Spread the love

મ્યુઝિકલ ક્રાઈમ ફિલ્મ : ‘શ્રી 420’



તા. 16 સપ્ટેમ્બર 1955ના રોજ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ રાજ કપૂર, નરગીસ, નાદિરા, લલિતા પવાર અને ઈફતેખાર અભિનિત કોમેડી ક્રાઈમ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘શ્રી 420’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત શંકર જયકીશને આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 48 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 8.0* છે.


‘ શ્રી 420’ ની રેકર્ડ કમાણી


‘શ્રી 420’ 1955ના વર્ષની નંબર 1 બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન તે જમાનામાં ₹ 3.90 કરોડ હતું, જે ફુગાવાને ધ્યાનમાં લેતાં 2019ના વર્ષ પ્રમાણે ₹ 618 કરોડ થાય.

‘શ્રી 420’ ની કમાણીનો રેકોર્ડ 2 વર્ષ પછી 1957માં ‘મધર ઈન્ડિયા’ એ તોડ્યો હતો.


સોવિયેત સંઘમાં પણ ઘેલું લગાડ્યું




‘શ્રી 420’ આગલા વર્ષે 1956માં સોવિયેત યુનિયનમાં રિલીઝ થઈ હતી અને સોવિયેત બોક્સ ઓફિસ ઉપર કમાણીની દ્રષ્ટિએ વિદેશી ફિલ્મોમાં પહેલી અને ઓવરઓલ વર્ષની બીજા નંબરની ફિલ્મ પુરવાર થઈ હતી.

‘શ્રી 420’ પછી રાજ કપૂરે ‘અજંતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં હસરત જયપુરીએ એક ગીતના શબ્દો લખ્યા હતાં અને શંકર જયકીશને તેની ધૂન બનાવી હતી. પણ પછી કોઈ કારણોસર રાજ કપૂરે તે ફિલ્મ બનાવવાનું કેન્સલ કર્યું અને ‘અજંતા’ નો પ્રોજેકટ અભરાઈ ઉપર ચઢાવી દીધો. તે ગીતના શબ્દો હતા – ‘સુન સાહિબા સુન’. હસરત જયપુરી અને રાજ કપૂરે તે ગીતનો 30 વર્ષ પછી 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’ માં ઉપયોગ કર્યો હતો.


નરગીસે નાનકડા રિશીને ચોકલેટની લાલચ આપી ગીતનું શૂટિંગ કરાવ્યું




‘શ્રી 420’ ના એક પ્રખ્યાત ગીત ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ માં રાજ કપૂરના 3 સંતાનો પુત્રી રીતુ અને પુત્રો રણધીર અને રિશી રેઈનકોટ પહેરેલા નજરે પડે છે. રિશી કપૂર ત્યારે ફક્ત 3 વર્ષનો હતો. ગીત વરસાદમાં ગાવાનું હતું. જેથી વરસાદી પાણીની ધાર આંખોમાં વાગતી હોવાથી રિશી લગાતાર રડી રહ્યો હતો અને કેમે કરીને શાંત નહોતો રહેતો હતો. જેથી શૂટિંગ અટક્યું હતું. જેથી નરગીસે રિશીને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે જો તે રડવાનું બંધ કરશે અને આંખો ખુલ્લી રાખશે તો તે તેને ચોકલેટ આપશે. છેવટે ચોકલેટની લાલચથી રિશી શાંત થયો હતો અને ગીતનું શૂટિંગ આગળ વધી શક્યું હતું.


આશા ભોંસલેનું સૌથી પહેલું હિટ ગીત




‘શ્રી 420’ નું એક ગીત ‘મુડ મુડ કે ન દેખ મુડ મુડ કે’ જે નાદિરા ઉપર ફિલ્માવાયું હતું તે આશા ભોંસલેનું સૌથી પહેલું હિટ ગીત હતું. આજ ગીતમાં અભિનેત્રી સાધનાએ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. સાધના ત્યારે ફક્ત 14 વર્ષની જ હતી.

