Spread the love

  • સૂબેદાર કરમસિંહ બાળપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન સેવતા હતા.

  • સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સૌપ્રથમ સૈનિકમાંથી એક

  • તિથવાલની વ્યુહાત્મક ભૂમિ બચાવી

પરમવીર સુબેદાર કરમસિંહ




સુબેદાર તથા ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય સેનાના પ્રથમ પરમવીર સૈનિક હતા જેમણે પરમવીર ચક્ર સ્વહસ્તે પ્રાપ્ત કર્યો હતો. સુબેદાર અને ઓનરરી કેપ્ટન કરમસિંહની કારકીર્દી શૌર્ય, ચપળતા, બહાદુરી અને વીરતાનું જીવંત ઉદાહરણ છે.


જન્મ અને ખેડૂત બનવાનું સ્વપ્ન




ગુરુ ગોવિંદસિંહ તથા અન્ય શીખ ગુરુઓના આશિર્વાદથી શૌર્ય પામેલી પંજાબની ભૂમિએ અનેક શૂરવીરો ભારતને આપ્યા છે. શૌર્ય ભૂમિ પંજાબના બરનાલા જીલ્લાના સેહના ગામમાં થયો હતો. ખેડૂત પિતા ઉત્તમસિંહના પુત્ર એવા કરમસિંહને હળ,ખેતર, ખળું, લહેરાતો પાક, ખેતરમાં પડતા ચાસ વગેરે ખુબ જ ગમતા. બાળક કરમસિંહ નાનપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન સેવતા હતા.


સૈન્ય પ્રતિ આકર્ષિત




બાળક કરમસિંહ નાનપણમાં પિતા સાથે ખેતરમાં જતા, પિતાને ખેતરમાં કામ કરતા જોતા ત્યારે ખેડૂત જ બનવાનું વિચારતા હતા પરંતુ આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, બાળ કરમસિંહને પ્રથમ વિશ્વયુદ્ધમાં લડેલા પોતાના જ ગામના નિવૃત્તવીર જવાન પાસેથી પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે કરેલા સાહસ, તેમના સહસૈનિકોના સાહસ વગેરે વાતો સાંભળીને તથા પ્રથમ વિશ્વયુદ્ધને લગતા સમાચારો વાંચવા મળવા લાગ્યા, પ્રથમ વિશ્વયુદ્ધમાં સૈનિકોના શૌર્ય અને સાહસની વાતો વાંચતા રહેતા હતા. સૈનિકોના સાહસની વાતો વાંચતા વાંચતા કરમસિંહે ક્યારે સૈનિક બનવાનું નક્કી કરી લીધું એ એમને પોતાને પણ જાણ ન થઈ.


સૈન્ય પ્રવેશ




બાળપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન પોતાના જ ગામના નિવૃત્ત જવાન પાસેથી પ્રથમ વિશ્વયુદ્ધની વાતો સાંભળીને ક્યારે સૈનિક બનવા તરફ ફંટાઈ ગયું તે બાળ કરમસિંહને ખબર જ ન પડી અને આખરે કરમસિંહે 5મી જુલાઈ 1941ના દિવસે સેનામાં પદાર્પણ કર્યું. પંજાબ રેજીમેન્ટની 1લી બટાલિયન સાથે કરમસિંહ જોડાયા.


મિલીટરી એવોર્ડ : બેટલ ઓફ એડમીન બોક્સ




1941 માં સૈન્યમાં જોડાયા બાદ ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતુ જ હતું. કરમસિંહને બર્મા કેમ્પેઈન દરમિયાન થયેલા યુદ્ધમાં મોકલવામાં આવ્યા. બર્મા કેમ્પેઈનના 5મી ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ મોરચે થયેલા બેટલ ઓફ એડમીન બોક્સ જે બેટલ ઓફ ન્ગાક્યાદોક અથવા બેટલ ઓફ સિન્ઝવેયાના નામે પણ ઓળખાય છે એ યુદ્ધમાં અદમ્ય સાહસ અને શિસ્તબદ્ધ આચરણને ધ્યાનમાં રાખીને મિલીટરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.


બહાદુર યુવા સૈનિક તરીકે સન્માન


મિલીટરી એવોર્ડ એનાયત થયા બાદ યુવાન કરમસિંહને પોતાની બટાલિયનમાં એક બહાદુર સૈનિક તરીકે પ્રતિષ્ઠિત થયા. પોતાની બટાલિયનમાં સતત સન્માન પ્રાપ્ત કરતા રહ્યા.


