– પુસ્તકના લેખક પ્રસિદ્ધ લેખક, ચિંતક કિશોર મકવાણા છે
– ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કશ્યપ હોલમાં યોજાશે કાર્યક્રમ
– વિમોચનનો કાર્યક્રમ આજે સાંજે 4 વાગ્યે
‘રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર’ પુસ્તકનું આજે વિમોચન
પ્રસિદ્ધ લેખક, ચિંતક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ પ્રવકતા શ્રી કિશોર મકવાણા લિખિત પુસ્તક ‘રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર’ ના વિમોચનનો કાર્યક્રમ આજે સાંજે 4 વાગ્યે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંકુલમાં આવેલા કશ્યપ હોલમાં યોજાશે. ‘રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર’ પુસ્તકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કરશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા દિલીપ દેશમુખ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. લેખક શ્રી કિશોર મકવાણા ના જણાવ્યા મુજબ ‘રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિની 10,000 નકલો છપાવવામાં આવી છે અને આવનારા એકાદ મહિનામાં એક લાખ લોકો સુધી આ પુસ્તક પહોંચે એવું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્ય વિશે લેખકનો અભિપ્રાય
‘રાષ્ટ્ર પુરુષ ડૉ બાબાસાહેબ આંબેડકર’ પુસ્તકના લેખક શ્રી કિશોર મકવાણા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યના પ્રખર અભ્યાસુ છે તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે એક કરતાં વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનો વિચાર વૈભવ’ નામનું તેમનું પુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોનો શ્રેષ્ઠ સંગ્રહ કહી શકાય એવું છે. લેખક શ્રી કિશોર મકવાણા જણાવે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર હિન્દુ સમાજના પ્રખર સુધારક હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રીય, અર્થિક, સામાજિક અને ધાર્મિક વિચારો પરના લખાણનો ઝીણવટથી અભ્યાસ કરતા તે વિચારોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ તથા સમાજ સુધારાના વિચારો સ્પષ્ટ દેખાય છે. લેખક શ્રી કિશોર મકવાણાનું વર્ષ 2020 માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન’ ભારતના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા Roadmap – Vision – Mission ની સૌપ્રથમ રજૂઆત ડૉ. આંબેડકરના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન તરફ કદાચ સૌપ્રથમ વખત અંગુલિનિર્દેશ કરતું ઉમદા પુસ્તક છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ 14 મી એપ્રિલના દિવસે ડૉ. આંબેડકરના લેખક શ્રી કિશોર મકવાણાના હિન્દી ભાષામાં લિખિત ચાર પુસ્તકો डॉ आंबेडकर आयाम दर्शन, डॉ आंबेडकर व्यक्ति दर्शन, डॉ आंबेडकर जीवन दर्शन તથા डॉ आंबेडकर राष्ट्र दर्शन નું ઓનલાઈન વિમોચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
લેખકનો ટૂંકમાં પરિચય
લેખક કિશોર મકવાણા ખ્યાતનામ યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, સેમિનારો માં વિશેષજ્ઞ તરીકે વ્યાખ્યાનો માટે આમંત્રિત કરવામાં આવતા રહ્યા છે. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે “સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદી પત્રકારત્વ” માટે “નચિકેતા પુરસ્કાર”, નેપાળ- આંતરરાષ્ટ્રીય બૌદ્ધિસ્ટ કોન્ફરન્સ દ્વારા “તથાગત પુરસ્કાર”, પ્રતાપ નારાયણ મિશ્ર “યુવા સાહિત્યકાર પુરસ્કાર” તથા ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કરવામાં આવેલા સિદ્ધ હસ્ત લેખક છે. સામાજિક જીવનના ઊંડા અભ્યાસુ તથા સમાજની સમસ્યાઓના સમાધાન માટે સતત ચિંતન તથા મંથન કરતા કર્મઠ, નીડર અને સતર્ક પત્રકાર, લેખક અને સાચા અર્થમાં એક્ટિવિસ્ટ છે. ગુજરાતી દૈનિક દિવ્ય ભાસ્કર અખબારની રવિવારની રસરંગ પૂર્તિમાં “સોશ્યલ નેટવર્કિંગ” કોલમના કોલમિસ્ટ છે. સંવેદના સમાજ મેગેઝીનના પ્રકાશક, ફૅમિલી મેગેઝીન નમસ્કારના પૂર્વ તંત્રી છે. “સમર નહીં સમરસતા”, “ડૉ. આંબેડકર – રાષ્ટ્ર દર્શન, “ડૉ. આંબેડકર – જીવન દર્શન”, “ડૉ. આંબેડકર – વ્યક્તિત્વ દર્શન”, “ડૉ. આંબેડકર – આયામ દર્શન”, “સફળતા નો મંત્ર” , “યુગપુરુષ સ્વામી વિવેકાનંદ” , “ડૉ. બાબા સાહેબ આંબેડકર નો વિચાર વૈભવ” , “ભારતરત્ન અટલ બિહારી વાજપેયી, અજાતશત્રુ રાજપુરૂષ”, “કહાની નરેન્દ્ર મોદીની”, જેવા ઘણા બેસ્ટ સેલર પુસ્તકોના લેખક છે. કિશોર મકવાણા લિખિત ‘કૉમનમેન નરેન્દ્ર મોદી’ પુસ્તક હિન્દી, અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.