- કેનેડાના સાર્વજનિક સુરક્ષા મંત્રીને લખાયો પત્ર
- પત્રમાં આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના વિડીઓ પર ચિંતા વ્યક્ત કરી
- હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત કેનેડા વચ્ચે તણાવ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ શરૂ થયો હતો. હરદીપ સિંહ નિજ્જર ભારતનો જાહેર કરેલો આતંકવાદી હતો જેની બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા ઘોષિત આતંકવાદી ગુરપતવંત પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘ખાલિસ્તાન તરફી શીખોએ હંમેશા કેનેડા પ્રત્યે વફાદારી દર્શાવી છે.’ આ વિડીઓમાં તેણે ઈન્ડો-કેનેડિયનોને કેનેડા છોડવાની ધમકી આપી છે. પન્નુએ ધમકી આપી હતી કે, ‘કેનેડામાં રહેતા હિંદુઓએ જલદી અહીંથી નીકળી જવું જોઈએ.’
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુએ સોશ્યલ મીડિયા પર જાહેર કરેલા વિડીઓમાં આપેલી ધમકીને ધ્યાનમાં રાખીને હિંદુ ફોરમ કેનેડાએ કેનેડાના સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં હિંદુ ફોરમ કેનેડાએ ખાલિસ્તાનીઓની ધમકીઓને ધ્યાનમાં રાખીને હિંદુ સમુદાયની સુરક્ષાની માંગ કરી છે. હિન્દુ ફોરમ કેનેડા એ કેનેડામાં લઘુમતીઓના કલ્યાણ માટે કાર્યરત બિનસરકારી માનવતાવાદી સંસ્થા છે.
પોતાના પત્રમાં, હિંદુ ફોરમ કેનેડાએ લેબ્લેન્કને આ મામલામાં વિશેષ ધ્યાન આપવા તથા પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા અને ભારત દ્વારા ઘોષિત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નિવેદનો અંગે ઉચિત અને સખત પગલાં લેવા જણાવ્યું છે. હિન્દુ ફોરમ કેનેડાએ જણાવ્યું કે, ‘જેની સીધી અસર કેનેડાના નાગરિકો પર પડી રહી છે તેવી આ બાબત પર ગંભીરતાથી પગલા લેવા અધિકારીઓને વિનંતી કરીએ છીએ. હિંદુ ફોરમ કેનેડાએ આગળ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પન્નુના નફરત ફેલાવતા વીડિયોએ અમારી ચિંતામાં વધારો કર્યો છે.