– લોકરક્ષક દળની શારીરિક પરિક્ષાનું પરિણામ કરાયું
– 2.94 લાખ ઉમેદવારો પાસ
– 10 મી એપ્રિલે યોજાશે લિખિત પરિક્ષા
લોકરક્ષક દળ (LRD)ની શારીરિક પરિક્ષાનું પરિણામ જાહેર કરાયું
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળ (LRD) ની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે. શારીરિક પરિક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોની 10મી એપ્રિલના રોજ લેખિત કસોટી યોજાશે. ઉલ્લેખનીય છે કે 29મી જાન્યુઆરીએ જ લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે 8.86 લાખ ઉમેદવારોની અરજી મળી હતી અને 3 ડિસેમ્બરથી શારીરિક પરિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી, જે 29 જાન્યુઆરી પૂરી થઈ ગઈ હતી. આ શારીરિક પરિક્ષામાં 6.98 લાખ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
કેવી રીતે, ક્યાંથી જાણશો તમારૂ પરિણામ ?
લોકરક્ષક દળ (LRD) ભરતીની શારીરિક પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગત, તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને શારીરિક કસોટીમાં મળેલ ગુણ વગેરેની વિગતો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in/ પર જોઈ શકાશે.
કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે ?
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારધારી અને બિનહથિયારધારી કોન્સ્ટેબલ-લોકરક્ષક (LRD) અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. લોકરક્ષક દળ (LRD) માં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી (SRPF) કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
વાંધો કે રજૂઆત 28 ફેબ્રુઆરી સુધી કરવાની રહેશે
ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈપણ પ્રકારનો વાંધો હોય કે કોઈ રજુઆત કરવાની જરૂર હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખીને આગામી 28 ફેબ્રુઆરી સુધીમાં સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર મોકલી આપવાની રહેશે. દર્શાવેલી તારીખ પછી મળેલી અરજીને સ્વીકારવામાં આવશે નહીં. શારીરિક કસોટીની પ્રક્રિયામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવેલું છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ મુકવામાં આવશે.