીલોએ વલી ઉલ્લાહનો કેસ નહી લડવાનો નિર્ણય કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે વારાણસી સિરિયલ બોંબ વિસ્ફોટ કેસમાં દોષિત જાહેર થયેલા વલી ઉલ્લાહ પર સંકટ મોચન મંદિર અને કેંટ રેલ્વે સ્ટેશન પર વિસ્ફોટો કરવાનું ષડયંત્ર રચવાનો તથા આતંકવાદ ફેલાવવાની આરોપ હતો. વલી ઉલ્લાહનો કેસ લડવાની વારાણસીના વકિલોએ ના પાડી દીધી હતી. બાદમાં હાઈકોર્ટે આ કેસને ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધિશના ન્યાયાલયમાં ટ્રાન્સફર કર્યો હતો, ત્યારથી આ કેસની સુનાવણી ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ જૂની કોર્ટમાં ચાલતી હતી.
વારાણસી સિરિયલ બોંબ વિસ્ફોટ કેસની વિગત
16 વર્ષ પહેલાં 7 માર્ચ 2006 ના દિવસે વારાણસીના સંકટ મોચન મંદિર અને કેંટ રેલ્વે સ્ટેશન પર સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. આ સિરિયલ બોંબ વિસ્ફોટમાં 18 લોકોના મૃત્યુ થયા હતા અને 150 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ જ દિવસે સાંજે દશાશ્વમેઘ ઘાટ પર પણ બોંબ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર હતું વિસ્ફોટ થાય તે પહેલા જ વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ ઘટનાના દોષિત અલ્હાબાદના ફૂલપુર ગામના વતની વલી ઉલ્લાહને પોલીસે લખનૌના ગોસાઈગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ સિરિયલ બોંબ વિસ્ફોટ કાંડના તપાસમાં પાકિસ્તાનની નાપાક જાસુસી સંસ્થા આઈએસઆઈના જુના મોડ્યુલના આતંકીઓ સાથે તાર જોડાયેલા હતા. જાણે અનેક પ્રયાસો છતાં આ સિરિયલ બોંબ વિસ્ફોટ કાંડના ષડયંત્રમાં સામેલ હુજીના કમાંડર શમીમ સહિત ત્રણ આરોપી હજુ પોલીસના હાથમાં આવ્યા નથી.