દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મંગળવારે માર્શલ લો જાહેર કર્યો છે. યૂને કહ્યું કે ઉત્તર કોરિયાના સામ્યવાદથી દેશને બચાવવા અને રાજ્ય વિરોધી તત્વોને ખતમ કરવા માટે આ પગલું આવશ્યક છે. રાષ્ટ્રપતિએ કહ્યું, “દેશમાંથી ઉત્તર કોરિયા તરફી શક્તિઓને દૂર કરવા અને ઉદાર બંધારણીય વ્યવસ્થાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
એક ટેલિવિઝન બ્રીફિંગમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કહ્યું કે તેમની પાસે માર્શલ લોનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ એ નથી જણાવ્યું કે માર્શલ લો હેઠળ કયા પ્રતિબંધો લાદવામાં આવશે અથવા કયા વિશેષ નિયમો લાવવામાં આવશે.
વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ઈમરજન્સી બેઠક બોલાવી
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ દ્વારા માર્શલ લોની જાહેરાત બાદ તરત જ દેશની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના સાંસદોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા પગલા અને સરકાર દ્વારા લગાવવામાં આવેલા નિયંત્રણો પર પણ ચર્ચા કરવામાં આવશે.
વિપક્ષે વિરોધ વ્યક્ત કર્યો
દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી ‘યોનહાપ’ના અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના નેતા લી જે-મ્યુંગે કહ્યું છે કે માર્શલ લોની ઘોષણા ગેરબંધારણીય છે. બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સત્તાધારી પીપલ્સ પાવર પાર્ટીના વડા હાન ડોંગ-હૂને પણ માર્શલ લોને ખોટો ગણાવ્યો છે અને તેને રોકવાની નેમ લીધી છે.
રાષ્ટ્રપતિની મહાભિયોગ ટાળવાની યુક્તિ
એએફપીના અહેવાલ મુજબ, ડેમોક્રેટિક પાર્ટી ઑફ કોરિયાના નેતૃત્વ હેઠળની વિપક્ષી પાર્ટીઓએ સત્તાના કથિત દુરુપયોગને લઈને રાષ્ટ્રપતિ યૂન પર મહાભિયોગની માંગણી કર્યાના એક મહિના બાદ માર્શલ લૉ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષે કહ્યું કે રાષ્ટ્રપતિ માર્શલ લૉ લાદીને મહાભિયોગથી બચવા માગે છે. વિપક્ષના નેતા લી જે-મ્યુંગે ચેતવણી આપી હતી કે માર્શલ લો ‘સંપૂર્ણ સરમુખત્યારશાહી’ તરફ દોરી શકે છે, તેના દુરુપયોગના ઐતિહાસિક ઉદાહરણો એ તરફ ઈશારો કરે છે.