પશ્ચિમ બંગાળ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વકફ સંબંધિત નવું બિલ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈછે . આ પ્રસ્તાવિત બિલની માહિતી એકત્ર કરવા માટે ગૃહ મંત્રાલય સક્રિય થઈ ગયું છે.
એક અધિકારીએ આપેલી જાણકારી મુજબ કોલકાતામાં આવેલા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ અંગે દિલ્હીને જાણ કરી હતી ત્યારબાદ ગૃહ મંત્રાલય સક્રિય થયું હતું અને આ બિલના ડ્રાફ્ટની માંગણી કરી છે.
આ પ્રસ્તાવિત બિલમાં વકફ પ્રોપર્ટી અંગે શું જોગવાઈઓ છે અને શું તે કેન્દ્રના પ્રસ્તાવિત વકફ એમેન્ડમેન્ટ એક્ટ 2024ની વિરુદ્ધ છે. સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરાયો છે કે શું આ બિલમાં લઘુમતીઓ માટે વિશેષ જાહેરાતો છે કે નહી તે જાણવાનો પ્રયાસ કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર 25 નવેમ્બરથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં પશ્ચિમ બંગાળ સરકાર તેનું વકફ બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ બિલ રજૂ કરવાની જવાબદારી સરકાર દ્વારા મુસ્લિમ ધારાસભ્યને આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમન બેનર્જી સાથે ચર્ચા પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વકફ સુધારા બિલ 2024ને લઘુમતીઓના અધિકારોને નબળા પાડનારું અને રાજ્યોની સ્વાયત્તતા પર હુમલા કરનારુ ગણાવ્યું છે. તૃણમૂલ કાઁગ્રેસના સાંસદોએ સંસદમાં અને સંયુક્ત સમિતિમાં આ બિવકફ સુધારા બિલ 2024નો વિરોધ કર્યો હતો. તૃણમૂલ કાઁગ્રેસ એવુ માની રહી છે કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ પર વધુ સત્તા ઇચ્છે છે અને તે સંઘીય માળખાની વિરુદ્ધ છે.
ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં આ બિલ પર ચાંપતી નજર રાખી રહી છે. પાર્ટીના ધારાસભ્યોએ સંકેત આપ્યા છે કે તેઓ રાજ્ય સરકારના બિલનો વિરોધ કરશે. જેના કારણે વિધાનસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણની સંભાવના છે.