– ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં ડ્રોન જોવા મળ્યું.
– આ ઘટના સામે ભારતે વિરોધ નોંધાવ્યો
– થોડા દિવસ પહેલા જમ્મુમાં ભારતીય એર ફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલો થયો હતો.

ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં ડ્રોન જોવા મળ્યું
ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો કરે તેવી એક ઘટના બની છે. 26 મી જૂન ના દિવસે ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય હાઈ કમિશનમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે રહસ્યમય સંજોગોમાં ડ્રોન જોવા મળ્યું હતું. ભારતના સત્તાવાળાઓ દ્વારા આ સુરક્ષા ઉલ્લંઘનની ઘટના ઉપર પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એ જ સમયે જમ્મુ ના ભારતીય વાયુસેના મથક ઉપર બે ડ્રોન હુમલા થયા હતા. ભારતીય હાઈ કમિશનમાં ડ્રોન જોવા મળ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ અનેકવાર ડ્રોન જોવા મળ્યા
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એરફોર્સ સ્ટેશનમાં નુકશાન થયું હતું. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં સતત ડ્રોન જોવા મળવાની ઘટનાઓ બની હતી. જમ્મુમાં જ આંતરરાષ્ટ્રીય સીમા નજીક અરનિયા સેક્ટરમાં ડ્રોન દેખતા સીમા પર તૈનાત જવાનોએ ડ્રોન ઉપર ગોળીબાર કરતા ડ્રોન ગાયબ ગયા હતા. મંગળવારે 1 વાગીને 8 મિનિટે રતનચૂક વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું હતું, ત્યારબાદ કુંજવાની ક્ષેત્રમાં વહેલી સવારે 3 વાગીને 9 મિનિટે તથા ફરીથી 4 વાગીને 19 મિનિટે ડ્રોન જોવા મળ્યું હતું. આ દિવસોમાં ડ્રોન જોવા મળ્યું હોય એવી લગભગ 9 ઘટનાઓ ધ્યાનમાં આવી છે. ભારતીય સુરક્ષા દળો તથા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે.