– ગુજરાતી નાટક તથા ફિલ્મોના જાણીતા અભિનેતા હતા અરવિંદ રાઠોડ
– અનેક ફિલ્મોમાં વિલન તરીકે પાત્ર નિભાવ્યું
– વિલન તરીકે ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે જાણીતા હતા
ગુજરાતી નાટક તથા ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન
ગુજરાતી નાટક તથા ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું આજે આકસ્મિક અવસાન થયું છે. અરવિંદ રાઠોડે અનેક ગુજરાતી ફિલ્મો, ઘણી હિંદી ફિલ્મોમાં તથા નાટકોમાં અભિનય કર્યો હતો. સંવાદો બોલવાની આગવી શૈલીના કારણે અત્યંત લોકપ્રિય હતા. અરવિંદ રાઠોડનું નિધન થતાં તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મેરા નામ જોકર ફિલ્મથી મોટો બ્રેક મળ્યો
અરવિંદ રાઠોડે આશરે 250 કરતાં વધારે હિંદી, ગુજરાતી ફિલ્મો, સિરીયલો તથા નાટકોમાં અભિનય કર્યો છે. પદમા રાણી સાથે તેમનું ‘બા રિટાયર થાય છે’ ગુજરાતી નાટક ખુબ જ લોકપ્રિય થયું હતું. આ ઉપરાંત અરવિંદ રાઠોડે ગંગાસતી, સોનકંસારી, ભાદર તારા વહેતા પાણી, જાગ્યા ત્યાંથી સવાર, મણિયારો, મા ખોડલ તારો ખમકારો જેવી અનેક ગુજરાતી ફિલ્મો અભિનય કર્યો હતો. આ ઉપરાંત મેરા નામ જોકર, જ્હોની ઉસકા નામ, ખુદા ગવાહ, અગ્નિપથ જેવી હિંદી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. અરવિંદ રાઠોડને ‘મેરા નામ જોકર’ ફિલ્મથી મોટો બ્રેક મળ્યો હતો. અરવિંદ રાઠોડનું નિધન થતાં ગુજરાતી ફિલ્મ, નાટક તથા ધારાવાહિક જગતને ન ભરાય તેવી ખુબ જ મોટી ખોટ પડી છે.

પદમારાણીના અવસાન બાદ અભિનય છોડી દીધો હતો
અરવિંદ રાઠોડે અભિનેત્રી પદમા રાણીના કેન્સરથી અવસાન બાદ 16 મી ઑગસ્ટ 2015થી અભિનય છોડી દીધો હતો. ત્યારબાદ અરવિંદ રાઠોડે પદમા રાણીના અવસાન પછી તેમના નામનું ચૅરિટેબલ ટ્રસ્ટ પણ શરૂ કર્યું છે અને એમાં તે કૅન્સરપીડિત પેશન્ટ્સને સહાય કરતા હતા. અભિનય છોડ્યાના લગભગ બે વર્ષ બાદ ‘અગિયાર કલાક ત્રેવીસ મિનિટ’ નાટકની વાર્તા પોતાના જીવન સાથે જોડાયેલી હોવાથી અરવિંદભાઈએ આ નાટક કરવાની હા પાડી હતી.