કર્મા એક મલ્ટીસ્ટારર બોલીવુડ ફિલ્મ.
“કર્મા” ફિલ્મ મુળભુત રીતે જોતાં મલ્ટીકાસ્ટ પ્રેમ, વિરહ, વેર, દેશપ્રેમ વગેરે દરેક બાબતે ભરપૂર ટીપીકલ બોલિવુડ ફિલ્મ હતી.

રિલિઝ, સ્ટારકાસ્ટ અને અન્ય ટીમ
તા. 8 ઓગસ્ટ 1986ના રોજ સુભાષ ઘાઈના ડિરેક્શન હેઠળ દિલીપકુમાર, નૂતન, જેકી શ્રોફ, શ્રીદેવી, અનિલ કપૂર, પૂનમ ધિલ્લોન, નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, શક્તિ કપૂર, મુકરી, બિંદુ અને દારાસિંઘ અભિનિત એક્શન ડ્રામા ફિલ્મ ‘કર્મા’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મ 3 કલાક અને 14 મિનિટ જેટલી લાંબી હતી. ‘કર્મા’ નું IMDB રેટિંગ 7.4* છે.
રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન
‘કર્મા’ 1986ના વર્ષની કમાણીની દ્રષ્ટિએ પહેલાં નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન ₹ 14 કરોડ હતું. જે ફુગાવાને ધ્યાનમાં લેતા 2018 પ્રમાણે ₹ 357 કરોડ થાય. ‘કર્મા’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ₹ 12 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન ₹ 35 લાખ જયારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન ₹ 60 લાખ હતું.
કર્માનો મુળ વિચાર
સુભાષ ઘાઈને ‘કર્મા’ બનાવવાનો મૂળ વિચાર વી. શાંતારામની ક્લાસિક ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’ ઉપરથી આવ્યો હતો.
ડૉ. ડેન્ગ તરીકે પહેલાં કોણ હતું ?
ડો. ડેન્ગના પાત્ર માટે સુભાષ ઘાઈની પહેલી પસંદગી અમરીશ પૂરી હતાં. પણ છેલ્લે અનુપમ ખેરને પસંદ કરવામાં આવ્યા હતાં.
ઈસ થપ્પડ કી ગૂંજ સુની તુમને : અનુપમ ખેર
અનુપમ ખેરનો ડાયલોગ ‘ઈસ થપ્પડ કી ગૂંજ તુમ્હે સુનાઈ દેગી’ ખુબજ લોકપ્રિય થયો હતો. ડિસ્ટ્રીબ્યુટરો તે સમયે નવા એવા અનુપમ ખેરને વિલન બનાવાતા ફિલ્મ વેચતા ખચકાતા હતાં.
માધુરી દીક્ષિતને કર્માના સેટ પર જ લાગી રામ લખનની લોટરી
1985 માં જ્યારે સુભાષ ઘાઈ જે લોકેશન ઉપર ‘કર્મા’ નું શૂટિંગ કરી રહ્યા હતાં તેની બાજુના સેટ ઉપર તે સમયે નવોદિત એવી માધુરી દિક્ષિતની ફિલ્મ ‘આવારા બાપ’ નું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું. માધુરીના કામથી પ્રભાવિત થઈ સુભાષ ઘાઈએ પોતાની આગામી ફિલ્મ ‘રામ લખન’ માટે માધુરીને સિલેક્ટ કરી દીધી હતી.
કિશોરી શહાણેની ઓળખ
પ્રખ્યાત મરાઠી અભિનેત્રી કિશોરી શહાનણેએ ‘કર્મા’ માં નસીરુદ્દીન શાહની પત્નીનો રોલ કર્યો હતો. કિશોરી તે સમયે એટલી જાણીતી નહોતી.
નૂતન અને દિલિપકુમાર પ્રથમ વખત
નૂતન અને દિલીપકુમારે એકબીજા સાથે પહેલીવાર ‘કર્મા’ માં કામ કર્યું હતું. ‘કર્મા’ બાદ બંનેએ ‘કાનૂન અપના અપના’ માં સાથે કામ કર્યું હતું.
કર્મા, જેકી શ્રોફ અને અનિલ કપૂર
‘કર્મા’ માટે જ્યારે જેકી શ્રોફ અને અનિલ કપૂરને સાઈન કરવામાં આવ્યાં હતાં ત્યારે બંને હજુ ઉભરતા કલાકાર હતાં.
શક્તિ કપૂરનો રોલ કપાયો
‘કર્મા’ દરમિયાન શક્તિ કપૂરને સુભાષ ઘાઈ સાથે વિવાદ થયો હતો. શક્તિને એવું લાગ્યું હતું કે ઘાઈએ તેનો રોલ કાપીને નાનો અને બિન મહત્વનો કરી દીધો હતો. જેથી શક્તિ કપૂરે ‘કર્મા’ બાદ સુભાષ ઘાઈની કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.
રજનીકાંતની જગ્યાએ નસીરુદ્દીન શાહ
સુભાષ ઘાઈ નસીરના રોલ માટે પહેલાં રજનીકાંતને લેવા ઈચ્છતા હતાં અને તેમણે ખૈરુદ્દીનનું પાત્ર પણ રજનીકાંતને ધ્યાનમાં રાખીને જ લખ્યું હતું. પણ બોની કપૂર અને અનિલ કપૂરે નસીરુદ્દીન શાહને લેવા માટે સુભાષ ઘાઈને રાજી કરી દીધાં હતાં.
નસીરુદ્દીન અને સુભાષ ઘાઈ વચ્ચે ડખો
સુભાષ ઘાઈ અને નસીરુદ્દીન શાહની વચ્ચે ફી બાબતે ડખો થયો હતો. વિવાદ કેટલો બધો ગંભીર હશે એની કલ્પના એ બાબતથી ‘કર્મા’ બાદ બંનેએ એકબીજા સાથે એકપણ ફિલ્મ કરી નથી.
જેકી, અનિલ કપૂર અને શ્રીદેવી
જેકી શ્રોફ અને અનિલ કપૂરની શ્રીદેવી સાથે પ્રથમ ફિલ્મ હતી.
સેન્સર બોર્ડનો વાંધો
સેન્સર બોર્ડે વાંધો ઉઠાવતાં ‘કર્મા’ ના એક ગીત ‘બડે દિનો કે બાદ મિલી હૈ દે દારૂ’ ના કેટલાંક શબ્દો બદલવા પડ્યા હતાં.
દિલિપકુમાર અને સુભાષ ઘાઈની બેલડી
સુભાષ ઘાઈ અને દિલીપકુમારની 1982ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વિધાતા’ પછી બીજી ફિલ્મ હતી અને ત્યારબાદ, બંનેએ 1991માં ‘સોદાગર’ માં સાથે કામ કર્યું હતું.
કર્મા, મુકરી અને દિલિપકુમાર
‘કર્મા’ દિલીપકુમારની ઘણી ફિલ્મોમાં કોમિક રોલ કરનાર મૂકરીની દિલીપકુમાર સાથેની અંતિમ ફિલ્મ હતી.
જેલનો સેટ તોડી પડાયો
‘કર્મા’ માટે વિશાળકાય જેલનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો અને ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં એ સેટ તોડી નાંખવામાં આવ્યો હતો.
ડિમ્પલ કાપડિયાની ઈચ્છા
ડિમ્પલ કાપડિયા ‘કર્મા’ માં કામ કરવા ખૂબ ઈચ્છુક હતી. પણ સુભાષ ઘાઈએ કરેલી ઓફર ફી ઓછી પડતા ડિમ્પલ ફિલ્મમાંથી નીકળી ગઈ હતી.
સ્ટાર કાસ્ટની ગડમથલ
પૂનમ ધિલ્લોને કરેલા રોલ માટે સુભાષ ઘાઈ પહેલાં ફરહાને લેવા માંગતા હતાં. પાત્ર માટે ગ્રામ્ય યુવતીની નિર્દોષતા એના ચહેરા ઉપર દેખાવી જોઈએ એમ સુભાષ ઘાઈ માનતા હતાં. એમને ફરહા કરતાં પૂનમના ચહેરા ઉપર એ નિર્દોષતા વધુ લાગતા ઘાઈએ છેવટે પૂનમ ધિલ્લોનને સિલેક્ટ કરી હતી. સલમા આગાની પણ વિચારણા આ રોલ માટે થઈ હતી.
માત્ર 14 મહિનામાં તૈયાર
એ જમાનાની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ ગણાતી ‘કર્મા’ ફક્ત 14 મહિનામાં તૈયાર થઈ ગઈ હતી.