પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી જતિન જીતેન્દ્ર ચારણીયા નામના શખસને ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે. એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે પોરબંદરમાંથી એક પાકિસ્તાની જાસુસને ઝડપી લીધો છે. પાકિસ્તાનને મદદ કરનારા જાસુસી તત્ત્વો ઝડપાવાના સંદર્ભમાં પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે. પકડાયેલા જાસૂસ આરોપીને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની માગણી કરશે. આરોપી વ્યક્તિની પૂછપરછ સાથે વધુ લોકોના નામ પણ જાસુસી મામલે બહાર આવશે તેવી સંભાવના નકારી શકાતી નથી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઝડપાયેલો શખસ સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIને દેશની ગુપ્ત માહિતી આપતો હતો. ઝડપાયેલો શખસ ઘણા સમયથી પોલીસની નજરમાં હતો. પોલીસે કેટલીક વિગતો મેળવી કરીને તેની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા શખસને આજે સાંજના કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ તપાસ માટે રિમાન્ડની માગણી પણ થશે. ત્યાર બાદ વધુ વિગતો બહાર આવશે. હાલ તેની સામે FIR સહિતની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
આરોપીની ધરપકડ અંગે ગુજરાત ATSના DySP એસએલ ચૌધરી કહે છે, “પોલીસ ઇન્સ્પેક્ટર પીયૂષ દેસાઈને માહિતી મળી હતી કે પોરબંદરનો જતીન ચારણિયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘Advika Prince’ પર માહિતી મોકલી રહ્યો છે. તે દેશની ગુપ્ત માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલવાના બદલામાં પૈસા મેળવે છે. આમ કરીને તે દેશ વિરોધી પ્રવૃતિ કરી રહ્યો છે. એક ટીમે તેના સોશિયલ મીડિયા અને ફાઇનાન્સ પર નજર રાખી અને પુરાવા એકત્રિત કર્યા. એટીએસ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 121 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.