તા. 6 ઓગસ્ટ 1993ના રોજ સુભાષ ઘાઈના ડિરેક્શન હેઠળ સંજય દત્ત, જેકી શ્રોફ, માધુરી દિક્ષિત, રાખી, અનુપમ ખેર, પ્રમોદ માઉથો, રમ્યા ક્રિષ્નન, સુસ્મિતા મુખરજી, નીના ગુપ્તા અને અલી અસગર અભિનિત ક્રાઈમ, એક્શન, થ્રિલર ફિલ્મ ‘ખલનાયક’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 3 કલાક અને 10 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.2* છે.
બોક્સ ઓફિસ છલકાવતો ‘ખલનાયક’
‘ખલનાયક’ 1993ના વર્ષની બોક્સ ઓફિસ કલેક્શનની રીતે ‘આંખે’ પછી બીજા નંબરની સુપરહિટ ફિલ્મ હતી, જેનું ગ્રોસ કલેક્શન ₹ 21.5 કરોડ હતું. જે ફુગાવાને ધ્યાનમાં લેતાં 2018 મુજબ ₹ 281.65 કરોડ થાય.
‘ખલનાયક’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ₹ 19 લાખ હતું. જ્યારે પહેલાં વિકેન્ડનું કલેક્શન ₹ 58 લાખ અને પહેલાં અઠવાડિયાનું કલેક્શન ₹ 1.05 કરોડ હતું.
‘ખલનાયક’ ને નડયા મુંબઈ બૉમ્બ ધડાકા
1993ના મુંબઈ બૉમ્બ ધડાકામાં સંજય દત્ત જેલમાં જતાં ‘ખલનાયક’ નું શૂટિંગ અટકાવી દેવું પડ્યું હતું.
જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી ડબ ફિલ્મ
સંજય દત્તે જેલમાંથી છૂટ્યા બાદ ડબ કરેલી પહેલી ફિલ્મ ‘ખલનાયક’ હતી.
‘ખલનાયક’ માટે કેટલાં બધાં હીરો ચકાસાયા
સંજય દત્ત પહેલાં નાના પાટેકર, અનિલ કપૂર, વિવેક મુશ્રાન, નસીરુદ્દીન શાહની ટાઈટલ રોલ માટે વિચારણા થઈ હતી. પણ છેલ્લે સુભાષ ઘાઈએ સંજય દત્તની પસંદગી કરી હતી.
આમિર ખાનને બદલે જેકી શ્રોફની એન્ટ્રી

જેકી શ્રોફનો રોલ પહેલાં આમીર ખાન કરવાનો હતો. પણ આમીરની ઈચ્છા સંજય દત્તવાળો રોલ કરવાની હતી. જેના માટે સુભાષ ઘાઈ તૈયાર ન થતાં આમિરે ફિલ્મ છોડી દીધી હતી.
કાયમી સંગીતકાર લક્ષ્મીકાંત- પ્યારેલાલ સાથે સુભાષ ઘાઈની અંતિમ ફિલ્મ
‘ખલનાયક’ 15 વર્ષથી સાથે કામ કરતાં સુભાષ ઘાઈ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીની અંતિમ ફિલ્મ હતી.
સંગીતના હકો ટીપ્સને

સુભાષ ઘાઈએ સંગીતના હક્ક પોતાની ફિલ્મોની રેગ્યુલર HMV કંપનીને છોડીને ટીપ્સને વેચ્યા હતાં.
મ્યુઝિક આલ્બમ વેચાણમાં પણ ‘ખલનાયક’ની હીરોગીરી
‘ખલનાયક’ ના 1 કરોડ મ્યુઝિક આલ્બમ વેચાયા હતાં અને 1993ના વર્ષનું ‘બાઝીગર’ પછી ‘ખલનાયક’ના મ્યુઝિક આલ્બમનું વેચાણ બીજા નંબરે હતું.
તમિલ અને તેલુગુ ભાષામાં રિમેક
‘ખલનાયક’ ની રિમેક તેલુગુમાં ‘ખૈદી નં. 1’ નામથી બનાવવામાં આવી હતી અને તમિલમાં ‘હીરો’ નામથી ડબ કરવામાં આવી હતી.
અમિતાભ સાથેની દેવા પડતી મુકી
સુભાષ ઘાઈ અમિતાભ બચ્ચન સાથે ‘દેવા’ નામની ફિલ્મ બનાવવાના હતાં. પણ કોઈ કારણોસર એ શક્ય બન્યું ન હતું. તે સમયે એવું ચર્ચાતું હતું કે ‘દેવા’ જ ‘ખલનાયક’ ના નામ હેઠળ અને અલગ કલાકારો સાથે ઘાઈ બનાવી રહ્યા છે, જેમાં અમિતાભવાળો રોલ સંજય દત્ત કરી રહ્યો છે.
‘વિધાતા’ સુભાષે સંજયને ‘ખલનાયક’ બનાવ્યો
1982ની બ્લોકબસ્ટર ‘વિધાતા’ ના 11 વર્ષ બાદ સુભાઈ ઘાઈએ પોતાની ફિલ્મમાં સંજય દત્તને લીધો હતો.
નાના પાટેકર માટે સુભાષ ઘાઈ ‘ખલનાયક’ પુરવાર થયા
સુભાષ ઘાઈએ પહેલાં નાના પાટેકર સાથે લીડ રોલ માટે વાતચીત કરી હતી પણ પછી ઘાઈને એવું લાગ્યું કે ફિલ્મનું પાત્ર ગુમરાહ થયેલા યુવાનનું છે અને નાના પાટેકર આ પાત્ર માટે મોટા લાગશે માટે ઘાઈએ નાના પાટેકરને પડતા મુક્યા હતા. જેથી નાના ખૂબ ડિસ્ટર્બ થયા હતા અને બંનેએ મીડિયામાં એકબીજા ઉપર કાદવ ઉડાવ્યો હતો.
‘ખલનાયક’ અને ‘ખલનાયિકા’ કાનૂની દાવપેચમાં ભીડાયા
સુભાષ ઘાઈ જ્યારે ‘ખલનાયક’ બનાવી રહ્યા હતાં તેજ સમયે સાવનકુમાર ટાંક ‘ખલનાયિકા’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતાં. ફિલ્મના ટાઈટલને લઈને બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો અને સુભાષ ઘાઈએ કાનૂની પગલાં પણ લીધાં હતાં.
બમ્પર બિઝનેસ
‘ખલનાયક’ પહેલી હિન્દી ફિલ્મ હતી જેણે અમેરિકા અને કેનેડામાં રજૂ થઈ બમ્પર બિઝનેસ કર્યો હતો.
સંગીતમાં ‘ખલનાયક’ નહીં પણ નાયક સાબિત થઈ
‘ખલનાયક’ માં ટોટલ 9 ગીતો હતાં. જેમાંથી – આજા સજન આજા (અલકા યાજ્ઞિક), પાલખી મેં હો કે સવાર ચલી રે (અલકા યાજ્ઞિક), ચોલી કે પીછે ક્યાં હૈ (અલકા યાજ્ઞિક-ઈલા અરુણ), (મેલ વર્ઝન-વિનોદ રાઠોડ), દેર સે આના જલ્દી જાના (અલકા યાજ્ઞિક-મનહર ઉધાસ) અને નાયક નહીં ખલનાયક (વિનોદ રાઠોડ-ઈલા અરુણ-કવિતા કૃષ્ણમૂર્તિ) ખૂબ લોકપ્રિય થયા હતાં.
બિનાકા ગીતમાલા કાર્યક્રમમાં ધૂમ
બિનાકા ગીતમાલાની 1993ના વર્ષની લોકપ્રિય ગીતોની સૂચિમાં ‘ચોલી કે પીછે ક્યાં હૈ’ (અલકા યાજ્ઞિક-ઈલા અરુણ) નંબર 1 સરતાજ ગીત હતું. જ્યારે ‘નાયક નહીં ખલનાયક’ (વિનોદ રાઠોડ-કવિતા કૃષ્ણમૂર્તિ-ઈલા અરુણ) 16માં નંબર ઉપર હતું.
ફિલ્મફેરમાં ‘ખલનાયક’ ની એવોર્ડગીરી
39માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ‘ખલનાયક’ ફિલ્મે ‘બેસ્ટ પાર્શ્વગાયિકા’ (અલકા યાજ્ઞિક-ઈલા અરુણ-ચોલી કે પીછે ક્યાં હૈ) અને ‘બેસ્ટ કોરિયોગ્રાફી’ (સરોજ ખાન-ચોલી કે પીછે ક્યાં હૈ) એમ 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતાં, જ્યારે અન્ય 9 કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું. જેમાં – ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’ (સુભાષ ઘાઈ), ‘બેસ્ટ અભિનેતા’ (સંજય દત્ત), ‘બેસ્ટ અભિનેત્રી’ (માધુરી દિક્ષિત), ‘બેસ્ટ સહાયક અભિનેતા’ (જેકી શ્રોફ), ‘બેસ્ટ સંગીતકાર’ (લક્ષ્મીકાંત પ્યારેલાલ), ‘બેસ્ટ ગીતકાર’ (આનંદ બક્ષી-ચોલી કે પીછે), ‘બેસ્ટ પાર્શ્વગાયક’ (વિનોદ રાઠોડ-નાયક નહીં ખલનાયક) અને ‘બેસ્ટ પાર્શ્વ ગાયિકા (અલકા યાજ્ઞિક-પાલખી મેં હોકે સવાર ચલી રે) નો સમાવેશ થાય છે.
‘ખલનાયક’ ની રિલીઝ વખતે રાજ કરતાં રાજકર્તાઓ
‘ખલનાયક’ રિલીઝ થઈ ત્યારે શંકરદયાળ શર્મા દેશના રાષ્ટ્રપતિ અને પી.વી. નરસિંહરાવ દેશના વડાપ્રધાન હતાં જયારે સરૂપસિંહ ગુજરાતના રાજ્યપાલ અને ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
