તા. 07 સપ્ટેમ્બર 2001ના રોજ એસ. શંકરના ડિરેક્શન હેઠળ અનિલ કપૂર, રાની મુખરજી, પૂજા બત્રા, અમરીશ પુરી, પરેશ રાવલ, સૌરભ શુકલા, શિવાજી સાટમ અને જ્હોની લીવર અભિનિત પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ‘નાયક’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 3 કલાક અને 07 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.8* છે.
બોક્સઓફિસ ઉપર ‘નાયક’ ગાજયો એટલો વરસ્યો નહીં
‘નાયક’ નું બજેટ ₹ 21 કરોડનું હતું અને તેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન ₹ 20.56 કરોડ હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018માં ₹ 107.94 કરોડ ગણી શકાય. બોક્સ ઓફિસ કલેક્શન પ્રમાણે ‘નાયક’ 2001ના વર્ષની 15માં નંબરની ફિલ્મ હતી. વિવેચકોએ ‘નાયક’ ને ખૂબ વખાણી હતી, પણ કમાણીની દૃષ્ટિએ ‘નાયક’ ની ગણતરી હિટ નહીં પણ એક એવરેજ ફિલ્મમાં થાય છે.
‘નાયક’ ભારતભરમાં 280 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. ‘નાયક’ નું પહેલાં દિવસનું કલેક્શન ₹ 85 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન ₹ 2.60 કરોડ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન ₹ 4.81 કરોડ હતું.
‘નાયક’ ડિરેક્ટર શંકરની પોતાની 1999ની સફળ તમિલ ફિલ્મ ‘મૂધાલવન’ ની રિમેક હતી.
‘નાયક’ ડિરેક્ટર એસ. શંકરની પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ છે.
‘નાયક’ ની કહાની શિવાજીરાવ ગાયકવાડ એટલે કે રજનીકાંતને ધ્યાનમાં રાખી લખાઈ હતી
શંકરે ‘મૂધાલવન’ ની કહાની અને મુખ્ય રોલ રજનીકાંતને ધ્યાનમાં રાખીને જ લખ્યો હતો. પણ કોઈ કારણોસર રજનીકાંત ‘મૂધાલવન’ કરી ન શક્યા. માટે, શંકરે જ્યારે ‘મૂધાલવન’ ની રિમેક હિન્દીમાં ‘નાયક’ નામથી બનાવવાનું વિચાર્યું ત્યારે ફિલ્મમાં અનિલ કપૂરના પાત્રનું નામ રજનીકાંતનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ રાખ્યું હતું.
શિવાજીરાવ ગાયકવાડનો રોલ પહેલાં આમીર ખાન અને ત્યારબાદ શાહરૂખ ખાનને ઓફર થયો હતો, પણ તે બંનેએ ના પાડતા અનિલ કપૂરને લેવામાં આવ્યો હતો.
‘નાયક’ ની નાયિકાની શોધખોળ છેવટે રાનીને ફળી
‘નાયક’ ની મુખ્ય નાયિકા ‘મંજરી’ નો રોલ પહેલાં મનિષા કોઈરાલાને ઓફર થયો હતો. પણ મનિષા ‘ગ્રહણ’ અને ‘લજ્જા’ ફિલ્મમાં વ્યસ્ત હોવાથી તે ‘નાયક’ કરી શકી ન હતી. ત્યારબાદ, આ પાત્ર માટે કરિશ્મા કપૂર, રવિના ટંડન, તબુ અને પ્રિતી ઝીંટાનો પણ સંપર્ક કરાયો હતો. પણ તે બધાંને વ્યસ્તતાને લીધે તારીખ ઉપલબ્ધ ન હોવાથી છેલ્લે રાની મુખરજીને લેવામાં આવી હતી.
‘નાયક’ નો મુહૂર્ત શોટ તા. 15 જુલાઈ 2000ના દિવસે રાકેશ રોશનના હસ્તે લેવાયો હતો. જ્યારે ફિલ્મનું શૂટિંગ તા. 18 ડિસેમ્બર 2000 ના દિવસે શરૂ થયું હતું.
‘નાયક’ 9/11 ના આતંકવાદી હુમલાના 4 દિવસ પહેલાં જ રજુ થઈ
‘નાયક’ ની રિલીઝ ટેક્નિકલ સમસ્યાઓના કારણે બે અઠવાડિયા સુધી લંબાવવી પડી હતી અને ફિલ્મ બિન લાદેને અમેરિકાના ટ્વીન ટાવર્સ ઉપર આતંકવાદી હુમલો કર્યો હતો તે 9/11 ના 4 દિવસ પહેલાં ફિલ્મ રજુ થઈ હતી.
દક્ષિણની ફિલ્મોમાં જોવા મળે છે તેવા એક્શન દ્રશ્યો પહેલી વાર કોઈ હિન્દી ફિલ્મમાં જોવા મળ્યા હતાં.
આનંદ બક્ષીની અંતિમ ફિલ્મોમાંથી એક ફિલ્મ
‘નાયક’ ગીતકાર આનંદ બક્ષીની અંતિમ ફિલ્મોમાંથી એક હતી. ઉપરાંત, સંગીતકાર અને ગીતકાર તરીકે રહેમાન અને આનંદ બક્ષીની જોડીની ‘નાયક’ અંતિમ ફિલ્મ હતી. કેમકે, આનંદ બક્ષી માર્ચ 2002માં મૃત્યુ પામ્યા હતાં.
આ પહેલાં 1994માં રામગોપાલ વર્માએ સંજય દત્તને લઈને ‘નાયક’ નામથી ફિલ્મ બનાવવાનું એલાન કર્યું હતું. પણ એ ફિલ્મનો પ્રોજેકટ બાદમાં અભરાઈએ ચઢી ગયો હતો.
હવા, પાણી, પૃથ્વી અને માટીની થીમ ઉપર ગીત ફિલ્માવાયું
‘નાયક’ ના એક ગીત ‘ચલો ચલે મિતવા’ માં ચાર મૂળભૂત તત્વો હવા, પાણી, પૃથ્વી અને માટી – એ થીમ ઉપર લડાખથી કન્યાકુમારીના વિવિધ લોકેશન્સ ઉપર 15 દિવસમાં શૂટ કરાયા હતાં.
રહેમાને મૂળ તમિલ ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું. જેના ગીતોનો ઉપયોગ ‘નાયક’ માં પણ કરવામાં આવ્યો હતો. ફક્ત સુસ્મિતા સેને કરેલું આઈટમ ગીત ‘શાકાલાકા બેબી’ જ નવું ગીત ઉમેરાયું હતું.
ભારતમાં જ સંપૂર્ણપણે બનેલી સૌથી મોંઘી ફિલ્મોમાં સમાવિષ્ટ
‘નાયક’ નો સમાવેશ ભારતમાં જ સંપૂર્ણપણે બનેલી સૌથી મોંઘી ફિલ્મોમાં થાય છે.
ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌપ્રથમ વાર કોમ્પ્યુટર ઈફેક્ટનો ઉપયોગ
‘નાયક’ ના પ્રખ્યાત થ્રિડી એક્શન સીન માટે અનિલ કપૂરે 7 મહિના સુધી જીમમાં ટ્રેઈનિંગ લીધી હતી. ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોમ્પ્યુટર ઈફેક્ટનો ઉપયોગ આ સીનમાં કરવામાં આવ્યો હતો અને એક સિંગલ દ્રશ્ય માટે 36 અલગ અલગ કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ન્યુઝ ચેનલના સ્ટુડિયોનો મોંઘો સેટ ઉભો કરાયો અને ક્લાયમેક્સમાં તોડી નંખાયો
‘નાયક’ માં અનિલ કપૂર એક ન્યુઝ ચેનલનો કેમેરામેન હોય છે. જે માટે ડિરેક્ટર શંકરે ન્યુઝ ચેનલના સ્ટુડિયોનો મોટો સેટ ઉભો કર્યો હતો. જે વાસ્તવિક લાગે તે માટે 700 કરતાં વધારે ટીવી અને કેમેરા તેમજ મોટી ટીવી સ્ક્રીન ઉભી કરવામાં આવી હતી. ફિલ્મના ક્લાયમેક્સમાં ટીવી અને કેમેરા સાથે આખા સેટને તોડી નાંખવામાં આવ્યો હતો.
‘નાયક’ ના સંગીતના હક્ક ટી સિરિઝને ₹ 6 કરોડમાં વેચવામાં આવ્યા હતાં. ફિલ્મના મ્યુઝિક આલ્બમના 14 લાખ યુનિટ વેચાયા હતાં અને ‘નાયક’ નું સંગીત 2001ના વર્ષનું 14માં નંબરનું સૌથી વધુ વેચાયેલું મ્યુઝિક આલ્બમ હતું.
‘નાયક’ માં કુલ 7 ગીતો હતાં. જેમાંથી ‘ચલો ચલે મિતવા’ (ઉદિત નારાયણ-કવિતા કૃષ્ણમૂર્તિ-સ્વર્ણલતા) અને ‘શાકાલાકા બેબી’ (વસુંધરા દાસ-પ્રવિણ મણિ-શિરાઝ ઉપ્પલ) ઠીક ઠીક લોકપ્રિય થયા હતાં.
47માં ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં ‘નાયક’ના અભિનય માટે અનિલ કપૂરને બેસ્ટ એક્ટર તરીકે ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન મળ્યું હતું.
‘નાયક’ સમયે તત્કાલીન ‘નાયકો’
‘નાયક’ રિલીઝ થઈ ત્યારે 07 સપ્ટેમ્બર 2001ના દિવસે કે.આર. નારાયણન દેશના રાષ્ટ્રપતિ અને અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતાં જયારે સુંદરસિંહ ભંડારી ગુજરાતના રાજ્યપાલ અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
