– ભારતની નવી વેક્સિનની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી
– નવી વેક્સિન આપવા માટે સોયવાળા ઇન્જેક્શનની જરૂર નહીં
– ત્રીજા તબક્કાનું ટ્રાયલ થઈ ચૂક્યું છે.

ઝાયડસ કેડિલાની વેક્સિન લગભગ તૈયાર
ગુજરાત બેઝ્ડ અને વૈશ્વિક સ્તરે ઓળખ તથા નામના ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોના મહામારી સામે પોતાની વેક્સિન ZyCoV-D ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ કરી દીધું છે અને ભારત સરકારના ઔષધી મહાનિયંત્રક (DCGI) પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન કેટલીક ખાસ બાબતો ધરાવે છે. જેમાં સૌથી ખાસ બાબત તે બાળકો માટે પણ સુરક્ષિત માનવામાં આવી રહી છે.
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનના ટ્રાયલ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ થયા
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-D કેટલીક બાબતોમાં ખાસ છે. ઝાયડસ કેડિલાની વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે જેમાં 28000 જેટલા વોલન્ટીયર્સે ભાગ લીધો હતો. ભારતમાં કોઈ પણ વેક્સિનનું આ સૌથી મોટું ટ્રાયલ ગણાવાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો સંતોષકારક જણાવાઈ રહ્યા છે. દેશમાં ઘાતક સાબિત થયેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઝાયડસ કેડિલાની ZyCoV-D વેક્સિનના 50 જેટલી ક્લિનિકલ સાઈટ્સ ઉપર ટ્રાયલ થયા હતા.
ZyCoV-D કઈ બાબતોમાં ખાસ છે ?
ઝાયડસ કેડિલાની કેટલીક બાબતોમાં ખાસ માનવામાં આવી રહી છે. ઝાયડસની કોરોના વેક્સિન ZyCoV-D બાળકો માટે સુરક્ષિત માનવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વેક્સિન સૌથી પહેલી પાલસ્મિડ DNA વેક્સિન છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-D લગાવવા માટે પરંપરાગત સોયવાળા ઇન્જેક્શનની જરૂર નહીં પડે તે ફાર્માજેટ ટેક્નિકથી આપવામાં આવશે. આ ખાસિયતો ઉપરાંત ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-D સમગ્ર વિશ્વમાં કોરોનાના સૌથી ઘાતક વેરિયન્ટ સાબિત થયેલા ડેલ્ટા વેરિયન્ટ ઉપર પણ અસરકારક છે એવું માનવામાં આવી રહ્યું છે. ભારતની આ પ્રથમ વેક્સિન છે જેના ટ્રાયલ 12 થી 18 વર્ષના બાળકો ઉપર પણ કરવામાં આવ્યા હતા.
પાલસ્મિડ આધારિત DNA વેક્સિન એટલે શું ?
પાલસ્મિડ આધારિત DNA વેક્સિનમાં ચોક્કસ એન્ટીજન રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે જે સંક્રમણ સામે લડવામાં મદદ મળી રહે છે. એના ફાયદા એ છે કે તેનાથી બી અને ટી સેલ બંને સક્રિય થાય છે. કોઈપણ અજાણ્યા સંક્રામક તત્વને શરીરમાંથી બહાર કરે છે. પાલસ્મિડ DNA આધારિત વેક્સિનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને 2-8 ડિગ્રી તાપમાનમાં રાખી શકાય છે. ભારતની અન્ય વેક્સિન કોવેક્સિનને જ્યાં બાયો સેફ્ટી લેવલ 3 લેબમાં બનાવવામાં આવે છે જ્યારે ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D ને બાયો સેફ્ટી લેવલ 1 લેબમાં તૈયાર કરવામાં આવી શકે છે. જેનાથી તેનું વધુ ઉત્પાદન શક્ય બને છે.
સોય વગર આપવામાં આવશે ઝાયડસની કોરોના વેક્સિન
વર્તમાનમાં વિશ્વમાં ઉપલબ્ધ બધી જ વેક્સિન પરંપરાગત સોયવાળા ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી રહી છે જ્યારે ભવિષ્યમાં આવનારી ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D આપવા માટે સોયવાળા ઇન્જેક્શનની જરૂર નહીં પડે. ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D ફાર્માજેટ સોય રહિત એપ્લિકેટર (Pharmajet Needle Free Applicator) દ્વારા આપવામાં આવશે. ફાર્માજેટ સોય રહિત એપ્લિકેટર (Pharmajet Needle Free Applicator) માં સોયની જરૂર પડતી નથી, સોય વગરના ઇન્જેક્શનમાં વેક્સિન ભરવામાં આવે છે ત્યારબાદ તેને હાથ પર લગાવવામાં આવે છે અને મશીનમાં રહેલું એક બટન ક્લિક કરવાથી દવા શરીરમાં પહોંચી જાય છે.
કોલ્ડ સ્ટોરેજની ઝંઝટ નહીં
ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D ની થર્મોસ્ટેબિલીટી ઘણી સારી છે જેને કારણે એને સાચવવા માટે બહુ નીચું તાપમાન રાખવાની જરૂર રહેતી નથી. આથી વેક્સિન જાળવવા માટે કોલ્ડ સ્ટોરેજની ઝંઝટ રહેતી નથી જેની અપૂરતી સગવડને કારણે વિશ્વમાં વેક્સિનના ઘણા ડોઝ બરબાદ થયા હોવાના અહેવાલ આવ્યા છે. આ ઉપરાંત પાલસ્મિડ DNA આધારિત વેક્સિન હોવાને કારણે તેના ઉત્પાદનમાં સરળતા રહે છે તથા ઓછામાં ઓછી જૈવ સુરક્ષાની જરૂર પડે છે. સાથે સાથે વેક્ટર સંબંધિત ઈમ્યુનિટીની કોઈ પરેશાની થતી નથી.
વિશેષ બાબત
ઝાયડસ કેડિલાની વેક્સિન ZyCoV-D ના ત્રણ ડૉઝ લેવાના રહેશે. ઝાયડસની કોરોના વેક્સિન કેટલી પ્રભાવી છે તે જોઈએ તો શરૂઆતમાં આ વેક્સિન 66% પ્રભાવી જણાઈ છે. વેક્સિન લીધા બાદ કોઈનામાં પણ કોરોનાના મધ્યમ લક્ષણો જોવા નહોતા મળ્યા. આ ઉપરાંત ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિન ZyCoV-D ના માસિક 15 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે જેને વધારવા માટે કંપની કાર્ય કરી રહી છે.