– અવતાર-2 ફિલ્મ લગભગ ₹ 2000 કરોડના ખર્ચે બની
– અવતાર-1 આજથી 13 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી
– ભારતમાં હોલીવુડ ફિલ્મે કરેલા વિકએન્ડ બિઝનેસમાં બીજા નંબરે
જેમ્સ કેમરુનની અવતાર-2 ફિલ્મે મચાવી ધુમ
લગભગ 2000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી હોલીવુડની ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં 3600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. કોરોના વૈશ્વિક મહામારી બાદ સૌથી વધુ ઓપનિંગ કલેક્શનમાં અવતાર-2 વિશ્વભરમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. અવતાર-2 ની સફળતામાં નિર્માતા-નિર્દેશક જેમ્સ કેમરૂને સર્જેલો જાદુ વિશ્વભરમાં દેખાઈ રહ્યો છે. આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ ₹ 132.95 કરોડની કમાણી કરી છે. આમાં હિન્દી વર્ઝન દર્શાવતા થિયેટર સૌથી વધુ કમાણી કરવામાં બીજા નંબરે છે. દેશમાં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ વીકેન્ડ કલેક્શનનો રેકોર્ડ 2019માં રિલીઝ થયેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ ફિલ્મ ધરાવે છે.
ભારતમાં અવતારનો કલેક્શન રેકોર્ડ
અવતાર ફિલ્મનો પ્રથમ ભાગ આજથી 13 વર્ષ બાદ રિલીઝ થયો હતો ત્યારે તે ફિલ્મે પણ કલેક્શનના અનેક રેકોર્ડ બ્રેક કર્યા હતા અને 13 વર્ષ બાદ રજૂ થયેલી તેની સિક્વલ’અવતાર ધ વે ઓફ વોટર’ પણ આજે વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરીને ધબધાબટી બોલાવી રહી છે. ‘અવતાર ધ વે ઓફ વોટર’ ભારતમાં 16મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને રિલીઝ થવાની સાથે જ રેકોર્ડ બ્રેક શરૂઆત કરી હતી. આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ₹41 કરોડ, બીજા દિવસે ₹45.45 કરોડ અને રવિવારે ₹46.50 કરોડની કમાણી કરીને લગભગ કુલ ₹132.95 કરોડની કમાણી કરી ચુકી છે. ‘અવતાર ધ વે ઓફ વૉટર’ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષામાં રિલીઝ કરવામાં આવી છે જેમાં લગભગ અડધી કમાણી અંગ્રેજી ભાષાના વર્ઝનમાંથી આવી છે. ભારતીય ભાષાઓમાં, હિન્દી ભાષી પ્રેક્ષકો દ્વારા તેની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી રહી છે. અન્ય પ્રાદેશિક ભાષાઓનું પ્રદર્શન જોતાં તેલુગુ અને તમિલ વર્ઝનની શુક્રવારની સરખામણીમાં શનિવારે કમાણી ઓછી રહી હતી. આ ફિલ્મનું પ્રથમ સપ્તાહમાં નેટ કલેક્શન 132.95 રૂપિયાની આસપાસ થયું છે. જોકે ભારતમાં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મોના પ્રથમ વીકેન્ડ કલેક્શન અનુસાર ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ હવે બીજા નંબર પર બિરાજમાન છે પ્રથમ નંબર પર 2019માં રિલીઝ થયેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ ફિલ્મ છે.