Spread the love


38 વર્ષ પહેલાં તા. 24 સપ્ટેમ્બર 1982ના રોજ બી.આર. ચોપરાના ડિરેક્શન હેઠળ રાજ બબ્બર, સલમા આગા, દિપક પરાશર, અસરાની અને ઈફતેખાર અભિનિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘નિકાહ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત રવિએ આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 32 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 6.7* છે.


બ્લોકબસ્ટર ‘નિકાહ’




બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘નિકાહ’ 1982ના વર્ષની ‘વિધાતા’, ‘પ્રેમરોગ’, ‘નમક હલાલ’, ‘ખુદદાર’ અને ‘ફર્ઝ ઔર કાનૂન’ પછી છઠઠા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 9 કરોડ હતું. ‘નિકાહ’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 5 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 16 લાખ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 26 લાખ હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 336.60 કરોડ ગણી શકાય.


પાકિસ્તાની મૂળની સલમા આગાની ‘નિકાહ’ થી બોલીવુડમાં એન્ટ્રી




‘નિકાહ’ પાકિસ્તાની મૂળની સલમા આગાની ડેબ્યુ હિન્દી ફિલ્મ હતી.


બી.આર. ચોપરાએ સલમા આગાની શોધ કરી હતી. બી.આર. ચોપરાએ નવોદિત સલમા આગાને પહેલાં અભિનેત્રી તરીકે ટ્રેઈન્ડ કરી હતી અને પછી તેણે ‘નિકાહ’ ની હીરોઈન તરીકે લોન્ચ કરી હતી.


પહેલીવાર સાંભળતી વખતે સંગીતકાર રવિએ સલમાનો અવાજ પસંદ ન આવ્યો




સલમા આગા અભિનેત્રીની સાથે સાથે ગાયિકા પણ હતી. જોકે, સંગીતકાર રવિને સલમાનો અવાજ પસંદ આવ્યો ન હતો. પણ ચોપરાએ રવિને સમઝાવ્યું કે ફિલ્મની કહાની અને સંગીત પ્રમાણે સલમાનો અવાજ સંપૂર્ણ ફીટ બેસે છે.


સંગીતકાર રવિએ 1973ની ‘ધૂંદ’ ના 9 વર્ષ પછી બી.આર. ચોપરાની ફિલ્મમાં સંગીત આપ્યું હતું.


ગઝલકાર ગુલામઅલીની ‘ચુપકે ચુપકે’ એ દર્શકોને રડાવ્યા




પ્રખ્યાત ગઝલકાર ગુલામ અલીએ પહેલીવાર કોઈ બોલીવુડની ફિલ્મમાં ગઝલ ગાઈ હતી.


ફિલ્મનું ટાઈટલ પહેલાં ‘તલાક તલાક તલાક’ રાખવામાં આવ્યું હતું, પણ વિરોધ થતાં તે બદલીને ‘નિકાહ’ કરવામાં આવ્યું હતું.


લીડ રોલ માટે નવોદિત એક્ટ્રેસની શોધખોળ


બી.આર. ચોપરાએ લીડ રોલ માટે પહેલાં ઝીન્નત અમાનની વિચારણા કરી હતી. પણ પછી તેમણે એમ લાગ્યું કે આ રોલ માટે કોઈ નવોદિતની પસંદગી કરવી વધુ યોગ્ય રહેશે. આ વાતની ખબર પડતાં રુખસાના સુલ્તાનાએ પોતાની પુત્રી અમૃતા સિંઘને લેવા બી.આર. ચોપરાને વિનંતી કરી હતી. પણ ચોપરાએ સલમા આગાની પસંદગી કરતાં અમૃતા સિંઘે ‘બેતાબ’ સાઈન કરી હતી.


‘નિકાહ’ ની સફળતાની સૌથી વધુ વાહવાહી સલમા મેળવી ગઈ




ફિલ્મની પબ્લિસિટીમાં સલમા આગાને વધુ મહત્વ અપાતા રાજ બબ્બર નારાજ થઈ ગયો હતો. થયું પણ એવું કે ફિલ્મની સફળતાની સૌથી વધુ વાહવાહી પણ સલમાને જ મળી હતી.


તે સમયે એવી વાતો ચગી હતી કે રઝા મુરાદની બહેન શમીમ ખાને ‘નિકાહ’ માંથી સલમા આગાને બહાર કઢાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું.


‘નિકાહ’ નું સુપરહિટ સંગીત


‘નિકાહ’ માં કુલ 6 ગીત હતાં. જેમાં — ‘દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે’ (સલમા આગા), ‘બીતે હુએ લમ્હો કી કસક’ (મહેન્દ્ર કપૂર), ‘ચુપકે ચુપકે રાત દિન’ (ગુલામઅલી), ‘દિલ કી યે આરઝુ થી’ (સલમા આગા-મહેન્દ્ર કપૂર) અને ‘ફિઝા ભી હૈ જવાં જવાં’ (સલમા આગા) – આ 5 ગીતો ચાર્ટ બસ્ટર્ડ હતાં.


‘નિકાહ’ 1982માં રિલીઝ થઈ હતી પણ તેના ગીતો 1983માં પણ ખૂબ વાગ્યા હતાં અને 1983ના વર્ષની બિનાકા ગીતમાલાની વર્ષના સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિમાં ‘દિલ કી યે આરઝુ થી’ (સલમા આગા-મહેન્દ્ર કપૂર) 2 જા નંબરે, ‘દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે’ (સલમા આગા) 3જા નંબરે અને ‘ચુપકે ચુપકે રાત દિન’ (ગુલામઅલી) 30માં નંબર ઉપર બિરાજમાન હતાં.


ફિલ્મફેર એવોર્ડમાં ‘નિકાહ’ છવાઈ ગઈ




30માં ફિલ્મફેર સમારંભમાં ‘નિકાહ’ માટે સલમા આગાને ‘બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર’ (દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે) અને ડો. અચલા નાગરને ‘બેસ્ટ ડાયલોગ’ માટે ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો. જ્યારે ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’ (બી.આર. ચોપરા), ‘બેસ્ટ એક્ટ્રેસ’ (સલમા આગા), ‘બેસ્ટ સ્ટોરી’ (ડો. અચલા નાગર), ‘બેસ્ટ મ્યુઝિક’ (રવિ), ‘બેસ્ટ લેરિકસ’ (હસન કમાલ-‘દિલ કે અરમાં’ અને ‘દિલ કી યે આરઝૂ’) અને ‘બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર’ (સલમા આગા-‘ફિઝા ભી હૈ જવાં જવાં’ અને ‘દિલ કી યે આરઝુ થી’) એમ કુલ 9 કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યાં હતાં.


‘નિકાહ’ સમયે રાજકર્તાઓ


‘નિકાહ’ રિલીઝ થઈ ત્યારે તા. 24 સપ્ટેમ્બર 1982ના દિવસે જ્ઞાની ઝેલસિંઘ દેશના રાષ્ટ્રપતિ અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે શારદા મુખર્જી ગુજરાતના રાજ્યપાલ અને માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.



Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *