એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
દેશમાં રોજગારને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. સોશિયલ મીડિયા પર યુવાનો રોજગાર સંબંધિત મુદ્દાઓ પર લખી રહ્યા હોય એવા અનેક હેશટેગ્સ ટ્રેન્ડમાં જોવા મળી જતા હોય છે. જોકે, આ દરમિયાન શહેરી વિસ્તારોમાં રહેતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર 2024 દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 6.4 ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
શું કહે છે NSOનો રિપોર્ટ?
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ તાજેતરમાં બેરોજગારી દર સંબંધિત ડેટા જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2024 દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 6.4 ટકા થયો છે. છેલ્લા ક્વાર્ટરમાં તે 6.6 ટકા હતો અને એક વર્ષ પહેલા પણ તે 6.6 ટકા હતો.
સોમવારે જાહેર કરાયેલ પીરિયડ બેઝ્ડ લેબર ફોર્સ સર્વે (PLFS) ડેટા દર્શાવે છે કે એપ્રિલ-જૂન 2018 પછી આ ઘટાડો સૌથી ઓછો છે. જોકે, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) અને વર્કર પોપ્યુલેશન રેશિયોમાં વધારો જોવા મળ્યો છે.
રોજગારી શોધી રહેલા લોકોની સંખ્યામાં થયો વધારો
એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આવા લોકોની સંખ્યા વધીને 50.4 ટકા થઈ ગઈ છે, જે પોતાનામાં સૌથી વધુ છે.
મહિલાઓમાં બેરોજગારીનો દર પણ ઘટ્યો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા લિંગ-આધારિત ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બરમાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 8.4 ટકાના રેકોર્ડ નીચા સ્તરે હતો. આ સતત પાંચમું ક્વાર્ટર છે જ્યારે મહિલા બેરોજગારી દર 8 ટકાથી ઉપર રહ્યો હતો. પુરૂષોની રોજગારી સંદર્ભે જોઇએ તો જુલાઈ-સપ્ટેમ્બરમાં આ બેરોજગારીનો દર 5.7 ટકા હતો, જે અગાઉના ક્વાર્ટરમાં 5.8 ટકા હતો અને એક વર્ષ અગાઉ 6 ટકા હતો.