- 2003 વિશ્વકપમાં ભારત ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ટકરાયા હતા
- વીસ વર્ષ બાદ ફરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ટકરાશે
- વીસ વર્ષે એક સરખા અનેક સંયોગો રચાયા
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતનો વર્લ્ડ કપ ભારત માટે શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ હજુ સુધી એક પણ મેચ હારી નથી. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર એક વિજય દૂર છે. સ્થિતિ એવી બની રહી છે કે ટીમ ઈન્ડિયા 20 વર્ષ પહેલા વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો ઓસ્ટ્રેલિયા પાસેથી લઈ શકશે. ઉલ્લેખનીય કે 2003 ની સરખામણીએ આ વર્લ્ડ કપમાં કેટલાક સમીકરણો અને સંયોગો એવા જોવા મળ્યા છે જે એવો સંકેત પણ આપે છે. ઉદાહરણ તરીકે, 2003માં સૌથી વધુ રન ભારતીય બેટ્સમેન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે બનાવ્યા હતા તો આ વખતે ભારતનો જ વિરાટ કોહલી વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવીને સૌથી મોખરે છે. આ સિવાય પણ આવા ઘણા અદભુત સંયોગો બન્યા છે જે જાણીને આશ્ચર્યચકિત થઈ જવાય.
વીસ વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ટકરાશે
20 વર્ષ પહેલા 2003ના વિશ્વ કાપામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી દુર્ભાગ્યવશ ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે જે સમીકરણો બન્યા છે અને ભારતની ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે ભારતની તરફેણમાં જણાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત ઘરઆંગણે વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.
2003ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયન ટીમ અજેય હતી આ વખતે ભારતીય ટીમ
2003ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ હારી ન હતી અને અજેય રહીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ વખતે ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર ફાઇનલમાં પહોંચી છે ત્યારે સ્થિતિ 2003 જેવી જ દેખાઈ રહી છે, શું ભારતીય ટીમ અજેય રહીને વર્લ્ડ ચેમ્પિયન બનશે? આ જોવાનું રસપ્રદ રહેશે.
2003માં ભારતીય બેટ્સમેને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા આ વખતે પણ
2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 673 બનાવ્યા હતા. એવી જ રીતે આ વખતે 2023ના વિશ્વકપમાં વિરાટ કોહલીએ જબરદસ્ત ફોર્મ દર્શાવતાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ 711 રન બનાવ્યા છે એટલું જ નહીં વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
2003માં ઝહીર ખાને મચાવ્યો હતો તરખાટ આ વખતે એ કામ મોહમ્મદ શમીએ કર્યું
ઝહીર ખાને 2003ના વર્લ્ડ કપમાં કુલ 18 વિકેટ ઝડપી હતી અને આ સિવાય ઝહીર વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. વર્ષ 2011માં ઝહીર કુલ 21 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ વખતે મોહમ્મદ શમીએ સેમી ફાઈનલ મેચ સુધી ટુર્નામેન્ટમાં કુલ 23 વિકેટ ઝડપીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. મોહમ્મદ શમીએ આ રીતે ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો છે. શમી વિશ્વ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. જો ફાઈનલમાં શમીનો જાદુ ચાલી ગયો તો ભારતીય ટીમ ચોક્કસ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.
2003ના વિશ્વકપમાં ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનોએ ધમાકેદાર બેટિંગ કરી હતી
2003નો વર્લ્ડ કપમાં ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવી જ રીતે 2011ના વિશ્વકપમાં પણ ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. મિડલ ઓર્ડર બેટ્સમેનોના પ્રદર્શનના આધારે ભારતીય ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી હતી અને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ વર્લ્ડ કપમાં પણ ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2003માં સેહવાગ અને દ્રવિડે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી હતી ઢગલો રન બનાવ્યા હતા. 2003ના વર્લ્ડ કપમાં સેહવાગે કુલ 299 રન બનાવ્યા હતા જ્યારે દ્રવિડે કુલ 318 રન બનાવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ સિવાય વર્ષ 2011માં યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરના પ્રદર્શને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, આ વખતે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર શાનદાર બેટિંગથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ બેટ્સમેનોના આધારે ભારત ચોક્કસપણે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર જણાય છે.
ઓપનર બેટ્સમેનોની ગજબ બેટિંગ
આ વર્લ્ડ કપમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગિલ જબરદસ્ત ફોર્મમાં છે. પાવર પ્લેમાં પણ બંને બેટ્સમેનો ભારત માટે મેચનો તખ્તો પલટી રહ્યા છે. 2003ના વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં પણ આવું જ કંઈક થયું હતું. 2003માં સૌરવ ગાંગુલી અને સચિને વિસ્ફોટક બેટિંગ કરીને સમગ્ર વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. 2003ના વર્લ્ડ કપમાં ગાંગુલીએ 465 રન બનાવ્યા હતા જ્યારે સચિને 673 રન બનાવ્યા હતા. તો 2011ના વર્લ્ડ કપમાં સેહવાગે કુલ 380 રન બનાવ્યા હતા જ્યારે સચિન તેંડુલકરે 482 રન ફટકાર્યા હતા. આ વખતે ભારતની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શુભમણ ગિલ જબરદસ્ત ફોર્મમાં રમી રહી છે. રોહિત શર્મા એ સેમી ફાઈનલ સુધીની મેચોમાં 550 રન બનાવ્યા છે જ્યારે ગિલે 350 રન ફટકાર્યા છે.
2003માં નેહરાએ એક મેચમાં 6 વિકેટ લીધી હતી, આ વખતે શમીએ 7 વિકેટ લીધી હતી.
2003ના વર્લ્ડ કપમાં ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને નેહરાએ ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન 6 વિકેટ ઝડપી બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે શમીએ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લઈને ભારતની તરફેણમાં પાસું પલટી નાખ્યું હતું.
એક માત્ર સંયોગ જે આ વખતે ના બને તો ભારત વિશ્વ વિજેતા બની શકે
ભારતીય ટીમ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી આ એક સંયોગ એવો છે જે ભારતીય કૃક્ત ચાહકો નથી ઇચ્છતા કે ફરી વાર બને. આ વખતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2003નો બદલો લઈ ઈતિહાસ રચવામાં સફળ રહેશે. ભારતે પહેલીવાર 1983માં વિશ્વ કપમાં વિજય મેળવ્યો હતો અને આ સિવાય 2011માં ધોનીની કેપ્ટનશિપમાં ભારત 28 વર્ષ બાદ બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. હવે જોવાનું એ રહે છે કે રોહિતની કેપ્ટન્સીમાં ભારત ત્રીજી વખત બાદ વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે કે કેમ.
[…] મહિલા ટીમે ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપ 2025 (World Cup) ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી […]