ગ્રાહ્ક જ્યારે કોઈ શોપિંગ મોલ કે દુકાન પર જાયત્યારે ઘણી જગ્યાએ લખેલું જોતા હોય છે કે વેચેલો સામાન પરત નહીં આવે. દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. અંગ્રેજી અખબાર જાગરણ ના જણાવ્યા અનુસાર ગ્રાહકોના અધિકારના રક્ષણ માટે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે કોઈપણ ગ્રાહક જે રીતે વસ્તુ ખરીદે છે, તે જ રીતે દુકાનદારને વસ્તુ પરત કરી શકે છે.
શું કહે છે ગુજરાત સરકારનો પરિપત્ર
ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે, જો કોઇ વેપારી કે દુકાનદાર વેચેલો માલ પરત લેવાની ના પાડે તો તેની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ શકે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જાતે જ નિયમો બનાવી શકશે નહીં. જો વેપારી દોષી સાબિત થાય તો તેને દંડ પણ થઈ શકે છે અને સજા પણ થઈ શકે છે.
અમદાવાદમાં મહિલા એ દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી
આવા એક નહીં પરંતુ ઘણા ઉદાહરણો જોવા મળશે. અમદાવાદમાં એક મહિલાએ શો રૂમ માંથી પતિ માટે લગભગ 16 હજારની કિંમતની ઘડિયાળ ખરીદી હતી. જ્યારે મહિલા તે ઘડિયાળ લઇ ઘરે પહોંચી તો પતિના કાંડા પર બરાબર ફિટ નહોતી થઈ. આ પછી મહિલા આ ઘડિયાળ પરત કરવા માંગતી હતી, પરંતુ શોરૂમના માલિકે બિલમાં લખેલી લાઇનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘એક વખત વેચાયા બાદ ઘડિયાળ પરત લેવામાં આવશે નહીં. એટલું જ નહીં તેણે મહિલાને પરત મોકલી દીધી હતી. મહિલાએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી દીધી.
શું કહે છે કાયદો ?
હવે ગ્રાહક કાયદાની વાત કરીએ તો જાણકારોના મતે જો દુકાનદારે ગ્રાહકને કોઈ સામાન વેચી દીધો હોય અને તે ગ્રાહકની જરૂરિયાત મુજબ ન હોય તો ગ્રાહક તેને પરત કરી શકે છે. જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019
જો ચીજ વસ્તમાં કોઈ ખામી જોવા મળે તો તેને બદલવાનો ગ્રાહકને અધિકાર છે. તેમજ જો ગ્રાહકને માલ પરત કરવો હોય તો દુકાનદાર માલના પૈસા પરત આપી શકે છે. એટલું જ નહીં ખરાબ માલના કારણે જો ગ્રાહકને કોઈ નુકસાન થાય છે તો તે નુકસાન માટે ગ્રાહક વળતરનો દાવો પણ કરી શકે છે.
ગ્રાહક ફરિયાદ ક્યા કરવી?
ઘણા લોકોને કદાચ આવા કેસો વિશે ક્યાં ફરિયાદ કરવી તે વિશે ઓછી જાણકારી હોય છે. ખરીદેલા માલ સામાન વિશે ગ્રાહકો જિલ્લા ગ્રાહક ફોરમ, રાજ્ય ગ્રાહક આયોગ અને રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જ તમે ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકો છો.