સ્વતંત્રતા બાદ સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો




1947 માં સ્વતંત્રતા બાદ ભારતીય રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવશે એ વિશે ચર્ચા ચાલી અને સૌ પ્રથમ પાંચ સૈનિકોની પસંદગી કરવામાં આવી. આ પાંચ સૈનિકો સ્વતંત્રતા બાદ ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકાવનારા સૌથી પહેલાં ભારતીય સૈનિકો હતા. આ પાંચ સૈનિકોની પસંદગી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી જેમાં બહાદુર યુવા સૈનિક કરમસિંહને પસંદ કરવામાં આવ્યા હતા.


1947 પાકિસ્તાનનો ભારત પર હુમલો




ભારત વિરુદ્ધ હળાહળ ઝેર પીને બનેલા પાકિસ્તાને સ્વતંત્રતા બાદ તુરંત જ પોતાના ઝેરીલાપણાની ઓળખ આપતા કાશ્મીર પચાવી પાડવા માટે ભારત ઉપર કબાઈલીઓના વેશમાં હુમલો કરી દીધો. કાશ્મીરના મહારાજા હરિસિંહ હજુ ઢચુપચુ નીતિ જાળવી રાખવાનું આ પરિણામ હતું એવું માનવામા કશું જ ખોટું નહીં ગણાય.


જમ્મુ અને કાશ્મીર બચાવવા સરદારની દીર્ઘદ્રષ્ટિ




જમ્મુ અને કાશ્મીરના મહારાજાની ઢીલીચોપી નીતિનું પરિણામ કાશ્મીર ઉપર પાકિસ્તાની આક્રમણ હતું પરંતુ ત્યારબાદ રાજકીય ગતિવિધિઓ આત્યંતિક ઝડપથી ચાલી, સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ જમ્મુ અને કાશ્મીરનું વ્યુહાત્મક મહત્વ સૂપેરે નીહાળી રહી હતી અને તેથી જ સરદારે કોઈ પણ ભોગે જમ્મુ કાશ્મીર બતાવવાનો નિર્ણય લઈને સેનાને ધડાધડ જમ્મુ અને કાશ્મીર બચાવવા ઓર્ડર આપવા માંડ્યા. બીજી બાજુ મહારાજા હરિસિંહને હવે વાસ્તવિકતા સમજાઈ રહી હતી કે ઝેરીલા પાકિસ્તાનના ભારત દ્વેષને કારણે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને હડપી લેવા આકાશ પાતાળ એક કરવા સુધી જશે અને મહારાજાએ ભારત સાથે જમ્મુ અને કાશ્મીરના વિલિનીકરણનો મક્કમતાથી નિર્ણય કર્યો.


ભારતીય સેનાનો પ્રચંડ વળતો પ્રહાર




તત્કાલીન નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નિર્ણય અને ઓર્ડર મળતાં જ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર બચાવવા માટે દોડી જવાની શરૂઆત કરી દીધી. જમ્મુનું એરપોર્ટ ભારતીય સેનાની ગતિવિધિઓથી ધમધમવા લાગ્યું. ભારતીય સેનાએ પાકિસ્તાની આક્રમણનો જડબાતોડ જવાબ આપવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી અને પ્રચંડ શક્તિથી પ્રહાર કરવાનું આયોજન પણ ઘડાઈ ગયું.


તિથવાલનુ ઘમાસાણ યુદ્ધ


પાકિસ્તાની આક્રમણ સામે ભારતીય સેના હવે જડબાતોડ જવાબ આપવા માંડી હતી. આ દરમિયાન પાકિસ્તાને કુપવારા સેક્ટરના વ્યુહાત્મક દ્રષ્ટીએ અતિશય મહત્વની જગ્યા એવા તિથવાલ પચાવી પાડવા હુમલો કરી દીધો. પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ જબરદસ્ત ઉત્તર આપ્યો. બંને તરફથી અંધાધૂંધ ગોળીબાર, મોર્ટારમારો ચાલ્યા અને દુર્ભાગ્યપૂર્ણ રીતે તિથવાલ દુશ્મન પચાવી બેઠો. કુપવારા સેક્ટરના લાઈન ઓફ કંટ્રોલ પાસે આવેલા તિથવાલ ગામનું વ્યૂહાત્મક રીતે મહત્વ જાણતી ભારતીય સેનાએ પ્રચંડ શક્તિથી વળતો પ્રહાર કર્યો ફરીથી આમનેસામને થતા અંધાધૂંધ ગોળીબાર, મોર્ટાર મારો, તોપમારો અને એના અવાજથી આકાશ ગરજવા લાગ્યું. પ્રથમ વખત ભારતીય સેનાના જાંબાઝ સૈનિકો પાસેથી તિથવાલ આંચકી લેનારી પાકિસ્તાની સેનાને ભારતીય શૌર્યવાન જવાનોએ વળતા પ્રહાર કરીને ઘુંટણીયે પાડી દીધી અને 23મી મે 1948ના દિવસે તિથવાલ પર પોતાનો કબ્જો પુનઃ સ્થાપિત કર્યો.


પાકિસ્તાની પ્રપંચ


તિથવાલ જેવા વ્યુહાત્મક દ્રષ્ટીએ અતિશય મહત્વના પોઈન્ટ પર ભારતીય સેનાની પુનઃપ્રાપ્તિથી શરમજનક સ્થિતિમાં મુકાયેલી પાકિસ્તાની સેનાએ તિથવાલ ઉપર ફરીથી આક્રમણ કર્યું. તિથવાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત યુદ્ધની રણભૂમિ બની ગયું. પાકિસ્તાની આક્રમણ થકી ફરીથી તિથવાલ પર દુશ્મનનો કબ્જો થયો પરંતુ શૂરવીરતાની જીવંત પ્રતિકૃતિ સમાન ભારતીય સેના એમ કાંઈ તિથવાલ જેવી અગત્યની જગ્યાએ અવૈધ પાકિસ્તાની કબ્જો કેવી રીતે સાંખી શકે ? ભારતીય સેના પુનઃ યુદ્ધમાં તિથવાલ પર પોતાના પ્રભાવ હેઠળ લાવવામાં સફળ રહી. મે મહિનાથી છેક ઑક્ટોબર મહિના સુધી તિથવાલ પર કબજો જમાવવા પાકિસ્તાન પોતાના પ્રપંચો ખેલતુ રહ્યું અને ભારતીય સેનાના પ્રહારથી ખોખરૂ પણ થતું રહ્યું. અંતે તિથવાલ પુનઃ ભારતીય સેનાએ મેળવી લીધું.


રિછમાર ગલી અને સૂબેદાર કરમસિંહ


તિથવાલ માટે આમનેસામને યુદ્ધ મહિનાઓ સુધી ચાલુ રહ્યું. હવે પાકિસ્તાની સેનાએ મોરચો બદલ્યો અને ઑક્ટોબર 1948 માં તિથવાલની દક્ષિણમાં આવેલા રિછમાર ગલી કબ્જે કરવા એની ઉપર હુમલો કર્યો. પાકિસ્તાનીઓની ગણતરી તિથવાલની દક્ષિણમાં આવેલી રિછમાર ગલી કબ્જે કરીને પછી ઉત્તરમાં આવેલા નસ્તચુર પાસ ઉપર કબજો જમાવવાની હતી. જોકે પાકિસ્તાની સેના એ ભુલી ગઈ હતી કે 13મી ઑક્ટોબરે તિથવાલમાંથી એમને ઊભી પૂંછડીએ ભગાડનારા સૂબેદાર કરમસિંહ જ રિછમાર ગલીની સુરક્ષા કરતી 1 શીખ ફોરવર્ડ પોસ્ટના કમાન્ડીગ હતા.


રિછમાર ગલીમાં ખરાખરીની જંગ


રિછમાર ગલીમાં એક છાવણીનુ નેતૃત્વ સૂબેદાર કરમસિંહ સંભાળી રહ્યા હતા. સૂબેદાર કરમસિંહ પાસે સૈનિકો ઓછા હતા. બીજી મદદ આવે તે પહેલાં જ પાકિસ્તાનીઓએ સૂબેદાર કરમસિંહની છાવણી ઉપર ઉગ્ર આક્રમણ કરી દીધું. સૈનિકોની સંખ્યા આશરે 10 પાકિસ્તાની સામે 1 ભારતીય સૈનિક જેટલી હતી. દુશ્મનોનો હુમલો ભયાનક હતો અને પ્રતિકાર કરવા માટે સૈનિકો ઓછા હતા પરંતુ સૈનિકોમાં શૌર્ય અને સાહસ 1 સૈનિક સામે 100 દુશ્મનોને યમધામ પહોંચાડી દે એટલું હતું. સૂબેદાર કરમસિંહની છાવણી દુશ્મનોને જબરદસ્ત જવાબ આપવા લાગી, એક તરફ સૈનિકો તો ઓછા હતા જ ત્યાં હવે ધીમે ધીમે દારૂગોળો ઓછો થવા લાગ્યો હતો લગભગ ખતમ જ થવા આવ્યો હતો. સૂબેદાર કરમસિંહે તેમના સૈનિકોને મુખ્ય કોમ્પલેક્ષ સાથે જોડાઈ જવા કહ્યું તેઓ જાણતા હતા જે રીતે દુશ્મન આક્રમણ કરી રહ્યા છે એ જોતાં ત્વરિત છાવણીનુ મજબૂતીકરણ શક્ય નહોતું.


સંચારના સાધનો અને બંકરો નાશ પામ્યા


પાકિસ્તાની આક્રમણ અંધાધૂંધ હતું ત્યારે સૈનિકો ઓછા હતા, સતત લડાઈ કરતા કરતા હવે દારૂગોળો પણ ખતમ થવા આવ્યો હતો ચોતરફ વિપરીત સંજોગો નિર્માણ થયા હતા જેમાંથી ન માત્ર માર્ગ કાઢવાનો હતો પરંતુ તિથવાલની રિછમાર ગલીની સુરક્ષા પણ કરવાની હતી, કોઈપણ ભોગે દુશ્મનના હાથમાં જતી બચાવવાની હતી. સૂબેદાર કરમસિંહની છાવણીના સંચારના સાધનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા જેના કારણે પોતાની છાવણીની સ્થિતિ મુખ્યાલય સુધી જણાવી શકવા અસમર્થ હતા, બીજી બાજુ છાવણીના બંકરો પણ નાશ પામ્યા હતા. સૂબેદાર કરમસિંહ સ્વયં ઈજાઓ સામે ઝઝુમી રહ્યા હતા, સૈનિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ આ જાંબાઝ સૈનિકોએ પોતાના અપ્રતિમ શૌર્ય, પરાક્રમ અને સાહસ નો પરિચય કરાવ્યો અને રિછમાર ગલી પર કબજો જમાવી તિથવાલને હડપવાના દુશ્મનના ઇરાદાઓને દુશ્મન સહિત ધુળમાં મેળવી દીધા.


પાકિસ્તાની સેનાનું ફરીથી આક્રમણ અને સૂબેદાર કરમસિંહની બહાદુરી


ભારત વિરુદ્ધ વિષ અને દ્વેષના પાયા ઉપર જ જેનું અસ્તિત્વ જન્મ્યું તથા ટકેલુ છે એવું પાકિસ્તાન કુતરાની પુંછડી જેવું જ હતું હારીને કાયરતા પૂર્ણ રીતે પીછેહઠ કરી જતું હતું અને પાછું વળીને ખોખરૂ થવા આવતું હતું. અત્યાર સુધી ચચ્ચાર વખત આક્રમણ તથા પીછેહઠ કરી ચુક્યું હતું તે તિથવાલની રિછમાર ગલી કબ્જે કરવા પાંચમી વખત દુશ્મનોએ આક્રમણ કર્યું. દારૂગોળો લગભગ ખતમ થઈ ચુક્યો હતો અને સ્વયં સૂબેદાર કરમસિંહ બબ્બે વખત ઈજાગ્રસ્ત થયા હતા છતાં જોકે યુદ્ધ લડી રહ્યા હતા અને પોતાના સાથીદારોને અહીં થી તહીં તહીં થી અહીં સતત પહોંચીને લડવાની, દુશ્મનોને યમધામ પહોંચાડી દેવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. સૂબેદાર કરમસિંહે સ્થળાંતરિત થવાની સુચના સ્પષ્ટ નકારી કાઢી અને યુદ્ધ મોરચે અગ્ર હરોળમાં આવી લડતા રહ્યા.


પાકિસ્તાની સૈનિકોની હિમાકત અને સૂબેદાર કરમસિંહનો પ્રહાર


પાંચમી વખત પાકિસ્તાની આક્રમણ સામે સૂબેદાર કરમસિંહ તથા એમના સાથીદારો અદમ્ય સાહસથી લડી રહ્યા હતા ત્યારે જ બે પાકિસ્તાની સૈનિકોએ મુર્ખતાભરી હિમાકત કરી અને સૂબેદાર કરમસિંહની ઉપર હુમલો કરવાની તૈયારી સાથે સામે આવી ગયા, નજર સમક્ષ ઉભેલા પાકિસ્તાની સૈનિકો જોતાં જ સૂબેદાર કરમસિંહ માતૃભૂમિની રક્ષાનો મંત્ર જાપ કરતા હનુમાન કૂદકો માર્યો અને ખાઈમાંથી બહાર આવી બંને પાકીસ્તાની સૈનિકોની બરાબર સામે આવીને ઊભા રહી ગયા. અચાનક જ સૂબેદાર કરમસિંહને પોતાની સામે ઉભેલા જોઇને પાકિસ્તાની સૈનિકો હક્કાબક્કા રહી ગયા, પાકિસ્તાની સૈનિકોને સૂબેદાર કરમસિંહમા જાણે સાક્ષાત મોતના દર્શન થઈ ગયા અને પ્રતિકાર કરવાનો વિચાર કરે તે પહેલા તો શૌર્યવાન સૂબેદાર કરમસિંહની રાયફલની સંગીન બંનેને યમધામ પહોંચાડી દીધા. ત્યારબાદ સૂબેદાર કરમસિંહ તથા એમના સાથીદારોએ અન્ય ત્રણ અન્ય પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા. સૂબેદાર કરમસિંહના સ્વરૂપને જોઈને તથા પોતાના પાંચ પાંચ સૈનિકોને સૂબેદાર કરમસિંહની રાયફલની સંગીનથી મરતા જોઈને બાકીના પાકિસ્તાની સૈનિકો ઊભી પૂંછડીએ ભાગી ગયા.


આઠ વખત આક્રમણ અને છેવટે તિથવાલ બચી ગયું


દુશ્મનની કાયરતા તથા આઠ આઠ વખત આક્રમણથી તિથવાલને સૂબેદાર કરમસિંહ તથા એમના સાથીદારોએ બચાવી લીધું. તિથવાલ ભારતીય સૈનિકો સૂબેદાર કરમસિંહ તથા એમના સાથીદારોની બહાદૂરી, શૌર્ય, પરાક્રમ અને સાહસ પાકિસ્તાની સૈનિકોની કાયરતા, હાર તથા શરમજનક પીછેહઠનું ઉદાહરણ બની ગયું.


પરમવીર ચક્રથી સન્માનિત


તિથવાલના અદભૂત પરાક્રમ,સાહસ અને શૌર્યના દર્શન કરાવીને માતૃભૂમિની રક્ષા કરનારા સૂબેદાર કરમસિંહને 21મી જૂન 1950ના દિવસે યુદ્ધ સમયના સર્વોચ્ચ સન્માન એવા પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. સૂબેદાર કરમસિંહ સ્વહસ્તે પરમવીર ચક્ર સન્માન સ્વીકાર કરનારા પ્રથમ સૈનિક છે.


યુદ્ધ બાદ કારકિર્દી તથા જીવન


પરમવીર ચક્રથી સન્માનિત કરમસિંહની કારકિર્દી સતત શૌર્યની મિસાલ છે. 10મી જાન્યુઆરી 1957ને દિવસે કરમસિંહને જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) તરીકે જમાદાર રેન્કમાં પદોન્નતિ આપવામાં આવી જે રેન્ક પાછળથી નાયબ સૂબેદાર તરીકે રિડેઝિગ્નેટ કરવામાં આવી. 1લી માર્ચ 1964ને દિવસે કરમસિંહને સૂબેદાર તરીકે તથા બાદમાં સૂબેદાર મેજર તરીકે પદોન્નત કરવામાં આવ્યા. 26 મી જાન્યુઆરી 1969ના દિવસે કરમસિંહને કેપ્ટન રેન્કમાં ઓનરરી કમિશન આપવામાં આવ્યું. ઓનરરી કેપ્ટન કરમસિંહ 1969 સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત થયા.


પરમવીરનું પરમધામ પ્રયાણ


સેવા નિવૃત્ત થયા બાદ જીવન કરમસિંહ પોતાના પરિવાર સાથે વિતાવ્યું. 20 જાન્યુઆરી 1993 ના દિવસે પરમવીરે પોતાના પત્ની તથા બાળકોને છોડીને પરમધામ તરફ પ્રયાણ કર્યું.



Devendra Kumar

Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *