- ભારતે અપનાવ્યુ ઝીરો ટ્રસ્ટ મોડલ
- સાયબર ખતરાને ધ્યાનમાં રાખી ભારત સતર્ક
- G-20 સમિટ આજથી થશે શરૂ
ભારતમાં G-20 સમિટ આજથી શરૂ થઈ રહી છે જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેવા પહોંચી રહ્યા છે. ભારત દ્વારા આ સમીટના મહત્વને ધ્યાન્માં રાખીને ઘણી ભવ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓમાં સૌથી મહત્વની છે G-20 સમીટની સુરક્ષા વ્યવસ્થા. G-20 સમીટની સુરક્ષા માટે ભારતે ઝીરો ટ્રસ્ટ મોડલ અપનાવ્યુ છે. આ મોડેલ રાજ્યના વડાઓને સ્થળ પર લાવવા માટે તેમને ચેકપોઇન્ટ અને સાયબર હુમલાઓથી બચાવવા માટે લાગુ કરવામાં આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી ઝીનપિન્ગ આ સમીટમાં આવી રહ્યા નથી અને ભારત ચીન અને પાકિસ્તાનના ખતરાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર સમીટ દરમિયાન અનેક પ્રકારની સાવચેતી રાખી રહ્યુ છે.
ભારત આઈટી સિસ્ટમ પર અવિરત નજર રાખી રહ્યું છે. સાયબર બાબતો સંબંધિત નિષ્ણાતો આ બાબતે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા હોય તેવુ જણાય છે. કોઈ પણ પ્રકારનુ જોખમ ન લેવાની પોલિસીને ઝીરો ટ્રસ્ટ પોલિસી કહેવામાં આવી રહી છે, આ પોલિસી હોટલથી લઈને તે તમામ જગ્યાઓ પર લાગુ કરવામાં આવી છે જેનું G20 સાથે પણ જોડાણ છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક વરિષ્ઠ સરકારી અધિકારીનું કહેવું છે કે ભારતીય એજન્સીઓ દ્વારા ચીન અને પાકિસ્તાનના સાયબર હુમલાખોરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે, જેઓ ભારત માટે ખતરો છે. સાયબર ખતરાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભારત અત્યંત સતર્ક છે અને તેને અનુલક્ષીને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખુબ સુધારો કરવામાં આવ્યો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ દ્વારા દરેક ઉપકરણ અને ખાનગી નેટવર્ક પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. આ બાબતે સુરક્ષા ટીમો દરેક ચીજ વસ્તુ, દરેક ઉપકરણની ચકાસણી પણ કરી રહી છે. કોઈપણ બાહ્ય સિસ્ટમો અથવા ઉપકરણો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં તે બાબતે ચોકસાઈ રાખવામાં આવી રહી છે. આ સંદર્ભમાં, જ્યાં મહેમાનો અથવા જે G-20 ઇવેન્ટ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલ છે તેવા લોકો રોકાયા છે તે દરેક હોટેલને એક માર્ગદર્શિકા મોકલવામાં આવી છે.
એનડીટીવીએ તેના રીપોર્ટમા જાણાવ્યું છે કે દિલ્હી સ્થિત જે 28 હોટલોને VVIPના રોકાણ માટે પસંદ કરવામાં આવી છે તેની સુરક્ષા વધારવાની સાથે સાથે તેને હાઈટેક બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત આઇટીસી મૌર્ય, ઈરોઝ હોટેલ, રેડિસન બ્લ્યુ, તાજ હોટેલ, પ્રાઈડ પ્લાઝા, તાજ દ્વારા સંચાલિત વિવાંતા, હોટેલ ગ્રાન્ડ, તાજ દ્વારા સંચાલિત એમ્બેસેડર, ધ અશોકા, હયાત રિજન્સી, જેડબ્લ્યુ મેરિયોટ, અંદાજ દિલ્હી, ધ લોધી, ધ લીલા, ધ સૂર્યા, ઈમ્પીરીયલ ધ ઓબેરોય, આઈટીસી ભારત ગુડગાંવ સહિત ઘણી હોટલોમાં સાયબર સ્ક્વોડ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઈવેન્ટના આયોજન માટે જવાબદાર લોકો અને હોટલ માલિકોને વાઈફાઈ સેફ્ટી, ડિવાઈસ મોનિટરિંગ અને નેટવર્ક એક્સેસ પર સતત નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેઓને એવા તમામ પોર્ટને નિષ્ક્રિય કરવા માટે કહેવામાં આવ્યું છે કે જેમાં બિન-સત્તાવાર જોડાણો છે.
જી-20 ઈવેન્ટની સાયબર સુરક્ષાની સમગ્ર કમાન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDOની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT)ના હાથમાં છે. આ ઉપરાંત દિલ્હી પોલીસનું સાયબર યુનિટ પણ બાજનજર રાખી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2011માં પેરિસમાં જી-20 સમિટ યોજાઈ હતી ત્યારે G20 સંબંધિત ગોપનીય પેપર્સ મેળવવા માટે હેકર્સ દ્વારા ફિશિંગ ઈમેલ અને માલવેર ફ્રાન્સના નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2014માં બ્રિસ્બેનમાં આયોજિત G20 સમિટમાં મહેમાનોની સાથે હાજર તેમના સાથીદારોને હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. 2017માં જર્મનીના હેમ્બર્ગમાં યોજાયેલી જી-20 સમિટમાં પણ આવા કિસ્સા નોંધાયા હતા. તે જ સમયે, ભારતમાં ચીન અને પાકિસ્તાનના હેકર્સનો ખતરો પહેલેથી જ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેથી દેશની સાયબર સુરક્ષાને વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે.