તા. 07 ઓક્ટોબર 1999ના રોજ મહેશ માંજરેકરના ડિરેક્શન હેઠળ સંજય દત્ત, નમ્રતા શિરોડકર, રીમા લાગુ, હિમાની શિવપુરી, દિપક તિજોરી, સંજય નાર્વેકર, મોહનિશ બહલ, એકતા બહલ, શિવાજી સાટમ, પરેશ રાવલ, મોહન જોશી, આશિષ વિદ્યાર્થી અને મહેશ માંજરેકર અભિનિત એક્શન ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘વાસ્તવ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત જતીન લલિતે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 25 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 8.0* છે.
બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘વાસ્તવ’ 1999ના વર્ષની 14માં નંબરની હિટ ફિલ્મ હતી. ‘વાસ્તવ’ નું બજેટ રૂ. 7.50 કરોડનું હતું. જ્યારે તેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 20.51 કરોડ હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 128.10 કરોડ ગણી શકાય.
‘વાસ્તવ’ ભારતભરમાં 235 સ્ક્રીનમાં રજૂ થઈ હતી. ‘વાસ્તવ’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 73 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 2.18 કરોડ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 3.94 કરોડ હતું.
‘વાસ્તવ’ છોટા રાજનની જિંદગી ઉપર આધારિત હોવાની અફવા

‘વાસ્તવ’ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની જિંદગી ઉપર આધારિત હોવાની અફવાઓ ઉડી હતી.
સંજય દત્તે સ્વીકાર્યું હતું કે ‘વાસ્તવ’ નો તેનો રઘુનો રોલ અલ પચીનોએ 1983ની ફિલ્મ ‘Scarface’ માં કરેલા અભિનયથી પ્રભાવિત હતો.
સંજય દત્તની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય

સંજય દત્ત ‘વાસ્તવ’ ના ક્લાયમેક્સમાં પોતે કરેલા અભિનયને પોતાની સમસ્ત કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ અભિનય માને છે. આ સીન સંજયે ફક્ત 2 ટેકમાં જ પૂરો કરી દીધો હતો. આ સીન ફિલ્માવવા 2 કેમેરાનો ઉપયોગ કરાયો હતો. જેમાં એક કેમેરો ઘરની અંદર અને બીજો કેમેરો ઘરની બહાર રખાયો હતો.
સંજય દત્ત સામે પહેલાં ઉર્મિલાને સાઈન કરવામાં આવી હતી. પણ તેને કાઢીને નમ્રતા શિરોડકરને લેવામાં આવી હતી.
રીમા લાગુએ સંજયની માતાનો અભિનય કર્યો હતો, જે વાસ્તવિક જિંદગીમાં સંજય કરતાં ફક્ત 1 જ વર્ષ મોટી હતી. જયારે તેના પિતાનો અભિનય કરનાર શિવાજી સાટમ પણ વાસ્તવિક જિંદગીમાં સંજય કરતાં થોડાજ વર્ષ મોટા છે.
‘વાસ્તવ’ ની સિક્વલ ‘હથિયાર’ બોક્સ ઓફિસ ઉપર પિટાઈ ગઈ

‘વાસ્તવ’ ની સિક્વલ 3 વર્ષ બાદ 2002માં ‘હથિયાર’ નામથી બની હતી, પણ તે બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી હતી.
વાસ્તવિક જિંદગીમાં પણ પતિ-પત્ની એવા મોહનિશ બહલ અને એકતા બહલે ‘વાસ્તવ’ માં પતિ-પત્નીની જ ભૂમિકા નિભાવી હતી.
સંજયે 10 મિનિટમાં જ ‘વાસ્તવ’ સાઈન કરી લીધી

મહેશ માંજરેકરે જ્યારે સંજય દત્તને ફિલ્મ ઓફર કરી ત્યારે ફોન ઉપર જ સંજયને કહાનીનું વર્ણન કર્યું હતું અને સંજયે 10 મિનિટમાં જ નક્કી કરી લીધું હતું કે પોતે આ ફિલ્મ કરશે.
મરાઠી કલાકારો ભરત જાદવ, મકરંદ અનાસપૂરે અને યતીન કદમે ‘વાસ્તવ’ માં નાનકડી ભૂમિકાઓ ભજવી હતી. પાછળથી આ ત્રણેય કલાકારો મરાઠી ફિલ્મ ઉદ્યોગનું મોટું નામ બન્યા હતાં અને ભરત જાદવ તો મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાય છે.
‘વાસ્તવ’ માટે ચુનાભઠ્ઠીમાં સેટ ઉભો કરાયો

‘વાસ્તવ’ માટે મહેશ માંજરેકરે સાયન નજીક ચુનાભઠ્ઠીમાં સેટ ઉભો કર્યો હતો. તેમણે ‘વાસ્તવ’ પછી પોતાની ફિલ્મો 2001ની ‘તેરા મેરા સાથ રહે’ અને 2003ની ‘પ્રાણ જાયે પર શાન ન જાયે’ માં પણ આ સેટનો ઉપયોગ કર્યો હતો.
ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ મહેશ માંજરેકરે પહેલાં ‘નિદાન’ લોન્ચ કરી હતી, પણ ફ્લોર ઉપર એની પહેલાં ‘વાસ્તવ’ ગઈ અને રિલીઝ પણ પહેલાં ‘વાસ્તવ’ જ થઈ.
‘વાસ્તવ’ નો એક ડાયલોગ ’50 તોલા’ ખૂબ લોકપ્રિય થયો હતો.
કાશ્મીરા શાહે ‘વાસ્તવ’ માં આઈટમ સોન્ગ કર્યું હતું.
સંજયને પહેલો ફિલ્મફેર ‘વાસ્તવ’ માટે મળ્યો

સંજય દત્તને પોતાની કારકિર્દીનો પહેલો ફિલ્મફેર એવોર્ડ ‘વાસ્તવ’ માટે મળ્યો હતો.
‘વાસ્તવ’ માં કુલ 10 ગીત હતાં. જેમાંથી – ‘મેરી દુનિયા હૈ’ (કવિતા કૃષ્ણમૂર્તિ-સોનુ નિગમ) અને ‘ગણેશ આરતી’ (રાહુલ રાનડે-રવિન્દ્ર સાઠે) – આ બે ગીતો ખૂબ લોકપ્રિય થયા હતાં.
45માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ‘વાસ્તવ’ માટે સંજય દત્તને ‘બેસ્ટ એક્ટર’ નો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’ (મહેશ માંજરેકર), ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ (સંજય નાર્વેકર) અને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ (રીમા લાગુ) એમ 4 અન્ય કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું હતું.
‘વાસ્તવ’ સમયે વાસ્તવિક નાયકો
‘વાસ્તવ’ રિલીઝ થઈ ત્યારે તા. 07 ઓક્ટોબર 1999ના દિવસે કે.આર. નારાયણન દેશના રાષ્ટ્રપતિ અને અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતાં જયારે સુંદરસિંહ ભંડારી ગુજરાતના રાજ્યપાલ અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
