1981ના વર્ષમાં તા. 14 ઓગસ્ટના રોજ યશ ચોપરાના ડિરેક્શન હેઠળ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રેખા, સંજીવ કુમાર, શશિ કપૂર, કૂલભુષણ ખરબંદા અને સુષ્મા શેઠ અભિનિત રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ ‘સિલસિલા’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત શિવ હરિએ આપ્યું હતું. ફિલ્મ 3 કલાક અને 02 મિનિટ અને 18 રીલ જેટલી લાંબી હતી જ્યારે IMDB રેટિંગ 7.3* છે.
બોક્સઓફિસ છલકાવવાની અપેક્ષા પૂરી કરવામાં ઉણી ઉતરેલી ‘સિલસિલા’
‘સિલસિલા’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 3 લાખ હતું, જયારે પહેલાં વિકેન્ડમાં ‘સિલસિલા’ એ રૂ. 8 લાખ અને પહેલાં અઠવાડિયામાં રૂ. 18 લાખની કમાણી કરી હતી. ‘સિલસિલા’ નું દુનિયાભરમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેકશન રૂ. 8 કરોડ થયું હતું. જે ફુગાવાને ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 328.8 કરોડ થાય. જોકે, ‘સિલસિલા’ ની ગણતરી એક ફ્લોપ ફિલ્મ તરીકે થાય છે.
‘સિલસિલા’ અમિતાભ, જયા અને રેખાની વાસ્તવિક જિંદગીના પ્રણય ત્રિકોણ ઉપર આધારિત હતી.
‘સિલસિલા’ નું મુહૂર્ત તા. 30 સપ્ટેમ્બર 1979ના રોજ થયું હતું. અમિતાભની અન્ય એક ફિલ્મ ‘બેમિસાલ’ નું મુહૂર્ત પણ તેજ દિવસે થયું હતું.
લાંબી મથામણ અને જયાની અનિચ્છા બાદ ફાઈનલ કાસ્ટિંગ થયું
યશ ચોપરાએ જયા બચ્ચનના રોલ માટે પહેલાં સ્મિતા પાટીલ જ્યારે રેખાના રોલ માટે પરવીન બાબીની પસંદગી કરી હતી. પણ પછી લાંબી વિચારણા બાદ અનુક્રમે જયા અને રેખાને સાઈન કરાઈ હતી. જયા ફિલ્મમાં કામ કરવા બિલકુલ ઈચ્છુક ન હતી.
પદ્મિની કોલ્હાપૂરેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘ચાંદની’ ની ભૂમિકા માટે યશ ચોપરાએ રેખાની પહેલાં તેનો સંપર્ક કર્યો હતો. પણ પદ્મિની ત્યારે 15-16 વર્ષની હતી. જેથી પદ્મિનીને લાગ્યું કે પોતે અમિતાભ સામે ખૂબજ નાની લાગશે. જેથી તેને ઓફરનો અસ્વીકાર કર્યો હતો.
મુમતાઝે પણ દાવો કર્યો હતો કે યશ ચોપરાએ બધાં કરતાં પહેલાં તેણે રેખાવાળો રોલ ઓફર કર્યો હતો. પણ તે ફિલ્મોમાં પાછી આવવા માંગતી ન હોવાથી તેણે ચોપરાને ના પાડી હતી.
‘સિલસિલા’ એ અમિતાભ અને રેખાની પ્રેમ કહાનીનો અંત આણ્યો
અમિતાભ અને રેખાની જોડીની છેલ્લી ફિલ્મ હતી. ‘સિલસિલા’ બાદ બંનેની પ્રેમ કહાનીનો અંત આવી ગયો હતો અને ત્યારબાદ, બંનેએ સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.
‘સિલસિલા’ જયા બચ્ચનની કમબેક ફિલ્મ હતી. ઉપરાંત, યશ ચોપરા સાથે કરેલી પણ એકમાત્ર ફિલ્મ છે.
‘સિલસિલા’ એકમાત્ર ફિલ્મ છે જેમાં જ્યા બચ્ચને શશિ કપૂરની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી.
અમિતાભ અને જયા બચ્ચને ‘સિલસિલા’ પછી છેક 20 વર્ષ બાદ 2001માં ‘કભી ખુશી કભી ગમ’ માં સાથે કામ કર્યું હતું.
‘સિલસિલા’ બાદ જ્યા બચ્ચન 1998ની ‘હઝાર ચોરાસી કી મા’ રજૂ થઈ ત્યાં સુધી 17 વર્ષ ફિલ્મોથી દૂર રહી હતી.
‘સિલસિલા’ અને ‘લમ્હે’ : યશ ચોપરાની સૌથી મનપસંદ ફિલ્મો પ્રેક્ષકોએ નકારી
‘સિલસિલા’ અને ‘લમ્હે’ યશ ચોપરાની સૌથી મનપસંદ ફિલ્મો છે. આ બંને ફિલ્મોનું સંગીત પણ સુપરહિટ હતું. આ બંને ફિલ્મો ઉપર યશ ચોપરાને ખૂબજ આશા હતી. પણ કમનસીબે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ પુરવાર થઈ હતી.
‘સિલસિલા’ ના સુપરહિટ ગીતોની રસપ્રદ કહાની
‘નીલા આસમાં સો ગયા’ ની ધૂન હકીકતમાં શમ્મી કપૂરે બનાવી હતી. અમિતાભ 1975માં શમ્મી કપૂર સાથે ‘ઝમીર’ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે સેટ ઉપર તેને આ ધૂન સાંભળી હતી અને તેને ગમી ગઈ હતી. શમ્મી કપૂરે રાજીખુશીથી આ ધૂન ‘સિલસિલા’ માં ઉપયોગમાં લેવા અમિતાભને મંજૂરી આપતાં યશ ચોપરાએ તેને સંગીતબદ્ધ કરી હતી.
‘યે કહાં આ ગયે હમ’ ગીતમાં વચમાં અમિતાભ જે શબ્દો બોલે છે ‘તુમ હોતી તો કૈસા હોતા’ જાવેદ અખ્તરના કાવ્ય સંગ્રહ ‘બંજારા’ માંથી લેવામાં આવ્યા હતાં. અમિતાભ અને લતા મંગેશકર બંનેએ પોતપોતાનો ભાગ અલગ અલગ રેકર્ડ કર્યો હતો.
‘રંગ બરસે ભીગે ચુનરવાલી’ કે જે પાછળથી હોળી ગીત તરીકે ઓળખ પામ્યું તે ગીત અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા હતી.
‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ ગીતનું મોટા ભાગનું શૂટિંગ નેધરલેન્ડના પ્રખ્યાત કેઉકેન્હોફ તુલિપ ગાર્ડનમાં થયું હતું. જયારે તેનો થોડો ભાગ કાશ્મીરના પહેલગામમાં ફિલ્માવાયો હતો. નેધરલેન્ડના આજ લોકેશન ઉપર રાજ કપૂરે ‘પ્રેમરોગ’ નું ‘ભંવરે ને ખિલાયા ફૂલ’ ફિલ્માવાયું હતું. ઉપરાંત, યશ ચોપરાની ‘હમ તુમ’ નું પણ ત્યાં શૂટિંગ કરાયું હતું.
‘શિવ-હરિ’ ની જુગલબંધી
વિખ્યાત સિતારવાદક પં. શિવકુમાર શર્મા અને પ્રખ્યાત વાંસળીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયાએ ‘શિવહરિ’ ના નામથી પહેલીવાર કોઈ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું હતું.
‘સિલસિલા’ એકમાત્ર ફિલ્મ છે જેમાં શશિ કપૂર અમિતાભનો મોટો ભાઈ બન્યો છે. ‘સિલસિલા’ સિવાયની બંનેએ સાથે કરેલી બધી ફિલ્મોમાં શશિ કપૂર અમિતાભનો નાનો ભાઈ બન્યો છે.
આતંકવાદગ્રસ્ત કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ ઉપર ફિલ્માંકન થયેલ છેલ્લી ફિલ્મ
‘સિલસિલા’ શ્રીનગર એરપોર્ટ ઉપર શૂટ થયેલ છેલ્લી ફિલ્મ છે. ‘સિલસિલા’ બાદ છેલ્લાં 39 વર્ષથી કોઈ ફિલ્મનું શૂટિંગ શ્રીનગર એરપોર્ટ ઉપર થયેલ નથી.
માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે યશ ચોપરાએ ‘સિલસિલા’ રિલીઝ થઈ તેના થોડા દિવસ પહેલાં જ તેની ઓડિયો રેકર્ડ બહાર પાડી હતી.
‘સિલસિલા’ ના લોકપ્રિય થયેલાં ડાયલોગોની અલગથી એલપી રેકર્ડ બહાર પાડવામાં આવી હતી.
‘સિલસિલા’ ની યશ- અમિતાભની કડવાશ 19 વર્ષ બાદ ‘મહોબ્બતે’ એ દૂર કરી
‘સિલસિલા’ ફ્લોપ જતાં અમિતાભ અને યશ ચોપરાના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. ત્યારબાદ, છેક 19 વર્ષ બાદ 2000માં ‘મહોબ્બતે’ માં અમિતાભે યશ ચોપરાની ફિલ્મમાં કામ કર્યું હતું, જે આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરી હતી. જયારે યશ ચોપરાએ જાતે ડિરેક્ટ કરેલી ‘વીરઝારા’ માં 2004માં અમિતાભે કામ કર્યું હતું.
જ્યા-રેખા વચ્ચે અણબનાવના અવિરત ‘સિલસિલા’
‘સિલસિલા’ ના નિર્માણ દરમિયાન જયા અને રેખા વચ્ચે તણખા ઉડતા હોવાની અફવાઓ તે સમયે મોટા પાયે ફેલાઈ હતી. બંને અલગ અલગ મેકઅપ રૂમનો ઉપયોગ કરતી હોવાની તેમજ એકબીજા સાથે વાતચીત પણ ન કરતી હોવાની વાતો મીડિયામાં ચગી હતી. જ્યાએ અધવચ્ચે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલાવી હોવાથી ફિલ્મ ફ્લોપ ગઈ હોવાની ગોસિપ પણ ઉડી હતી.
‘સિલસિલા’ ના નિર્માણ દરમિયાન સેટ ઉપર મીડિયાને પ્રવેશવા પ્રતિબંધ હતો.
અમિતાભની ફિલ્મ ‘યારાના’ થોડા મહિનાઓમાં જ રિલીઝ થવાની હતી અને અમિતાભ ‘યારાના’ ફિલ્મનો મુંબઈનો ડિસ્ટ્રીબ્યુટર હતો. જેથી તે ‘યારાના’ ઉપર વધારે ધ્યાન આપી રહ્યો હતો અને જેને લઈને તે ‘સિલસિલા’ ના ડબિંગમાં મોડું કરી રહ્યો હોવાની વાતો પણ ઉડી હતી.
‘સિલસિલા’ ફ્લોપ જતાં ‘લમ્હે’ લંબાઈ
‘સિલસિલા’ પછી 1982માં યશ ચોપરા અમિતાભ અને રેખાને લઈને ‘લમ્હે’ ફિલ્મ બનાવવા માંગતા હતાં. પણ ‘સિલસિલા’ ફ્લોપ જતાં તેમજ અમિતાભ સાથેના સંબંધોમાં ખટાશ આવતાં યશ ચોપરાએ એ પ્રોજેકટ પડતો મૂક્યો હતો. જે ફિલ્મ 10 વર્ષ બાદ 1991માં અનિલ કપૂર અને શ્રીદેવીને લઈને બનાવી હતી.
‘ત્રિશૂલ’ અને ‘કાલા પથ્થર’ બાદ ‘સિલસિલા’ યશ ચોપરાની લગાતાર ત્રીજી ફિલ્મ હતી જેમાં અમિતાભ બચ્ચન, શશિ કપૂર અને સંજીવ કુમાર ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ હતાં.
‘સિલસિલા’ નું સુપરહિટ સંગીત
‘સિલસિલા’ માં ટોટલ 10 ગીતો હતાં. જેમાંથી ‘દેખા એક ખ્વાબ તો’ (કિશોર-લતા), ‘યે કહાં આ ગયે હમ’ (અમિતાભ-લતા), ‘નીલા આસમાં સો ગયા’ (લતા), ‘નીલા આસમાં સો ગયા’ (અમિતાભ), ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’ (અમિતાભ), ‘લડકી હૈ યા શોલા’ (કિશોર-લતા) અને ‘સર સે સરકે’ (કિશોર-લતા) ખૂબ લોકપ્રિય થયા હતાં.
1981ની બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિમાં ‘દેખા એક ખ્વાબ તો’ (કિશોર-લતા) 13માં નંબરે હતું.
ફિલ્મફેર માં ‘સિલસિલા’
29માં ફિલ્મફેર એવોર્ડમાં ‘સિલસિલા’ ફિલ્મને ‘બેસ્ટ એક્ટર’ (અમિતાભ બચ્ચન), ‘બેસ્ટ એક્ટ્રેસ’ (જયા બચ્ચન) અને ‘બેસ્ટ મ્યુઝિક’ (શિવહરિ) એમ 3 નોમિનેશન મળ્યાં હતાં.
‘સિલસિલા’ ના સમકાલીન રાજકર્તાઓ
‘સિલસિલા’ રિલીઝ થઈ ત્યારે 14 ઓગસ્ટ 1981ના દિવસે નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે શારદા મુખરજી ગુજરાતના રાજ્યપાલ અને માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