‘શ્રી 420’ ફિલ્મ પછી નાદિરાએ રાજ કપૂરને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને તેને રાખડી બાંધતી હતી.

નાદિરાએ વાસ્તવિક જિંદગીમાં કદી પણ સિગારેટ નથી પીધી. પણ કહાનીની જરૂરિયાત હોવાથી નાદિરાએ ‘શ્રી 420’ ફિલ્મમાં સિગારેટ પીવી પડી હતી.


‘ઈચક દાણા બિચક દાણા’ ની ઈઝરાયલમાં લોકપ્રિયતા




ફિલ્મનું અન્ય એક ગીત ‘ઈચક દાણા બિચક દાણા’ ઈઝરાયલમાં ખૂબ લોકપ્રિય થયું હતું અને ત્યાંના સ્થાનિક ગાયક નઈમ રાજુઆએ સ્થાનિક ભાષામાં ફરીથી રેકર્ડ કર્યું હતું.

‘શ્રી 420’ ના જ અન્ય એક ગીત ‘રમૈયા વસ્તાવૈયા’ ના પ્રથમ શબ્દો એક જુના તેલુગુ લોકગીત ઉપરથી લેવાયા હતા, જેનો મતલબ ‘ભગવાન રામ તમારી પાસે આવ્યા’ એમ થતો હતો.

નરગીસે રાજ કપૂરના ડિરેક્શનમાં છેલ્લી વાર કામ કર્યું હતું.


ચાર્લી ચેપ્લીનથી પ્રભાવિત રાજ




‘શ્રી 420’ માં રાજ કપૂરનું પાત્ર ચાર્લી ચેપ્લીનના ‘Little Tramp’ થી પ્રભાવિત હતું.

1992ની ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ અને 2001ની ‘બસ ઈતના સા ખ્વાબ હૈ’ ની કહાની ‘શ્રી 420’ ને મળતી આવતી હતી.


એકએકથી ચઢિયાતા ગીતો


‘શ્રી 420’ માં કુલ 8 ગીતો હતાં. જેમાંથી ‘દિલ કા હાલ સુને દિલવાલા’ (મન્ના ડે), ‘મેરા જૂતા હૈ જાપાની’ (મુકેશ), ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે’ (મન્ના ડે-આશા ભોંસલે), ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ’ (મન્ના ડે-લતા મંગેશકર), ‘રમૈયા વસ્તા વૈયા’ (રફી-મુકેશ-લતા) અને ‘ઈચક દાણા બિચક દાણા’ (લતા-મુકેશ) ખૂબ લોકપ્રિય થયા હતાં.


બિનાકામાં સરતાજ ગીત


1955ના વર્ષની બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં ‘મેરા જૂતા હૈ જાપાની’ (મુકેશ) વર્ષનું સૌથી લોકપ્રિય નંબર 1 ગીત હતું. જ્યારે ‘ઈચક દાણા, બિચક દાણા’ (લતા-મુકેશ) 5માં નંબર ઉપર બિરાજમાન હતું.

3 જા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ‘શ્રી 420’ માટે રઘુ કરમાકરને ‘બેસ્ટ સિનેમેટોગ્રાફર’ અને જી.જી. માયેકરને ‘બેસ્ટ એડિટિંગ’ બદલ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

‘શ્રી 420’ ને ‘સેકન્ડ બેસ્ટ ફ્યુચર ફિલ્મ ઈન હિન્દી’ તરીકે 1956ના વર્ષમાં નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.


શ્રી ‘420’ સમયે રાજકર્તાઓ


‘શ્રી 420’ રિલીઝ થઈ ત્યારે 16 સપ્ટેમ્બર 1955ના દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ અને પં. જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતાં જયારે ગુજરાત ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું અને હરેકૃષ્ણ મહતાબ મુંબઈ રાજ્યના રાજ્યપાલ અને મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતાં.



Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *